• ચોરાઉ વાહનોની ખરીદી કરનાર વીરપુરના શખ્સની પણ ધરપકડ કરી લેવાઈ

છેલ્લા ચાર માસમાં રાજકોટમાંથી ૭, શાપરમાંથી ૩, ગોંડલમાંથી ૫ અને જૂનાગઢમાંથી ૧ મળી કુલ ૧૭ ટુ વ્હીલરની ચોરી કરી તરખાટ મચાવનાર મુકેશ લાભુભાઈ મારડીયા (ઉ.વ.૪૦, રહે. સડક પીપળીયા, તા. ગોંડલ, મૂળ ખાંભા ગાયકવાડી, કુંભારવાસ, તા. અમરેલી)ને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. તેની પાસેથી ચોરાઉ ટુ વ્હીલર ખરીદનાર આશિષ વલ્લભ કાપડી (ઉ.વ.૩૪, રહે. ગુંદાસરા, તા. ગોંડલ, મૂળ વીરપુર)ની પણ ક્રાઇમ બ્રાંચે અટકાયત કરી હતી.

ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે મુકેશને ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધા બાદ તેણે છેલ્લા ચાર મહિનામાં ૧૭ ટુ વ્હીલરની ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

એટલું જ નહીં ચોરાઉ ટુ વ્હીલર ફાઇનાન્સમાંથી ખેંચેલા છે તેમ કહી આશિષને વેચવા આપી દીધાની પણ કબૂલાત આપી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચે આશિષને પણ સકંજામાં લઇ રૂ. ૬.૭૫ લાખની કિમતના ૧૭ ટુ વ્હીલર કબ્જે કર્યા હતાં.

ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે મુકેશ કારખાનામાં મજૂરી કામ કરે છે. જે દિવસે રજા હોય તે દિવસે વાહનો ચોરવા નીકળી પડતો હતો. રાજકોટ શહેર, શાપર, ગોંડલ અને જૂનાગઢ જેવા શહેરોમાં જઇ હોસ્પિટલ અને હોટલ સહિતના સ્થળો પાસે પાર્ક હેન્ડલ લોક વગરના વાહનો થોડે સુધી દોરીને લઇ ગયા બાદ ડાયરેક્ટ છેડા કરી ચોરી કરી લેતો હતો.

આ ઉપરાંત આરોપી મુકેશ ખાસ કરીને જે બાઇકમાં મેગવ્હીલ હોય તેની વધુ ચોરી કરતો હતો. તેણે ગુંદાસરા ગામના રેલવે સ્ટેશન પાસેથી એક બાઇકની ચોરી કરી હતી. જેના માલિકનું નામ મેળવવા ક્રાઇમ બ્રાંચે પ્રયાસો શરૂ કર્યાં છે.

અગાઉ પણ ગઠિયો 27 ચોરાઉ વાહનો સાથે ઝડપાયો’તો

આરોપી મુકેશ આ અગાઉ ૨૦૧૧ની સાલમાં જૂનાગઢ એલસીબીના હાથે ૨૭ ચોરાઉ વાહનોના કેસમાં પકડાઇ ચૂક્યો છે. તેના વિરૂધ્ધ જૂનાગઢ પોલીસમાં વાહન ચોરી અંગે પાંચેક ગુના પણ નોંધાયેલા છે. તે ચોરાઉ વાહનો મિત્ર આશિષને ફાઇનાન્સમાંથી ખેંચેલા વાહનો હોવાનું કહી રૂા. ૧૦ હજારથી લઇ રૂા. ૨૦ હજારમાં આપી દેતો હતો. જે વાહનો આશિષ તેના પરિચિતોને વેચી દેતો હતો.

લ્યો બોલો… ચોરીમાં પણ ચોઈસ : મેગવ્હીલવાળા વાહન પ્રથમ પસંદગી

ક્રાઇમ બ્રાન્ચે મુકેશની ધરપકડ કર્યા બાદ પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા અનેક ખુલાસા થયાં હતા. જેના આધારે ચોરાઉ વાહન ખરીદનાર આશિષની તો ધરપકડ કરવામાં આવી જ છે સાથે જ મુકેશે એવો પણ ખુલાસો થયો છે કે, ગઠિયો મેગવ્હીલવાળા વાહનની ચોરી કરવાનું વધુ પસંદ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, મેગવ્હીલવાળા વાહનની વધુ કિંમત મળતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.