વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી પ્રેરણા લઈને સંઘર્ષોનો સામનો કરતા ૧૨ વર્ષના બાળકની ગાથા દર્શકોને પ્રેરણા પુરી પાડશે: ફિલ્મની ટીમ ‘અબતક’ની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વભરના લોકોની આશા અને પ્રેરણા છે ત્યારે ગુજરાતના ગર્વ કહી શકાય તેવા મોદીજી ઉપર મોટીવેશનલ ફિલ્મ ‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ ૧લી માર્ચે રીલીઝ થનાર છે ત્યારે ફિલ્મના દિગદર્શક, પ્રોડયુશર અને સ્ટાર કાસ્ટે ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીએ તેના બાળપણમાં કેટલાક પડકારો અને મુશ્કેલીનો સામનો કરી સતત દ્રઢ સંકલ્પ સાથે ઉંચાઈ હાંસલ કરી છે. તેમાંથી પ્રેરણા લઈ ૧૨ વર્ષનો એક બાળક નરેન્દ્ર મોદી બનવાનું સ્વપ્ન જુએ છે.
આ સ્વપ્ન જોનાર બાળક ૮માં ધોરણમાં અભ્યાસ કરતો અમદાવાદી છે.ગરીબ પરિવારમાં જન્મેલો બાળક કેટલાક સપનાઓ સાથે ખુશ છે. ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ જણાવ્યું કે, તેમણે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દમણ અને લગભગ ગુજરાતભરમાં શુટીંગ કર્યું હતું. આ ફિલ્મ સંપૂર્ણપણે નોન પોલીટીકલ પરંતુ મનોરંજન આધારીત ફિલ્મ છે. છતાં સેન્સર દ્વારા તેને અટકાવવામાં આવ્યું હતું. ફિલ્મમાં નરેન્દ્રના બાળપણનો રોલ અમદાવાદનો કરણ પટેલ કરી રહ્યો છે જે મુખ્ય કિરદાર રહેશે.
નરેન્દ્રના બાળપણનો દોસ્ત સુલેમાન રહેશે. આ ફિલ્મમાં ૩ ગીતો રાખવામાં આવ્યા છે. તેમનો હંમેશાથી પ્રયાસ રહ્યો છે કે, લોકોને કંઈક નવુ પિરશે અને ગુજરાત તો શું વિશ્વભરના લોકોની પ્રેરણા સમાન મોદી આપણા ગર્વનું પ્રતિક છે માટે આ ફિલ્મનું નિર્માણ કરવા માટે અમે ખુબજ મહેનત કરી છે.
મોટાભાગના બાળકો કોઈ સેલીબ્રીટી જેમ કે, સલમાન, શાહરૂખ કે સીંગર બનવા માંગતા હોય છે પરંતુ આ ગરીબ બાળક મોદીની વિચારધારાથી પ્રેરીત થઈ તેના જેવો સ્વભાવ બનાવવા માંગે છે. ફિલ્મના મુખ્ય કલાકાર કરણ પટેલે કહ્યું હતું કે, શુટીંગ દરમિયાન તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડી નથી અને ટીમનો ખુબજ સારો સપોટ મળ્યો હતો. કલાકાર પોતે પણ જીવનમાં મોદી વિચારધારા ધરાવે છે. ફિલ્મના ગીતોને દિવ્યાકુમારે કંઠ આપ્યો છે.
ફિલ્મના પ્રોડયુશર તાન્યા શર્માએ જણાવ્યું હતું કે, તેમણે પોતાનું સ્વપ્ન આ ફિલ્મ બનાવી પૂર્ણ કર્યું છે અને ગાંધીજી બાદ કોઈની વિચારધારા પ્રેરણાદાયી હોય તો તેમના મતે મોદીજી બેસ્ટ છે તેવું તેમણે ‘અબતક’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું.