- ફિનિક્સ પક્ષીની જેમ ગોપાલ નમકીન રાખમાંથી બેઠી થઇ
- તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અન્ય યુનિટ ખાતે રવાના કરી દેવાઈ: ઉત્પાદન વધારી દેવા આદેશ
- ડીલરોએ કોઈપણ સંજોગોમાં માલની અછત નહિ ભોગવવી પડે: બિપીનભાઈનું વચન
સૌરાષ્ટ્ર, ગુજરાત સહીત દેશભરની સ્વાદપ્રેમી જનતાને ફ્રાઈમ્સની વિશાળ પ્રોડક્ટ પીરસતી ગોપાલ નમકીનના મેટોડા જીઆઈડીસી સ્થિત યુનિટમાં ગત બુધવારે આગ લાગતા આખી ફેક્ટરી બળીને ખાખ થઇ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો અને પરિણામે ફક્ત મેટોડા નહિ પણ રાજકોટ, શાપર, ગોંડલ, કાલાવડ, મોરબી, જમનગર, રિલાયન્સ સહિતના સ્થળોથી ફાયર ફાઇટરો દોડાવવામાં આવ્યા હતા. સાથોસાથ ખાનગી ટેન્કર પણ બોલાવવામાં આવ્યા હતા તેમ છતાં 24 કલાક સુધી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો ન હતો. આગની ઘટનાને ત્રણ દિવસ વીત્યા બાદ પણ હજુ યુનિટમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો.
આગની મોટી દુર્ઘટના બન્યા બાદ ગોપાલ નમકીનની પ્રોડક્ટની બજારમાં અછત સર્જાઈ જશે તેવી વાતો સ્વાભાવિક રીતે ચાલી રહી હતી પણ ગોપાલ નમકીનના મેનેજીંગ ડિરેકટર બિપીનભાઈ હદવાણીએ આફતને અવસરમાં પલટાવી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તેમના અન્ય યુનિટ પર મોકલી પ્રોડક્શન વધારીને ડિમાન્ડ અને સપ્લાયનો રેસિયો જાળવી લેવામાં આવે તેમજ ડિસ્ટ્રીબ્યુટરને પ્રોડક્ટની સહેજ પણ અછત સર્જાય નહિ તેના માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
આ સમગ્ર ત્વરિત એક્શન અંગે ગોપાલ નમકીનના મેનેજીંગ ડિરેકટર બિપીનભાઈ હદવાણીએ અબતક સાથેની વાતચીતમાં સૌ પ્રથમ તો નુકસાની અંગે વર્ણવતા જણાવ્યું હતું કે, નુકસાનીનો તદ્દન સાચો તાગ હાલ મેળવી શકાય તેવું નથી, હજુ પણ અમુક સ્થળો પર આગના લબકારા જોવા મળી રહ્યા છે, ધુમાડો નીકળી રહ્યો છે માટે અંદર જઈ શકાય તેવી હાલ પણ પરિસ્થિતિ નથી ત્યારે સ્ટ્રક્ચર, મશીનરીની સ્થિતિ જાણ્યા બાદ જ સાચો આંક મેળવી શકાશે પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવુ કહી શકાય કે, નુકસાનીનો આંક 50 થી 100 કરોડની વચ્ચે રહેશે.
તેમણે આગની ઘટના અંગે જણાવ્યું હતું કે, મે નાનપણથી અનેક તકલીફોનો સામનો કર્યો છે, મે જ્યારે રાજનગરમાંનાના યુનિટથી શરૂઆત કરેલી ત્યારે પણ આગનો બનાવ બન્યો હતો. બુધવારે જયારે મને આગ લાગ્યાની જાણ થઇ ત્યારે સૌથી પહેલા કર્મચારીઓ કોઈ અંદર ફસાઈ ન જાય તેના માટે પ્રયત્નો શરૂ કર્યા હતા અને પરિણામે એકપણ કર્મચારીને કોઈ ગંભીર ઇજા પહોંચી ન હતી અને અંતે તમામ કર્મચારીઓને સાથે રાખી હિંમતપૂર્વક આ પરિસ્થિતિનો સામનો કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ઔદ્યોગિક એકમોમાં બુધવારે રજા હોય છે પણ અમે રવિવારે રજા પાળતા હોવાથી બુધવાર અમારા માટે સામાન્ય કામનો દિવસ હતો જેથી તમામ કર્મચારીઓ ફરજ પર હાજર હતા. બોક્સ સ્ટોરેજ સિસ્ટમમાં રીપેરીંગ સમયે કોઈ તણખલાના લીધે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. આ વિભાગમાં પેકીંગના કાગળો હોવાથી આગ ઝડપથી પ્રસરી રહી હતી. આ સમયે ફાયર બાટલાની મદદથી આગ બુઝવવા કોશિશ કરવામાં આવી હતી પણ પૂઠામાં આગ લગતા ધુમાડો મોટા પ્રમાણ નીકળતો હોવાથી ફાયર સામે લડવાની પાણીની પાઈપલાઈન અંદર લઇ જવી મુશ્કેલ બની હતી તેથી અમે પહેલા કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી હતી અને તમામ કર્મચારીઓને બહાર કાઢ્યા હતા.
બિપીનભાઈ હદવાણીએ જણાવ્યુ હતું કે, આખું યુનિટ બળીને ખાખ થઇ જતાં ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે પણ અમારા ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂરિયાત નથી. મેટોડામાં જ અમારું મસાલાનું યુનિટ છે બિલકુલ સહી સલામત છે, કાચી ફ્રાઈમ્સ, વેફરનું યુનિટ મોડાસા ખાતે આવેલું છે તેમજ નાગપુર ખાતે પણ અમારું યુનિટ આવેલું છે જ્યાં પ્રોડક્શન વધારીને સૌરાષ્ટ્રની પ્રજાની ડિમાન્ડને પૂર્ણ કરવા કવાયત હાથ ધરી દેવામાં આવી છે જેથી ડિસ્ટ્રીબ્યુટરથી માંડી એન્ડ યુઝર સુધી કોઈએ ચિંતા કરવાની જરૂરિયાત નથી, ડિમાન્ડ અને સપ્લાયનો રેસિયો જળવાઈ રહેશે.
તેમણે જણાવ્યું હતું કે, વિપત્તીમાં પણ રસ્તો શોધી કાઢવો જરૂરી છે. જયારે આ ઘટના બની ત્યારે ચારેકોરથી ફોન આવવા લાગ્યા અને સહવ્યવસાયીઓએ મદદની તૈયારી બતાવતા તાત્કાલિક અન્ય યુનિટમાં ઉત્પાદન કરવાનો વિચાર આવ્યો અને ત્યારબાદ ત્વરિત આ વિચારની અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી.
તેમણે મોડાસા અને નાગપુરથી સૌરાષ્ટ્ર સુધી પ્રોડક્ટ પહોંચાડવા અંગે જણાવ્યુ હતું કે, આ બાબત ચોક્કસ પડકારજનક બાબત છે પણ અમારા પોતાના 250 ટ્રક તેમજ અન્ય ભાડાના ટ્રક મારફત આ સ્પલાય ચેઇન જાળવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ડિસ્ટ્રીબ્યુટરની આ રોજી રોટી હોય છે ત્યારે તેમને કોઈ તકલીફ ન પડે તે અમારો મુખ્ય ઉદેશ્ય છે માટે અમે હાલ કોઈ ખર્ચ સામે જોઈ રહ્યા નથી ફક્ત ગમે તેમ કરીને જરૂરિયાતને પહોંચી વળવા હાલ તમામ પગલાં લેવામાં આવ્યા છે.
બિપીનભાઈએ જણાવ્યું હતું કે, નુકસાનીનો સામનો કરીને પણ હાલ અમે લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડવાની તૈયારી કરી છે. એકાદ સપ્તાહમાં મોટાભાગની પ્રોડક્ટસ બજારમાં ઉપલબ્ધ થઇ જશે. અમારી પાસે ખુબ વિશાળ પ્રોડક્ટ રેન્જ છે જે પૈકી 70% મેઈન પ્રોડક્ટ્સ ચાલતી હોય છે જે પ્રોડક્ટ્સ થોડા જ દિવસોમાં ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચી જાય અને ત્યારબાદના થોડા દિવસોમાં તમામ પ્રોડક્ટનું પ્રોડક્શન અને સપ્લાય પૂર્વવત થઇ જાય તેવી તૈયારી સાથે અમે આગળ વધી રહ્યા છીએ.
આગની ઘટના સમયની પોતાની, પરિવારની અને કર્મચારીઓની મનોસ્થિતિ અંગે બિપીનભાઈ હદવાણીએ જણાવ્યુ હતું કે, જયારે આગ લાગી ત્યારે તમામ કર્મચારીઓ આગને બુઝવવાની કોશિશ કરી રહ્યા હતા. અમારા કર્મચારીઓ મારો પરિવાર છે એટલે જાણે તેમનું ઘર સળગ્યું હોય તેમ તેઓ સતત આગને બુઝવવા દોડધામ કરી રહ્યા હતા. મહિલા કર્મચારીઓ જ્યાં કામ કરી રહ્યા હતા ત્યાંથી જ આગની શરૂઆત થઇ હોવાથી અમે પહેલા કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢી લેવા પ્રયત્નો કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, વીમો પકવવા આગ લગાડી દેવાની ઘટનાઓ બનતી હોય છે અને અમારી ઉપર એવા જ આક્ષેપો કરવામાં આવ્યા હતા પણ અમે એ દિશામાં ક્યારેય નજર જ કરી નથી. અમે દર વર્ષે અંદાજિત રૂ. 100 કરોડ જેટલો જીએસટી ચૂકવીએ છીએ અને તે પણ મુદ્દત પૂર્ણ થવાના દસ દિવસ અગાઉ જ ભરી દેતા હોઈએ છીએ એટલે ટેક્સ ચોરી કરવાનો ક્યારેય વિચાર અમને આવતો જ નથી.
અંદાજિત રૂ.100 કરોડની નુકસાની
હજુ પણ અમુક સ્થળો પર આગના લબકારા જોવા મળી રહ્યા છે, ધુમાડો નીકળી રહ્યો છે માટે અંદર જઈ શકાય તેવી હાલ પણ પરિસ્થિતિ નથી. ત્યારે સ્ટ્રક્ચર, મશીનરીની સ્થિતિ જાણ્યા બાદ જ સાચો આંક મેળવી શકાશે પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવુ કહી શકાય કે, નુકસાનીનો આંક 50 થી 100 કરોડની વચ્ચે રહેશે તેવું બિપીનભાઈએ જણાવ્યું હતું.
પોતાનું ઘર સળગ્યું હોય તેવી રીતે કર્મચારીઓ આગ બુઝવવા દોડી રહ્યા હતા
જયારે આગ લાગી ત્યારે તમામ કર્મચારીઓ આગને બુઝવવાની કોશિશ કરી રહ્યા હતા. બિપીનભાઈના જણાવ્યા અનુસાર અમારા કર્મચારીઓ મારો પરિવાર છે એટલે જાણે તેમનું ઘર સળગ્યું હોય તેમ તેઓ સતત આગને બુઝવવા દોડધામ કરી રહ્યા હતા. મહિલા કર્મચારીઓ જ્યાં કામ કરી રહ્યા હતા ત્યાંથી જ આગની શરૂઆત થઇ હોવાથી અમે પહેલા કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢી લેવા પ્રયત્નો કર્યા હતા.
દરરોજ 75 લાખ પેકેટનું ઉત્પાદન કરતું યુનિટ ભસ્મિભૂત
જે યુનિટમાં આગ લાગી હતી તે યુનિટમાંથી દૈનિક 75 લાખ પેકેટનું પ્રોડક્શન કરવામાં આવતું હતું. જેમાં 5 રૂપિયાના પેકેટથી માંડી મોટા પેકીંગનો સમાવેશ થાય છે.
મોડાસા, નાગપુરના યુનિટ ખાતે અલગ અલગ ટીમો મોકલી પ્રોડક્શન વધારી દેવાયું
ગોપાલ નમકીનનું મેટોડામાં જ મસાલાનું યુનિટ છે જે બિલકુલ સહી સલામત છે, કાચી ફ્રાઈમ્સ, વેફરનું યુનિટ મોડાસા ખાતે આવેલું છે તેમજ નાગપુર ખાતે પણ યુનિટ આવેલું છે જ્યાં પ્રોડક્શન વધારીને સૌરાષ્ટ્રની પ્રજાની ડિમાન્ડને પૂર્ણ કરવા કવાયત હાથ ધરી દેવામાં આવી છે.
ચારેકોરથી ફોન આવવા લગતા વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો વિચાર ઉદભવ્યો
વિપત્તીમાં પણ રસ્તો શોધી કાઢવો જરૂરી છે. જયારે આ ઘટના બની ત્યારે બિપીનભાઈને ચારેકોરથી ફોન આવવા લાગ્યા અને સહવ્યવસાયીઓએ મદદની તૈયારી બતાવતા તાત્કાલિક અન્ય યુનિટમાં ઉત્પાદન કરવાનો વિચાર આવ્યો અને ત્યારબાદ ત્વરિત આ વિચારની અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી.
જીએસટીમાં ટેક્સ સ્લેબની વિસંગતતાના કારણે રૂ. 13 કરોડની નોટિસ મળી’તી
રૂ. 13 કરોડની જીએસટી વિભાગની નોટીસ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ નોટીસ અમારી સ્નેક પેલેટની પાપડ-પાઇપની જે પ્રોડક્ટ છે તેમાં 18% જીએસટી ચૂકવવો પડે તેવું સરકારના કોઈક અધિકારીએ સૂચવ્યું હોવાથી ફક્ત ગોપાલ નમકીન નહિ પણ ભારતભરના ફ્રાઈમ્સના ધંધાર્થીઓને આ પ્રકારની નોટિસો મોકલવામાં આવી છે. જેની સામે અમે સરકારમાં રજુઆત કરતા સરકારે અમને 12% ટેક્સ સ્લેબની ખાતરી આપી છે પણ અગાઉ અમે જે ટેક્સ 12%ના દરથી ભરેલો છે તેમાં 18% નો ટેક્સ ચૂકવવા જીએસટીએ નોટીસ ઇસ્યુ કરી છે જેમાં અમને ભરોસો છે કે, તેમાં પણ સરકાર હસ્તક્ષેપ કરીને યોગ્ય નિર્ણય લેશે.