બન્ને ગૃહમાં પ્રથમ દિવસે જ વિપક્ષની ધડબડાટી, વિપક્ષના હોબાળાને કારણે બન્ને ગૃહોની કામગીરી સ્થગિત કરવી પડી
અબતક, નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાના બિલ પર સંસદની મહોર લગાવવામાં આવી છે. લોકસભા અને રાજ્યસભા બન્નેમાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ પાસ થઈ ગયુ છે. હવે રાષ્ટ્રપતિની મજૂરી મળતા જ ત્રણેય કૃષિ કાયદા રદ્દ થશે. જો કે બીજી બાજુ વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. પહેલા જ દિવસે વિપક્ષનો મોટો હોબાળો જોવા મળ્યો. શરૂ થતાની સાથે જ બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવાની નોબત આવી. જો કે આ બધા વચ્ચે લોકસભામાં આજે નવા કૃષિ કાયદા પરત લેવા માટેનું બિલ રજુ કરવામાં આવ્યું અને હોબાળા વચ્ચે પાસ પણ થઈ ગયું.
રાજ્યસભાની કાર્યવાહી 2 વાગે ફરી શરૂ થતા કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદા પરત લેવા માટેનું બિલ ઉપલા ગૃહમાં રજુ કર્યું. જો કે બિલ રજુ થતા જ વિપક્ષનો હોબાળો ફરીથી શરૂ થઈ ગયો. જો કે આ ભારે હોબાળા વચ્ચે કાયદા પરત લેવા માટે રજુ કરાયેલું બિલ ધ્વનિમતથી પસાર થઈ ગયું. આ અગાઉ લોકસભામાં રજુ કરાયું હતું અને ત્યારે પણ ધ્વનિમતથી બિલ પાસ થયું હતું. કૃષિ કાયદા પાછા લેવા માટેનું બિલ પાસ થયા બાદ રાજ્યસભાને અડધા કલાક માટે સ્થગિત કરાઈ હતી.
શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે આપણે જોયું છે કે ગયા દિવસોમાં બંધારણ દિવસ પણ નવા સંકલ્પ સાથે, બંધારણની ભાવનાને સાકાર કરવાની દરેકની જવાબદારીને આદર સાથે આખા દેશે સંકલ્પ કર્યો છે. આ બધાને જોતાં આપણે ઈચ્છીએ છીએ, દેશને પણ ગમશે, દરેક નાગરિક ઈચ્છશે કે સંસદનું આ સત્ર અને આવનારું સત્ર સ્વાતંત્ર્ય પ્રેમીઓની ભાવના અને અમૃત મહોત્સવની ભાવનાને અનુરૂપ સંસદ પણ દેશના હિતમાં ચર્ચા કરે. વડાપ્રધાને ઉમેર્યું કે , આશા રાખું છું કે ભવિષ્યમાં સંસદને કેવી રીતે ચલાવવી. કેટલું સારું યોગદાન આપ્યું એ બાબતે ભાર આપવામાં આવે. કોણે કેટલું જોર લગાવીને સંસદની કાર્યવાહીને અટકાવી એ માપદંડ ન હોવો જોઈએ. એ જોવું જોઈએ કે સંસદમાં કેટલા કલાક કામ થયું. સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા અને દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સંસદમાં સવાલ પણ હોય અને શાંતિ પણ જાળવી રાખવામાં આવે.
સરકાર વિરુદ્ધ નીતિઓ સામે જેટલો અવાજ ઉઠાવવો જોઈએ એ હોય, પરંતુ સંસદની ગરિમા, સ્પીકરની ગરિમા, ખુરશીની ગરિમા બાબતે આપણે તેવાં કાર્યો કરીએ, જે આગામી દિવસોમાં દેશની યુવા પેઢીને કામમાં આવે. તેમણે કહ્યું હતું કે કોરોનાના નવા વેરિયન્ટના સમાચાર પણ આપણને સતર્ક અને સાવધાન કરે છે. હું સંસદના તમામ સાથીઓને સતર્ક રહેવાની પ્રાર્થના કરું છું. આ સત્રમાં દેશના હિતમાં ઝડપથી અને સાથે મળીને નિર્ણયો લેવા જોઈએ.
બીજી બાજુ સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું હતું કે આજે સંસદમાં અન્નદાતાના નામનો સૂરજ ઉગાડવાનો છે.
20 સાંસદને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજુ કરી શકે છે સરકાર
સરકાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં 20 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજુ કરી શકે છે. જેમણે ચોમાસુ સત્ર દરમિયાન હંગામો કર્યો હતો. સરકારે રાજ્યભાના સભાપતિ એમ વેકૈયા નાયડુને વિપક્ષના સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ સાંસદોએ ચોમાસુ સત્ર દરમિયાન ખુબ હોબાળો કર્યો હતો. મંત્રીઓને કામ કરતા રોક્યા હતા અને કેટલાક સાંસદો ટેબલ પર ચડી ગયા હતા. જેમાં કોંગ્રેસના સૈય્યદ નાસિર હુસેન, રિપુન બોરા, પ્રતાપ સિંહ બાજવા, ફૂલોદેવી નેતામ, છાયા વર્મા, અખિલેશ પ્રસાદ સિંહ, દીપેન્દ્ર હૂડ્ડા, અને રાજમણી પટેલ, ટીએમસીના ડોલા સેન, શાંતા છેત્રી, મૌસમ નૂર, અબીર રંજન બિસ્વાસ, અને અર્પતા ઘોષ, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ, ડાબેરી પક્ષોમાંથી એલમરમ કરીમ અને આપના સંજય સિંહ સામેલ છે.