• મહાશિવરાત્રીના મેળાના સુચારૂ આયોજન માટે મળી બેઠક
  • લાખોની મેદનીની સુખ સુવિધા સામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તંત્ર સજજ

Junagadh News
જુનાગઢનો સુપ્રસિઘ્ધ શિવરાત્રીના મેળો આ વર્ષે 4 થી 8 માર્ચ દરમ્યાન યોજાશે મેળાના સુચારુ આયોજન માટે તંત્રએ સઘન વ્યવસ્થા ગોઠવી છે.પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા મહાશિવરાત્રીના મેળાના સુચારું આયોજન માટે અને ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ સંતો, પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં મેયર  ગીતાબેન પરમાર, મુક્તાનંદ બાપુ હરીગીરીજી બાપુ, શેરનાથ બાપુ, મહેશગીરી બાપુ સહિતના ગણમાન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના પરંપરાગત મેળામાં ઉમટતા લાખો ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ સાથે સાધુ સંતો, ઉતારા મંડળના પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા.કલેકટર અનિલકુમાર રાણાવસીયા એ જણાવ્યું કે, જૂનાગઢની પવિત્ર ધરતી પર સાધુ સંતોના આશીર્વાદ મેળવવા માટે આસ્થાભેર લાખો શ્રદ્ધાળુ મહાશિવરાત્રીના મેળામાં ભાવપૂર્વક પધારે છે. ત્યારે તેમને જરૂરી સુવિધાઓ મળી રહે તે તંત્રની જવાબદારી છે. તેના ભાગરૂપે મેળાના રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મેળા દરમિયાન સફાઈ, પાણી, વીજળી શૌચાલય સહિતની વ્યવસ્થાઓ અને સુવિધા માટે જરૂરી આયોજનો કરવામાં આવ્યું છે.

ટ્રાફિક વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. ઉપરાંત પાર્કિંગ માટે બે નવા સ્થળો પણ આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે. ભવનાથ પહોંચવાના રસ્તા પર ટ્રાફિક ન સર્જાય તે માટે એસ.ટી બસના રૂટને સર્ક્યુલર વે માં ગોઠવવામાં આવ્યો છે.

આ મેળામાં આરોગ્યની સુવિધામાં વધારો કરતાં ઇમરજન્સીની સ્થિતિમાં લોકોને હેલ્થ સેવાઓ મળી રહે તે માટે બાઈક એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. આ માટે ફાયર અને હેલ્થની ટીમ વચ્ચે જરૂરી સંકલન કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉતારા મંડળ નજીક હેલ્થ સુવિધા રાખવાની સાથે આરોગ્ય માટે જરૂરી દવાઓની કીટ આપવાનું પણ આયોજન કરાયું છે.ઉપરાંત મેળાની ગરિમાને અનુરૂપ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, તેમ કલેક્ટરએ જણાવ્યું હતું.

મુક્તાનંદ બાપુએ ભાવિકોને પીવાના પાણી કાયમી ધોરણે મળી રહે તે માટે વરસાદી પાણીના સંગ્રહના ટાંકા બનાવવા માટે પહેલ કરી હતી. તેમણે સુમેળ સાથે પરિવર્તનનો સ્વીકાર કરવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું.

હરિગીરીબાપુએ સૌએ કર્તવ્યનું નિર્વાહન સાથે મહાશિવરાત્રીની મેળાની આધ્યાત્મિક ગરિમા વધારવા જણાવ્યું હતું. ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, સાધુ સંતો તંત્રની સાથે છે દર વખતની જેમ આ વર્ષે પણ સુંદર મેળો યોજાશે. મહેશગીરી બાપુએ પણ મેળામાં આવતા ભાવિકોને સાધુ સંતોના રવેડીમાં દર્શન થઈ શકે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ  કોટેચા, શૈલજા દેવી, નગરસેવક એભાભાઈ કટારા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, યોગેન્દ્રસિંહ પઢિયાર, નિર્ભય પુરોહિત, અશ્વિનભાઈ મણિયાર તથા ઉતારામંડળના ભાવેશ વેકરિયા, તથા વિવિધ ઉતારા મંડળ અને અન્નક્ષેત્રના સંચાલકો-પ્રતિનિધિઓ તેમજ મ્યુ.કમિશનર ઓમ પ્રકાશ, અધિક નિવાસી કલેકટર એન.એફ. ચૌધરી, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા, પુરવઠા અધિકારી, વન, આરોગ્ય, આરટીઓ સહિતના વિભાગના અધિકારીઓ, સંતો-મહંતો અને આગેવાનો  બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.