માનવભક્ષી દિપડો પાંજરે પુરાયો હોવાનું ગાણુ ગાતું તંત્ર
પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા તંત્રમાં હડકંપ
બગસરા પંથકમાં છેલ્લા ભણા દિપડાના ત્રાસથી ખેડુતો વાડીએ જતા પણ ફફડી રહ્યા છે જો કે થોડા દિવસ અગાઉ માનવભક્ષી દીપડો પકડાઇ ગયાનું જણાવી વન તંત્રએ સંતોષ માન્યો હતો. પરંતુ ગઇરાત્રીના મોટા મુંજીયાસરના ખેડુતને દિપડાએ ફાડી ખાતા અરેરાટી પ્રસરી ગઇ છે તેમજ મૃતકના પરિવારોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
બગસરા પંથકમાં દિપડાઓના હુમલાઓમાં વધારો થવા પામ્યો છે. વન તંત્રની બેદરકારીને કારણે દિપડાઓ બેખોફ રખડી રહ્યા છે. જેમાં થોડા દિવસ પહેલા સુડાવડ ગામેથી પકડાયેલા દિપડાને ઠાર મારવાના મામલે ગ્રામજનોને વનખાતા સાથે માથાકુટ પણ થઇ હતી. આ દિપડાને સાસણ એનીમલ કેરમાં લઇ જવાતા આ દિપડો માનવભક્ષી હોવાનું ખુલતા ગ્રામજનોને રાહત થઇ હતી પરંતુ ગઇકાલે જ મોટા મુંજીયાસર ગામના ખેડુત વજુભાઇ બોરડ (ઉ.વ.પપ) પોતાની વાડીએ સુતા હતા ત્યારે અચાનક ફરી માનવભક્ષી દિપડો આવી ચડતા ખેડુત ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અને આખા શરીરે બટકા ભરી લેતા શરીરના સાત ભાગ કરી નાખ્યા હતા. આ ઘટનાના સમાચાર મળતાની સાથે જ ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ખેડુતની લાશને સ્વીકારવા માટે ઇન્કાર કરી દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દિપડાએ આ જ ગામમાં ઓસરીમાં સુતેલા વૃઘ્ધ ઉપર હુમલો કરી મોતને ધાટ ઉતારી દીધા હતા ફરી એકવાર દિપડાએ ખેડુતને ફાડી ખાતા ગ્રામજનોમાં વન ખાતાની સામે આક્રોશ ફેલાયો છે.
આ પંથકમાં અનેકવાર દિપડાએ હુમલા કરી અનેકને મોતને ધાટ ઉતારી દીધાના બનાવો બન્યા છે પરંતુ વનખાતાને માનવીના બદલે પ્રાણીની ચિંતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ દિપડાએ અનેક પરિવારના સભ્યોને મારી નાખ્યા હોવાથી લોકરોષ ભભૂકી ઉઠયો છે. જેના લીધે કાયદાનો ડર મુકી લોકો પણ દિપડાને મારી નાખવાની મંજુરી માગી રહ્યા છે. આમ સરકાર દ્વારા દિપડાઓને મારવાના આદેશ નહી કરે તો લોકો જાતે જ દિપડાનો ફસાયો બનાવશે તેવું લોકરોષ જોતા લાગી રહ્યું છે.