રેમિશન પોલિસી હેઠળ દોષિતોની મુક્તિ અંગે સવાલ પૂછતી સર્વોચ્ચ અદાલત
બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં દોષિતોની મુક્તિ અંગે ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઘણા સવાલો કર્યા હતા. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે પૂછ્યું હતું કે દોષિતોની મોતની સજાને આજીવન કારાવાસમાં બદલી દેવામાં આવી હતી એવી સ્થિતિમાં તેમને 14 વર્ષની સજા બાદ કેવી રીતે મુક્ત કરવામાં આવી શકે છે?
કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું હતું કે અન્ય કેદીઓને મુક્તિની રાહત કેમ આપવામાં આવી નથી? તેમા આ ગુનેગારોને પસંદગીની રીતે પોલિસીનો લાભ કેમ આપવામાં આવ્યો. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવામાં આવી હતી.આ મામલામાં દોષિત ઠેરવવામાં આવેલા તમામ 11 લોકોને સમય કરતા વહેલા છોડી દેવામાં આવ્યા હતા, જેના માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગુજરાત સરકારને કહ્યું કે રાજ્ય સરકારોએ દોષિતોને માફી આપવામાં પસંદગીયુક્ત ન બનવું જોઈએ અને દરેક કેદીઓને સુધારવાની અને સમાજ સાથે ફરીથી જોડાવવાની તક આપવી જોઈએ
ગુજરાત સરકારે દોષિતોને સમય કરતા વહેલા મુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કહ્યું હતું કે, કાયદા મુજબ ક્રૂર ગુનેગારોને પણ પોતાની જાતને સુધારવાની તક આપવી જોઈએ. તેમણે દલીલ કરી હતી કે 11 દોષિતોનો ગુનો જઘન્ય હતો, પરંતુ તે રેરેસ્ટ ઓફ રેર કેસની શ્રેણીમાં આવતો નથી. તેથી તેમને સુધારવાની તક આપવી જોઈએ.આના પર ખંડપીઠે સવાલ કર્યો હતો કે જેલમાં અન્ય કેદીઓ પર આવો કાયદો કેટલો લાગુ થઈ રહ્યો છે. આપણી જેલો શા માટે ખીચોખીચ ભરેલી છે? મુક્તિની નીતિ શા માટે પસંદગી અનુસાર લાગુ કરવામાં આવી રહી છે? સુધારવાની તક માત્ર કેટલાક કેદીઓને જ નહીં પરંતુ દરેક કેદીને મળવી જોઈએ, પરંતુ જ્યાં દોષિતોએ 14 વર્ષની સજા પૂરી કરી હોય ત્યાં માફીની નીતિ કેટલી હદે લાગુ કરવામાં આવી રહી છે? શું તે તમામ કેસોમાં અમલમાં લાવવામા આવી રહી છે. આ કેસમાં બિલકિસ બાનો દ્ધારા દાખલ કરાયેલી અરજી સિવાય, ટીએમસી નેતા મહુઆ મોઇત્રા, સીપીઆઈ નેતા સુભાષિની અલી અને અન્ય ઘણા લોકો દ્વારા દાખલ કરાયેલી જનહિત અરજીઓમાં દોષિતોની મુક્તિને પડકારવામાં આવી છે.