- આ કાર રેલી 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડેના દિવસે દિલ્હી પહોંચશે
- અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે કાર રેલીનું આયોજન થયું
ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો ફ્યુલ પર ચાલતી 12 કારનું હિંમતનગરથી પ્રસ્થાન કરાવ્યું છે. અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર રેલીનો ઉદ્દેશ પશુપાલકો દ્વારા દેશના પર્યાવરણ માટે તથા વિકાસ માટે જે કામ થાય છે, તે અંગેની જાણકારી આપવાનો છે. આમ, આ રેલી દેશના વિવિધ રાજ્યોમાં બાયોગેસની જરૂરિયાત સમજાવી આગામી 26મી નવેમ્બરે નેશનલ મિલ્ક ડેના દિવસે 1200 કિલોમીટરનું અંતર કાપીને દિલ્હી પહોંચશે, ત્યાં આ કાર રેલીનું સમાપન થશે.
આ અવસરે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંત સિંહ રાજપૂત, રાજ્યકક્ષાના સહકાર, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અન્ન, નાગરિક પુરવઠા મંત્રી ભીખૂસિંહ પરમાર તેમજ સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ અને મારુતિ સુઝુકીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.