પીડીયાટ્રીક્સ વિભાગમાં બાળકોને લગતા સામાન્ય રોગથી માંડી દિમાગના નિષ્ણાત સુધીની તમામ સારવાર
બાયોકેમેસ્ટ્રી લેબમાં કિડની, લીવર, થેલેસેમિયા સહિત 35 પ્રકારના રિપોર્ટ શરૂ
રાજકોટ અને ગુજરાતની પ્રજા માટે એઇમ્સ આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. હાલ એઇમ્સ ખાતે ઓપીડી સારવાર શરૂ થઈ ગઈ છે. જેમાં ’અબતક’ દ્વારા ખાસ એઇમ્સની મુલાકાત લઈ લોકોને તમામ સુવિધા અને સારવાર માટે વાકિફ કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. હાલ એઇમ્સ ખાતે બાયોમેટ્રીક લેબ અને બાળરોગની ઓપીડીની મુલાકાત લઈ તેમાં મળતી સુવિધાઓ અંગે માહિતી આપી હતી.
રાજકોટમાં પરાપીપડિયા ખાતે કાર્યરત એઇમ્સ હોસ્પિટલમાં દર્દીઓને સંજીવની સમાન સાબિત થઈ રહી છે. હાલ ઓપીડી સારવારમાં દર્દીઓનો ઘસારો વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે એમ્સ ખાતે કાર્યરત બાયોકેમિસ્ટ્રી ડાયાબિટીસ સહિત 35 પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે. તો બીજી તરફ બાળરોગ વિભાગમાં પણ નાની મોટી બીમારીઓના નિષ્ણાતો ઉપસ્થિત છે. ત્યારે અબતક દ્વારા આ બંને વિભાગ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે.
દર્દીઓ જ્યારે પણ તબીબી સારવાર લેવા માટે જાય છે ત્યારે તેમને સચોટ કારણ જાણવા માટે નિષ્ણાત રિપોર્ટ કરાવવા મટે અનુરોધ કરતા હોય છે. ત્યારે લોહીના રિપોર્ટ પરથી જ તબીબો તેમની સારવાર કરતા હોય છે. તે માટે સચોટ રિપોર્ટના પરિણામ માટે તબીબ રિપોર્ટ પર ભરોસો કરતા હોય છે. ત્યારે એઇમ્સ ખાતે કાર્યરત બાયોકેમેસ્ટ્રી લેબમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ સાધનોમાં 35 પ્રકારના ટેસ્ટીંગ કરવામાં આવે છે.
તો બીજી તરફ બાળરોગ વિભાગમાં પણ બાળકો અને કિશોરને લગતા અનેક રોગના નિદાન કરવામાં આવે છે. જેમાં નાની ઉંમરમાં થતાં ડાયાબિટીસ અને થેલેસેમિયા સહિતના રોગના ઈલાજ માટે હાઇટેક સાધનો સાથે નિષ્ણાતો કાર્યરત છે.
રીપોર્ટની ગુણવતા સચોટ રહે તે સૌથી મહત્વ: ડો.દિપક (બાયોકેમેસ્ટ્રી લેબ, હેડ)
અબતક સાથેની ખાસ વાતચીતમાં બાયો કેમેસ્ટ્રી લેબોરેટરીના હેડ ડો.દિપકે જણાવ્યું હતું કે દર્દીના રીપોર્ટની ગુણવતા સચોટ રહે તે સૌથી મહત્વની બાબત હોવાનું કહ્યું હતું. એટલું જ નહિ પરંતુ લેબમાં અદ્યતન ટેક્નોલોજીનો સજ્જ સાધનો સાથે 35 પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે. દર્દીના રિપોર્ટ ખોટા ન થાય તે માટે સ્ટાફ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે. લેબમાં ઓટો સેનેલાઈઝર, કિડની પ્રોફાઈલ, બ્લડ પ્રોફાઈલ જેવા રિપોર્ટ કરવામાં આવે છે. હાઈ લેવલ ટેકનોલોજી સાથે બ્લાસ સેમ્પલ, પ્લાઝમા અને સીરમ સાથે બાળકોના મહત્વના રિપોર્ટ પણ કરવામાં આવે છે.આ અંગે વધુ જણાવતા તેઓએ કહ્યું હતું કે બાયોકેમિસ્ટ્રી લેબમાં હેમોગ્લોબિન, થેલેસેમિયા સહિતની 35 જેટલી તપાસ કરવામાં આવે છે. આ સાથે લીવર, કિડની અને ડાયાબેટીક સહિતના ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે.
આ તમામ પ્રકારના રિપોર્ટ જલ્દીથી થઈ શકે તે માટે તબીબ અને નર્સિંગ સ્ટાફ પ્રયત્ન કરતા હોય છે. જેથી દર્દીઓની સારવાર જલ્દીથી શરૂ થઈ શકે. કારણ કે આ રિપોર્ટ પર જ દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે. ટર્ન અરાઉન્ડ ટાઇમ સાથે લેબમાં સ્ટાફ કામગીરી કરતા હોય છે. લેબમાં રોજ 80-90 ઓપીડી આવતી હોય છે. જ્યારે 150-200 રોજ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.
બાળરોગ વિભાગમાં દિમાગને લગતા સ્પેશિયાલિસ્ટ તબીબો ઉપલબ્ધ: ડો.સચિન (પીડીયાટ્રીક્સ ડિપાર્ટમેન્ટ)
અબતક સાથેની ખાસ વાતચીતમાં બાળ રોગ વિભાગના ડોક્ટર સચિન મન મૂકીને વાત કરી હતી તેઓના જણાવ્યા પ્રમાણે બાળકોમાં ખાસ કરીને થાઇરોડ, ડાયાબિટીસને લગતા ગંભીર રોગોની સચોટ સારવાર માટે નિષ્ણાંતો ઉપલબ્ધ છે. એટલું જ નહીં પરંતુ બાળકો માટે દિમાગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પણ એઇમ્સમાં કાર્યરત છે.
ઓપીડી શરૂઆત સાથે બાળરોગ વિભાગમાં 15-20 ઓપીડી આવે છે. આ વિભાગમાં બાળકોને ઉધરસ, પેટનો દુખાવો, વજન ન વધવું અને લંબાઈ ન વધવી જેવી સમસ્યાઓ જોવા મળી રહે છે.જેના માટે નિષ્ણાતો ઉપલબ્ધ છે.
એટલું જ નહીં પરંતુ ડો.સચિન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બહાર પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે લાખો રૂપિયા ખર્ચવા કરતા એઇમ્સ ખાતે માત્ર રૂ.10માં બાળકોને ગંભીર રોગથી તારવી શકાય છે. આ સાથે વાલીઓને અપીલ કરતા તબીબે જણાવ્યું હતું કે બાળકોને થતી સામાન્ય બીમારી જેવી કે શરદી, ઉધરસ પર પણ ધ્યાન રાખી તેની સારવાર લેવડાવી જોઈએ.