કારખાનેદાર પાસે રૂ.૧૦ લાખની ખંડણી પડાવવાના ઇરાદે કારખાનામાં જ કામ કરતા મજુરે કારસો રચ્યાનો ઘટ્ટસ્ફોટ સાડા ચાર માસ પૂર્વે બનેલી ઘટનાનો લોધિકા પોલીસે ભેદ ઉકેલ્યો
મેટોડા જીઆઇડીસીમાં ફાઉન્ડ્રી ઉદ્યોગના કારખાનામાંથી સાડા ચાર માસ પૂર્વે મળી આવેલા દેશી બનાવટના બોમ્બની ઘટનાનો લોધિકા પોલીસે ભેદ ઉકેલી બોમ્બ ારખાનામાં મુકી રૂ.૧૦ લાખની ખંડણીની માગણી કરનાર બિહારના શખ્સને ઝડપી લીધો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના સોરઠીયાવાડી નજીક આવેલી માસ્તર સોસાયટીમાં રહેતા નિલેશભાઇ ધીરૂભાઇ માંગરોલીયાના મેટોડા જીઆઇડીસીમાં આવેલા સત્યાય ટેકનોકાસ્ટ નામના કારખાનાના મીટીંગ રૂમના બાથરૂમમાંથી ગત તા.૧૫ જુલાઇના રોજ દેશી બનાવટનો બોમ્બ હોવાનો નનામો ફોન આવતા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મેટોડા દોડી ગયા હતા અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડની મદદથી બોમ્બ ડીસ્ફયુઝ કર્યો હતો.
લોધિકા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથધરી હતી. પી.એસ.આઇ. એચ.પી.ગઢવી સહિતના સ્ટાફે કારખાનામાં કામે આવતા કેટલા મજુર કામ પર આવતા ન હોવાની વિગતો મેળવી તેના મોબાઇલ લોકેશન મેળવતા બિહારના વૈશાલી જિલ્લાના રસુલપુર ગામના એમડી મહંમદહુસેન અન્સારી નામના શખ્સની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું તેમજ એમડી મહંમદહુસેન અન્સારીએ ફોન કરી કારખાનેદાર નિલેશભાઇ પટેલને રૂ.૧૦ લાખની ખંડણી માગતો હોવાનું ખુલ્યું હતું. લોધિકા પોલીસે એસઓજીની મદદ લઇ બિહારથી એમડી મહંમદહુસેન અન્સારીની ધરપકડ કરી છે.
એમડી મહંમદહુસેન અન્સારીની પૂછપરછ દરમિયાન તેને કારખાનેદાર નિલેશભાઇ માંગરોલીયા પાસેથી રૂ.૧૦ લાખની ખંડણી પડાવવાના ઇરાદે બોમ્બ કારખાનામાં મુકયાની કબુલાત આપી છે. તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે અને બોમ્બ કયાં બનાવ્યો તે અંગેની વિગતો મેળવવા પોલીસે તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.