સૌથી ઝડપી ચુકાદો આપી ન્યાયતંત્ર માટે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી પોકસો અદાલત
સમય અને સ્થિતિ બદલાતા હવે અપરાધનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. આજના સમયમાં જ્યારે ટેકનોલોજી છેવાડાના વિસ્તાર સુધી પહોંચવા લાગી છે ત્યારે ટેકનોલોજીનો દુરપયોગ કરીને ઓનલાઇન પોર્નોગ્રાફી જોઈને નશાની સરળ ઉપલબ્ધતા સાથે દેશમાં ફૂલ જેવી કુમળી બાળકીઓ પર સામુહિક દુષ્કર્મ અને ગુન્હામાં સંડોવણી અંગેના પુરાવા છુપાવવા હત્યા સહિતના ગુન્હા રુવાડા ઉભા કરી દે છે. ત્યારે અપરાધ અને ન્યાયતંત્રની મશીનરી અને સરકારે તેના પર તાત્કાલિક ધ્યાન આપવું પડશે તેમાં શંકાને સ્થાન નથી.
ગુનેગારોના મનમાં કાયદો વ્યવસ્થાનો ડર બેસાડવા ઝડપી ન્યાયતંત્રની હાલના સમયમાં તાતી જરૂરિયાત છે. ત્યારે ઝડપી ન્યાયતંત્રની પહેલ કરીને બિહારના અરરિયા જિલ્લામાં એક વિશેષ પોકસો કોર્ટે માત્ર એક જ દિવસની સુનાવણીમાં તમામ 10 સાક્ષીઓના નિવેદન, ચર્ચા અને આરોપીનો પક્ષ સાંભળ્યા પછી સાંજે અંતિમ શ્વાસ સુધી જન્મટીપની સજા ફટકારી છે. એક દિવસમાં ચુકાદો આપવાનો આ પ્રથમ કેસ છે જેમાં આરોપી પક્ષ અને સ્થાનિક મહિલા ઇન્વેસ્ટિગેશન ઓફિસરની પ્રશંસનીય ભૂમિકા રહી છે.
જેણે માત્ર બે મહિનાથી ઓછા સમયમાં ચાર્જશીટ દાખલ કરી અને તમામ સાક્ષીઓને કોર્ટમાં હાજર પણ કરી દીધા હતા.કોર્ટે બીજા બે દિવસોમાં આરોપો નક્કી કર્યા અને તેના પછીની તારીખે ચુકાદો આપી દીધો. પોક્સો અંતર્ગત સેશન્સ જજની કોર્ટે એક વર્ષમાં સજા આપવાની જોગવાઈ છે પરંતુ આવું થતું નથી. દેશની રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે બાળ જાતીય શોષણના લગભગ 50 કેસ થયા છે પરંતુ એક અનુમાન મુજબ તેમાંથી 99 ટકા કેસમાં એક વર્ષમાં ચુકાદો આવ્યો નથી.
77 ટકા કેસમાં ચુકાદો આવતા એક થી ત્રણ વર્ષ લાગ્યા અને 16 ટકા કેસમાં પાંચ વર્ષ સુધીનો સમય વીતી ગયાનો અંદાજ છે. આરોપીઓ ગુનો આચરે તે પૂર્વે તેમના મગજમાં ન્યાયતંત્ર નો ડર રહે અને તેઓ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ કર્યા પૂર્વે તેમના અંજામ વિશે વિચારતા થાય તો ચોક્કસ ગુનાના આંકડામાં ધરખમ ઘટાડો આવી શકે છે. ત્યારે ન્યાય તંત્રએ પણ પોતાનું વલણ બદલાવાની તાતી જરૂરિયાત છે. જેનો સર્વ શ્રેષ્ઠ ઉદાહરણ બિહારની પોકસો કોર્ટે પૂરું પાડ્યું છે.