૧૦૦ દોષિત ભલે નિર્દોષ છુટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ… કાયદાના માનવતાવાદી અભિગમને નબળાઈ બનાવીને જેલમાંથી યેનકેન પ્રકારે જામીન ઉપર છુટીને ફરાર થઈ જવા પાછળ ક્યાંકને ક્યાંક આપણી કાયદાકીય નબળાઈઓ કારણભૂત ગણી શકાય
ભારતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને ખાસ કરીને દંડ સહિતામાં ક્યાંય કાચૂ ન કપાય જાય અને નિર્દોષને દોષિત ગણી સજા ન થઈ જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ ક્યારેક-ક્યારેક કાયદાની આ સાવચેતીની ભાવનાનો વ્યાપક પ્રમાણમાં ગેરલાભ લઈને જેલમાંથી કેદીઓ લાંબા સમય સુધી ફરાર થઈ જાય છે. તાજેતરમાં જ બહાર આવેલા એક કિસ્સામાં ૪૭ વર્ષ સુધી ફરાર રહેલા કેદીને ઝડપી લીધા બાદ તેના કેસનો નિવેડો ૪૭ દિવસમાં જ આવી ગયો હતો.
આ ચકચારી બનેલા કિસ્સા અંગે મળેલ વિગતો મુજબ સશસ્ત્ર લૂંટના ગુનામાં ૬૮ વર્ષનો યશવંત રાવ મરાઠા સામે ૪૭ વર્ષ પહેલા સમન્સ ઈસ્યુ થયો હતો અને ત્યારથી તે ફરારી જાહેર કરવામાં આવ્યો હતો. યશવંત રાવ અર્ધ સદીથી વધુ સમય કાયદાના હાથમાં આવ્યો ન હતો અને તેને છેલ્લે ગયા મહિને પકડી લેવામાં સફળતા મળી હતી. વ્યવસાયે ડ્રાઈવર યશવંત મરાઠાને ૧૨મી સપ્ટેમ્બરે તેના મધ્યપ્રદેશના ઈન્દોર નિવાસ સ્થાનેથી બિન જામીન લાયક વોરંટની બજવણી રૂપમાં તેની અટકાયત કરવામાં આવી હતી.
યશવંત મરાઠા ઉપર ૧૯૭૩માં હાલના ખાડીયા અને અગાઉ અસ્ટોડીયા પોલીસ મથક તરીકે ઓળખાતા પોલીસ મથકમાં સશસ્ત્ર લૂંટનો ગુનો નોંધાયો હતો અને તેને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યાંથી તે ભાગી ગયો હતો. યશવંત મરાઠાની હાલની વય અને આરોગ્યની સ્થિતિને ધ્યાને લઈ મુખ્ય સેશન્સ જજ એસ.કે.બક્ષીએ મંગળવારે યશવંત મરાઠાને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. જામીન અરજીની સુનાવણી દરમિયાન બચાવપક્ષના વકીલે દલીલ કરી હતી કે, તેનો અસીલ નિર્દોષ છે અને લૂંટમાં તેની મોટરનો ઉપયોગ થયો હતો. તેનાથી તેને દોષીત ન ગણી શકાય. આ કેસમાં વકીલોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પોલીસે તેને બોલાવ્યો હતો. લાંબો સમય સુધી ફરાર રહ્યાં બાદ ૪૭ વર્ષે હાથમાં આવેલા યશવંત સામેનો કેસ બેબુનિયાદ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેના સરનામા પર તેની પુત્રી રહેતી હતી. રાજય સરકારે યશવંત મરાઠાની જામીન અરજી સામે વિરોધ નોંધાવ્યો હતો. જો કે, અદાલતે યશવંત મરાઠાને ૨૫૦૦૦ના જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. જો કે સાથે સાથે તેને સત્તાવાળાઓની મંજૂરી વગર શહેર છોડવાની મનાઈ કરવામાં આવી છે. ૪૭ વર્ષથી ફરાર આરોપી માત્ર ૪૭ દિવસમાં જ જામીન પર મુકત થવાની આ ઘટનાને કઈ રીતે મુલવવી તે ચર્ચાનો વિષય છે.