ડીવાયએસપી અને ટીમે દરોડો પાડી રૂ.૭.૫૮ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
સાયલા તાલુકાના લાખાવાડ ગામની સીમમાં ક્વોરીના આડમાં ચાલતા બાયોડિઝલના કારસ્તાનને ડીવાયએસપી અને તેમની ટીમે ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસે રૂ.૭.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલામાં પથ્થરની આડમાં ચાલતો પ્રતિબંધિત બાયોડીઝલ પંપનો વેપલોનો પર્દાફાશ કરાયો છે. લીંબડી ડીવાયએસપી સ્કવોડના આ દરોડામાં બાયોડીઝલ લીટર ૧૦,૦૦૦ કિંમત રૂ. ૬,૭૦,૦૦૦, ફ્યુઅલ પંપ, નાની-મોટી ઇલેક્ટ્રિક મોટરો, બાયોડીઝલ હેરાફેરી કરવાના સાધનો અને મોટરસાયકલ મળી કુલ રૂ. ૭,૫૮,૭૦૦નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.
લીંબડી ડીવાયએસપી સી.પી.મુંધવા સહિતની ડીવાયએસપી સ્કવોડ પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાખાવડ ગામની સીમમાં આવેલા સુજન-પુજન ક્વોરી (પથ્થરની ખાણ)ની ઓફિસ પાછળ સીમેન્ટના બેલાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત બાયોડીઝલનો સંગ્રહ કરી, કોઇપણ જાતની પાસ પરમીટ વગર કે આધાર પુરાવાઓ વગર કે સરકારની કોઇપણ એનઓસી વગર આ બાયોડીઝલને વાહનોમાં ઇંધણ તરીકે ભરી બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરે છે. અને પ્રતિબંધિત બાયોડીઝલનો પંપ ચલાવે છે. જેથી પોલીસે બાતમી પરના સ્થળે દરોડો પાડ્યો હતો.
પોલીસે આ દરોડામાં કાળા અને સફેદ રંગના પ્લાસ્ટિકના મોટા ટાંકાઓમાં ૧૦,૦૦૦ લિટર બાયોડીઝલ કિંમત રૂ.૬,૭૦,૦૦૦, ફલુઅલ પંપ કિંમત રૂ. ૫૦,૦૦૦, ઇલેક્ટ્રિક મોટરો નાની-મોટી મોટરો કિંમત રૂ. ૭૦૦૦ અને એક મોટરસાયકલ કિંમત રૂ. ૩૦,૦૦૦ મળી કુલ રૂ. ૭,૫૮,૭૦૦નો મુદામાલ ઝબ્બે કરી આરોપી સાયલા તાલુકાના લાખાવાડ ગામના કનુભાઇ ભુપતભાઇ ખવડને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.