- ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 185 થઈ ગઈ, એક વર્ષમાં 32 નવા અબજોપતિ જોડાયા
ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 185 થઈ ગઈ છે. અમેરિકા અને ચીન પછી આ સૌથી વધુ સંખ્યા છે. એટલું જ નહીં આ અબજોપતિઓની સંપત્તિમાં પણ એક વર્ષમાં 42 ટકાનો વધારો થયો છે. અમેરિકા સ્થિત રેટિંગ એજન્સી યુબીએસના બિલિયોનેર એમ્બિશન્સ રિપોર્ટમાં આ હકીકતો સામે આવી છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં એક વર્ષમાં 32 નવા અબજોપતિ જોડાયા છે. 2015 થી, દેશમાં અબજોપતિઓની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ આર્થિક ક્ષેત્રમાં ભારતની સતત પ્રગતિ દર્શાવે છે. આની પાછળ તે નવા ચહેરાઓ પણ છે, જેમણે પરંપરાગત વ્યવસાયથી લઈને નવા ક્ષેત્રોમાં દરેક બાબતમાં સફળતાનો ઝંડો ઊંચક્યો છે. વ્યાપાર ક્ષેત્રે સતત થતી વૃદ્ધિનો આમાં મહત્વનો ફાળો છે.
એક અનુમાન છે કે આગામી દાયકામાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા ચીન જેટલી થઈ જશે. જોકે, આ દરમિયાન ચીનમાં અબજોપતિઓની સંખ્યા પણ ઘટી રહી છે.
ઔદ્યોગિક અબજોપતિઓએ ગ્રીન ટેક્નોલોજીમાં રોકાણ અને પુન:સંગ્રહની પહેલને કારણે તેમની સંપત્તિ 480.4 બિલિયન ડોલરથી વધારીને 1.3 ટ્રિલિયન ડોલર કરી છે. તેનાથી વિપરીત, રિયલ એસ્ટેટ અબજોપતિઓ પાછળ રહી ગયા, ચીનના પ્રોપર્ટી રિફોર્મ, વ્યાપારી રિયલ એસ્ટેટ પર રોગચાળાની અસર અને યુએસ અને યુરોપમાં વધતા વ્યાજ દરોથી ફટકો પડ્યો.
ટેક સેક્ટર અબજોપતિને ફાવી ગયું
ટેક સેક્ટરમાં અબજોપતિઓની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. 2015માં તેમની સંપત્તિ 788.9 બિલિયન ડોલર હતી, જે હવે 2024 સુધીમાં ત્રણ ગણી વધીને 2.4 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે. જનરેટિવ એઆઈ, સાયબર સિક્યુરિટી, ફિનટેક અને રોબોટિક્સમાં વૃદ્ધિને કારણે આ ઉછાળો શક્ય બન્યો છે.
અમેરિકામાં અબજોપતિની સંખ્યા 835, ચીનમાં 427
અમેરિકામાં અબજોપતિઓની સંખ્યા 835 અને ચીનમાં 427 છે. આ વર્ષે અમેરિકામાં અબજોપતિઓની યાદીમાં 84 લોકો જોડાયા છે. જોકે, ચીનમાં અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાં આ વર્ષે 93 ઓછા અબજોપતિ થયા છે. તે જ સમયે, વૈશ્વિક સ્તરે અબજોપતિઓની સંખ્યા 2015 માં 1,757 થી વધીને 2024 માં 2,682 થઈ ગઈ છે.