મુખ્ય સચિવ રાજકુમારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી: રાજકોટ જિલ્લાની પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ કલેક્ટર પ્રભવ જોષીએ નુકશાની અંગે વિગતો પૂરી પાડી
રાજકોટ જિલ્લામાં કોઈ મોટી નુકસાની નહિ,
276 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલો હતો, જે પૈકી હાલ માત્ર 90 ગામોમાં વીજ પુરવઠો બંધ : ઝાડ પડવાની નુકસાની અંગે 103 ટીમો દ્વારા સર્વે શરૂ
8 જિલ્લાના કલેક્ટરોને નુકસાનીનો સર્વે કરી સાંજ સુધીમાં રિપોર્ટ આપવા સુચના
ગત રાત્રિના આવેલા વાવાઝોડાના સંદર્ભે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્ય સચિવશ્રી રાજકુમારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ જિલ્લાઓના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી નુકશાની નો અંદાજ મેળવ્યો હતો.
મુખ્ય સચિવએ કચ્છ ભુજ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટ મોરબી સહિતના જિલ્લાઓમાં રોડ-વીજળી-પાણી-આશ્રિતોની પરિસ્થિતિ તેમજ અન્ય નુકશાનીની વિગતો જિલ્લા કલેકટરશ્રીઓ પાસેથી મેળવી હતી.
રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ અને કલેક્ટર પ્રભવ જોશી તેમજ પ્રભારી સચિવ રાહુલ ગુપ્તાએ આનુસંગિક વિગતો પૂરી પાડી જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કોઈ મોટી નુકસાની જોવા મળેલ નથી 276 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલો હતો, જે પૈકી હાલ માત્ર 90 ગામોમાં વીજ પુરવઠો બંધ છે જે યથાવત કરવામાં પી.જી.વી.સી.એલ.ની ટીમ કામે લાગી ગયેલ છે. આ ઉપરાંત ઝાડ પડવાની નુકસાની અંગે 103 ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.
કલેકટર કચેરી ખાતે સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વે રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટરએસ.જે. ખાચર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ તકે જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રશાસન તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના પરિણામે મોટી નુકસાની થતી અટકાવવા બદલ તમામ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માન્યો હતો.