વાવાઝોડું એક્સ્ટ્રીમલી વેરી સિવિયર સાયકલોનીક સ્ટ્રોમમાંથી વેરી સીવીયર સાયકલોનીક સ્ટ્રોમની કેટેગરીમાં મુકાયું, સામે તીવ્રતામાં વધારો
દરિયાકાંઠાના 8 જિલ્લાઓના 441 ગામોમાં આશરે 16. 76 લાખ લોકો સાયક્લોનથી પ્રભાવિત થવાની શકયતા : હાલ વાવાઝોડું પોરબંદરથી 250 કિમિ દૂર
કચ્છના દરિયા કિનારે 15મીએ ત્રાટકનાર બિપરજોય વાવાઝોડાનું જોર જોર કહેવા પૂરતું ઘટ્યું છે પણ ખતરો બરકરાર રહ્યો છે. હાલ તૈયારીઓ માટે તંત્ર ઊંધામાથે થઈ રહ્યું છે. શક્ય તેટલું ઓછું નુકસાન થાય તેવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બિપોરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ જેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયુ છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે.અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી બિપોરજોય વાવાઝોડુ ગુજરાતીની નજીક પહોંચ્યું છે. જેના કારણે તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાને પગલે ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે.
હાલની હવામાન વિભાગની અપડેટ પ્રમાણે વાવાઝોડું એક્સ્ટ્રીમલી વેરી સિવિયર સાયકલોનીક સ્ટ્રોમમાંથી વેરી સીવીયર સાયકલોનીક સ્ટ્રોમની કેટેગરીમાં મુકાયું છે. સામે તીવ્રતામાં વધારો થયો છે. બીજી તરફ સરકારના જણાવ્યા પ્રમાણે દરિયાકાંઠાના 8 જિલ્લાઓના 441 ગામોમાં આશરે 16. 76 લાખ લોકો સાયક્લોનથી પ્રભાવિત થવાની શકયતા છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકિનારે વાવાઝોડું પ્રવેશે ત્યારે 125થી 150 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
કચ્છ, દ્વારકા અને રાજકોટ માટે વધુ 5 એનડીઆરએફની ટિમ ફાળવાય
કચ્છ, દ્વારકા અને રાજકોટ જિલ્લા માટે સરકાર દ્વારા વધુ 5 એનડીઆરએફની ટિમ ફાળવવામાં આવી છે. અહેવાલો મુજબ ગાંધીનગરથી એનડીઆરએફની 2 ટિમો કચ્છ જવા રવાના થઈ છે. જ્યારે 1 ટિમ દ્વારકા જવા રવાના થઈ છે. આ ઉપરાંત વડોદરાથી 2 ટિમ રાજકોટ જવા રવાના થઈ છે.
પૂર્વ તૈયારીમાં કોઇ કચાશ ન રાખવા વડાપ્રધાનનો આદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પોર્ચ મિનિસ્ટર સર્બાનંદ સોનોવાલે તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કેન્દ્ર સરકાર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાને વરિષ્ઠ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે તે સુનિશ્ચિત કરવા અને તમામ આવશ્યક સેવાઓ જેમ કે પાવર, ટેલિકોમ્યુનિકેશન, વગેરેની જાળવણી સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. આરોગ્ય, પીવાનું પાણી, વગેરે, અને તેમને થયેલા નુકસાનની સ્થિતિમાં તરત જ આ પ્રાથમિક સુવિધાઓને પુનઃસ્થાપિત કરવામાં આવે એની વ્યવસ્થાની ખાતરી કરી હતી.આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત અને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા હતી. પીએમ મોદીએ કેન્દ્ર તરફથી તમામ મદદ આપવાની ખાતરી આપી છે.
ગ્રુહ મંત્રી અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠક
આજે ગૃહપ્રધાન અમિત શાહ વાવાઝોડાની સમીક્ષા બેઠક યોજવાના છે. બિપરજોય વાવાઝોડાને લઇ સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી સહિતના નેતા પરિસ્થિતિનો તાગ મેળવવા બેઠકો કરી રહ્યા છે. આજે ગૃહપ્રધાન અમિત શાહ વાવાઝોડા અંગે સમીક્ષા કરશે. બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, 6 જિલ્લાના અધિકારીઓ અને 6 જિલ્લાના ધારાસભ્યો પણ બેઠકમાં સામેલ થશે.
ભારે પવન અને વરસાદના કારણે 235 ગામોમાં સર્જાયો અંધારપટ્ટ
વાવાઝોડા પૂર્વે જ પીજીવીસીએલને મોટુ નુકસાન : 729 ફીડર બંધ, 383 વીજ પોલ જમીનદોસ્ત
ભારે પવન અને વરસાદના કારણે પીજીવીસીએલને વ્યાપક નુકસાન થયું છે. જેમાં 235 ગામોમાં તો વીજ પુરવઠો જ ખોરવાય ગયો છે. બીજી તરફ 729 ફીડર બંધ, 383 વીજ પોલ જમીનદોસ્ત થયા છે. સૌથી વધુ નુકસાન જામનગર, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં થયું છે. જેમાં જામનગરમાં 45 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જ્યારે 278 વીજ પોલ ધરાશાયી થયા છે. પોરબંદરમાં 70 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જ્યારે 3 વીજ પોલ ધરાશાયી થયા છે. જૂનાગઢમાં 66 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જ્યારે 36 વીજ પોલ ધરાશાયી થયા છે. ભુજમાં 51 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જ્યારે 5 વીજ પોલ ધરાશાયી થયા છે.