ભાજપે કાર્યકરોને સોશિયલ મીડિયા ટ્રેનીંગ આપવા માટે વર્કશોપ શરૂ કર્યા તો આરજેડીએ બૂથ લેવલના વોટ્સએપ કેમ્પેઈન ઉપાડ્યા
કોરોના મહામારીના કારણે દેશના આર્થિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક સહિતના ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશનનો પગપેસારો થઇ ચૂકયો છે. હવે તો રાજકારણ પણ ડિજિટલ બનવા જઇ રહ્યું છે. જેનો તાજો નમૂનો લોકોને બિહારની ચૂંટણીમાં જોવા મળશે. બિહારની ચૂંટણીમાં ચાલુ વર્ષે પ્રચાર સંપૂર્ણ ડિજિટલાઇઝ થવા જઇ રહ્યો છે. એકતરફ ભાજપે કાર્યકરોને સોશિયલ મીડિયા ટ્રેનિંગ આપવા તબક્કાવાર વર્કશોપ યોજી કાઢયા છે. બીજીતરફ આરજેડીએ પણ બૂથ લેવલ વોટ્સએપ ગ્રૂપ રચીને પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ નજીકના ભવિષ્યમાં આત્મનિર્ભર બિહાર અભિયાન ઉપાડવા જઇ રહ્યું છે. જે માટે રાજ્યના ૩૮ જિલ્લામાં ડિજિટલ હેડ પણ નિમાય ચૂકયા છે. ભાજપે તાજેતરમાં જ હારેગા કોરોના, જીતેગા બિહાર અભિયાન શરૂ કર્યું હતું ત્યારબાદ ફરક સાફ હૈ, ના ભૂલેગા બિહાર જેવા ડિજિટલ અભિયાનને પણ વેગવાન બનાવાયા હતા. આ અભિયાન થકી આરજેડીના કાર્યકાળમાં થયેલા કૌભાંડો લોકોને યાદ કરાવાયા હતા. ભારતીય જનતા પક્ષે પ્રગતિશિલ બિહાર અભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં અમલમાં મુકાયેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. એકંદરે બિહાર ચૂંટણીમાં મોટાભાગનો પ્રચાર પ્રસાર ડિજિટલ થવા લાગ્યો છે. ભાજપે ૨૮૦૦ જેટલી સોશિયલ મીડિયા ઓફિશિયલ પોસ્ટ કરી છે. અત્યારે પણ વડાપ્રધાન મોદી જ ભારતીય જનતા પક્ષના આકર્ષક ચહેરા છે. ત્યારબાદ પ્રમોશનમાં ભાજપ પ્રમુખ સંજય જયસ્વાલ, નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી, ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા સહિતના નામે કેમ્પેઇન ચલાવવામાં આવે છે. બીજીતરફ આરજેડી દ્વારા પણ ડિજિટલ કેમ્પેઇન ચાલુ છે. જેમાં બિહારમાં ઓગસ્ટ મહિના બાદ કોરોનાના કેસમાં આવેલો ધરખમ વધારો સહિતના મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. વિરોધપક્ષ આરજેડીએ મોદી સરકારે બિહાર માટેના પેકેજનું વચન તોડયું હોવાના આક્ષેપ પણ કર્યા છે. એકંદરે બિહારની ચૂંટણીમાં ડિજિટલ યુદ્ધ ફેલાઇ રહ્યું છે. જે આગામી સમયમાં વધુ ગાઢ બનશે.