૩૨૫ પૈકી ૨૦૦થી વધુ ટીપરવાનમાં લગાવી દેવાઈ પીળા કલરની બાયોમેડિકલ વેસ્ટ ડસ્ટબીન: યુઝ થયેલું માસ્ક, હેન્ડ ગ્લોઝ, ઈન્જેકશનની સિરીજ, લોહીવાળા પાટા સહિતની વસ્તુઓનો નિકાલ કરી શકાશે
વૈશ્ર્વિક મહામારી કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે રાજયભરમાં ચહેરા પર માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. યુઝ થયેલા માસ્કનો આડેધડ નિકાલ કરવામાં આવે તો તેમાંથી પણ કોરોના ફેલાય તેવી દહેશત રહેલી છે. યુઝ માસ્કનાં કલેકશન માટે કોર્પોરેશન દ્વારા હવે ટીપરવાનમાં પાછળનાં ભાગે પીળા કલરની બાયોમેડિકલ વેસ્ટ ડસ્ટબીન લગાવવામાં આવી છે. કોર્પોરેશનની તમામ ઝોન કચેરી અને વોર્ડ ઓફિસ ખાતે પણ આ ડસ્ટબીન મુકવામાં આવી છે. આગામી દિવસોમાં પેટ્રોલપંપ ખાતે પણ આવી ડસ્ટબીન મુકેલી જોવા મળશે.
કોરોના વાયરસને વકરતો અટકાવવા માટે ચહેરા પર માસ્ક પહેરવાનો નિયમ ફરજીયાત બનાવવામાં આવ્યો છે જો કોઈ વ્યકિતએ માસ્ક ન પહેર્યું હોય તો તેની પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવે છે. યુઝ થયેલા માસ્કનો જો આડેધડ નિકાલ કરવામાં આવે તો તેનાથી પણ કોરોના ફેલાવવાની ૧૦૦ ટકા દહેશત રહેલી છે. સરકારની માર્ગદર્શીકા મુજબ દરેક મહાપાલિકા અને પાલિકાઓએ યુઝ માસ્કનાં કલેકશન માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી ટીપરવાનમાં એક અલાયદી પીળા કલરની ડસ્ટબીન રાખવાનું જણાવ્યું છે. આ ઉપરાંત જયાં લોકોની અવર-જવર વધુ માત્રામાં રહે છે તેવી સરકારી કચેરીઓ અને પેટ્રોલ પંપ સહિતની જગ્યાઓ પર પણ આવી બાયોમેડિકલ વેસ્ટ ડસ્ટબીન રાખવાની સુચના આપવામાં આવી છે. તાજેતરમાં કોર્પોરેશન દ્વારા જીએસટી સહિત પ્રતિ નંગ રૂ. ૬૪૫ લેખે ૫૦૦ નંગ બાયોમેડિકલ વેસ્ટ ડસ્ટબીનની ખરીદી કરવામાં આવી છે જે ત્રણેય ઝોનનાં ૧૮ વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી કરતી ૩૨૫ ડસ્ટબીન પાછળ લગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આજ સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૧૧૨ ટીપરવાન પાછળ આ ડસ્ટબીન લગાવી દેવામાં આવી છે. જયારે વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં ૯૦ જેટલી ટીપરવાનની પાછળ પીળા કલરની વધારાની ડસ્ટબીન લગાવાઈ છે. આ પ્લાસ્ટીકની ડસ્ટબીન લગાવવા માટે ટીપરવાનમાં એક લોખંડની ફ્રેમ બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં ટીપરવાનમાં ભીના અને સુકા કચરાનાં અલગ-અલગ એકત્રિકરણ માટેની બે ઉપરાંત જોખમકારક કચરાનાં એકત્રિકરણ માટે એક નાની પેટી રાખવામાં આવતી હતી હવે કાયમી ધોરણે ટીપરવાનમાં ૪ ડસ્ટબીન જોવા મળશે.
વપરાયેલા માસ્કનો આડેધડ નિકાલ કરવો જનઆરોગ્ય માટે અતિજોખમી છે. આવામાં લોકોને પણ એવી અપીલ કરવામાં આવી છે કે, તેઓ વપરાયેલા માસ્કનો નિકાલ યોગ્ય રીતે કરે. રોજ ઘરે કે ધંધાના સ્થળે કોઈ એક ફિકસ જગ્યાએ આવા માસ્ક કે હેન્ડ ગ્લોબઝ રાખવામાં આવે અને જયારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ટીપરવાન આવે ત્યારે આ વપરાયેલા માસ્ક કે હેન્ડ ગ્લોબઝનો નિકાલ તેમાં રાખવામાં આવેલી પીળા કલરની ડસ્ટબીનમાં કરે.
હવે ટીપરવાનમાં કાયમી ધોરણે ૪ ડસ્ટબીન
હાલ મહાપાલિકા દ્વારા શહેરનાં ૧૮ વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ૩૨૫ ટીપરવાન દોડાવવામાં આવી રહી છે જેમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ અલગ-અલગ ત્રણ ડસ્ટબીન રાખવામાં આવી છે. એકમાં ભીનો કચરો એકત્રિત કરવામાં આવે છે. બીજામાં સુકો કચરો એકત્રિત કરવામાં આવે છે. જયારે ટીપરવાનની પાછળનાં ભાગે એક લોખંડની નાની પેટી બનાવવામાં આવી છે જેમાં જોખમકારક કચરો એટલે કે વપરાયેલી બેટરી, બલ્બ, બ્લેડ, લેઝર સહિતની લોખંડની વસ્તુઓ એકત્રિત કરવામાં આવે છે. હવેથી ટીપરવાનમાં ત્રણનાં બદલે ૪ ડસ્ટબીન જોવા મળશે. પાછળનાં ભાગે ખાસ ફ્રેમીંગ સાથે પીળા કલરની ડસ્ટબીન લગાવવામાં આવી છે જે બાયોમેડિકલ વેસ્ટ એકત્રિત કરશે. હાલ કોરોના વાયરસનાં સમયગાળામાં આ ડસ્ટબીનમાં વપરાયેલા માસ્ક અને હેન્ડ ગ્લોબઝ રાખવામાં આવશે ત્યારબાદ કાયમી ધોરણે આ ડસ્ટબીનમાં સેનેટરી પેડ, ઈન્જેકશનની સીરીઝ, પાટા, લોહીવાળા રૂ સહિતનું બાયોમેડિકલ વેસ્ટ એકત્રિત કરવામાં આવશે.
પેટ્રોલપંપ પર પણ મુકાશે યલો ડસ્ટબીન
વપરાયેલા માસ્ક અને હેન્ડ ગ્લોબઝનાં અયોગ્ય નિકાલથી કોરોના વાયરસ સંક્રમિત થતો હોવાની દહેશત રહેલી છે. આવામાં સરકારનાં આદેશનાં પગલે કોર્પોરેશન દ્વારા બાયોમેડિકલ વેસ્ટનાં કલેકશન માટે ખાસ પીળા કલરની ડસ્ટબીન મુકવામાં આવી રહી છે. હાલ ૩૨૫ પૈકી ૨૦૦થી વધુ ટીપરવાનનાં પાછળનાં ભાગે આ ડસ્ટબીન લગાવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરનાં તમામ પેટ્રોલપંપ પર પણ આ ડસ્ટબીન જોવા મળશે.