મોરબી પાસિંગની ઇક્કો કારમાં પાંચ શખ્સોએ બિહારના યુવકને ઉપાડી જતાં પોલીસમાં દોડધામ
મોરબી પાસિંગની ઇક્કો કારમાં પાંચ શખ્સોએ બિહારના યુવકને ઉપાડી જતાં પોલીસમાં દોડધામ
બેડી ચોકડીથી વાંકાનેર તરફ કાર હંકારી ગયાના સીસીટીવી ફુટેજ મળ્યા
ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા અપહૃતને મુકત કરાવવા સઘન તપાસ
શહેરમાં ગુનેગારો પર પોલીસની પકકડ ઢીલી પડી હોય તેમ ચોરી અને લૂંટ તાજેતરમાં બનેલા બનાવનો ભેદ ઉકેલવા પોલીસ સ્ટાફ મથામણ કરી રહ્યો છે ત્યારે બિલેશ્વર રેલવે સ્ટેશન પાસેથી એસપી ઇફ્રટ્રાકોન નામની સિમેન્ટ કંપનીના પ્લાન્ટ ઓપરેટરનું ગત મોડીરાતે ઇક્કો કારમાં અપહરણ કરી ભાગી ગયાનું પોલીસમાં જાહેર થતા સનસનાટી મચી ગઇ છે. અપહૃતને મુક્ત કરવવા અને અપહરણના ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચ અને કુવાડવા રોડ પોલીસ સ્ટાફ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ બિહારના વતની અને છેલ્લા છ વર્ષથી એસપી ઇફ્રટ્રાકોન નામની સિમેન્ટ કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા અબ્દુલ શકુર નામના 27 વર્ષના યુવક ગતરાતે બિલેશ્વર રેલવે સ્ટેશન પાસેની પ્લાન્ટ ખાતે હતો ત્યારે ઇક્કો કારમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યાની સહ કર્મચારી જીજ્ઞેશે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન દ્વારા રાતે ત્રણ વાગે જાણ કરતા કુવાડવા રોડ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
બિહારી યુવાનનું અપહરણ શા માટે અને કોણે કર્યુ તે અંગેના અંકોડા મેળવવા ક્રાઇમ બ્રાન્ચ ડી.સી.પી.ડો.પાર્થરાજસિંહ ગોહિલ, પી.આઇ.વાય.બી. જાડેજા, એલ.એલ.ચાવડા, બી.ટી.ગોહિલ, કુવાડવા રોડ પી.આઇ. કે.જે.રાણા, પી.એસ.આઇ. જે.ડી.વસાવા સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા અપહૃત અબ્દુલ શકુરનો મોબાઇલ મળી આવ્યો હતો. ત્યાંથી પોલીસે સીસીટીવી ફુટેજ સહિતની વિગત મેળવતા અપહરણ માટે ઉપયોગમાં લેવાયેલી ઇક્કો કાર મોરબી પાર્સિંગની હોવાનું અને બેડી ચોકડીથી વાંકાનેર તરફ ગયાના ફુટેજ મેળવતા પોલીસે પાંચેય અપહરણકારોનું પગેરૂ દબાવ્યું છે. અબ્દુલ શકુર છેલ્લા છ વર્ષથી એસપી ઇફ્રટ્રાકોન પા.લી.કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. અને છેલ્લા અઢી વર્ષથી બિલેશ્વર ખાતેની સિમેન્ટ કંપનીની પ્લાન્ટ ઓફિસમાં ફરજ બજાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.