બિહારના શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીએ રાજીનામુ આપી દીધું છે. તેમણે ગુરુવારે જ પદભાર સંભાળ્યો હતો અને તેના ત્રણ કલાક પછી જ તેમણે રાજીનામુ આપી દીધુ હતું.
ચૌધરીએ નીતીશ કુમાર સાથે 10 નવેમ્બરે જ કેબીનેટ મંત્રીના શપથ લીધા હતા. મેવાલાલ ચૌધરી 2010માં જ્યારે એગ્રી કલ્ચર યુનિવર્સિટીમાં કુલપતિ હતા ત્યારે તેમના પર ભરતી કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે પણ તેમને ખુરશી ગુમાવવી પડી હતી.
જોકે આ વખતે પદભાર ગ્રહણ કરતી વખતે જ તેમણે કહ્યું હતું કે, તેમના પર કોઈ ચાર્જશીટ નથી અને જે લોકોએ તેમને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે તેમને તેઓ 50 કરોડની માનહાનિની નોટીસ મોકલશે.
પટના હાઈકોર્ટના પૂર્વ જજ એસએમએમ આલમની તપાસ કમિટી સામે મેવાલાલે સ્વીકાર્યું હતું કે તેમણે નિમણૂકમાં પક્ષપાત કર્યો હતો અને તેમણે ઉમેદવારો માટે રિમાર્ક્સ, વાયવા અને એગ્રીરેટ કોલ જાતે ભરી હતી. આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે નેટમાં નપાસ થયેલા 30થી વધારે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી.