આજના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ સમાચારનું એક મોટું મધ્યમ બનતા જઈ રહ્યા છે. પણ આ સાથે ફેલાતા ફેક ન્યૂઝ સહિતના સોશિયલ મીડિયાના વાયરલ “વાયરસ”ને રોકવા પણ જરૂરી બન્યા છે. જેને લઈ ભારતમાં તાજેતરમાં સરકારે નવા આઈટી રૂલ્સ લાગુ કર્યા છે. જેનાથી ફેક ન્યૂઝ, ખોટી માહિતીઓ તેમજ ફેલાતું દૂષણ અટકશે. જો કે નવા નિયમોને લઈ સોશિયલ મીડિયા કંપની તેમજ સરકાર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ગૂગલ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત તેમજ સમાચારો દ્વારા થતી આવકના હિસ્સાની વહેંચણીને લઈ સૌપ્રથમ કાયદો ઓસ્ટ્રેલિયા દ્વારા લવાયો હતો.

વિભિન્ન દેશોમાં આવા કડક કાયદા દ્વારા સોશિયલ મીડિયાના વાયરલ “વાયરસ”ને નિયંત્રિત કરવા પ્રયાસ કરાઈ રહ્યો છે. ત્યારે ગૂગલને ફ્રાંસ તરફથી મોટો ફટકો પડ્યો છે. ફ્રાન્સના એન્ટિ ટ્રસ્ટ વોચ ડોગે આલ્ફાબેટના ગૂગલને મોટો દંડ ફટકાર્યો છે. ન્યૂઝ કોપીરાઈટને લઈ ગૂગલને મોટો ઝટકો આપતા ફ્રાન્સ સરકારે 500 મિલિયન યુરો એટ્લે કે રૂ. 500 કરોડનો દંડ ઝીંકયો છે.

યુ.એસ. ટેક કંપનીએ આગામી બે મહિનાની અંદર સમાચારોનો ઉપયોગ કરવા માટે ન્યૂઝ એજન્સીઓ અને અન્ય પ્રકાશકોને કેવી વળતર આપશે તે અંગેની દરખાસ્તો લાવવી પડશે. જો ગૂગલ આમ નહીં કરે તો તેને દરરોજ 9,00,000 યુરો સુધીનો વધારાના દંડનો સામનો કરવો પડશે. તેમણે જણાવ્યુ કે ફ્રાન્સના સમાચાર પબ્લિશર્સ સાથે સળંગ આપવામાં આવેલા કામચલાઉ હુકમોનું સંપૂર્ણ પાલન કરવામાં ગૂગલ કંપની નિષ્ફળ નીવડી છે.

આ કેસ પોતે જ ધ્યાન કેન્દ્રિત કરે છે કે શું ગૂગલે એન્ટિ ટ્રસ્ટ ઓથોરિટી દ્વારા જારી કરેલા કામચલાઉ આદેશોનું ઉલ્લંઘન કર્યું છે..? એપીઆઇજી, જે મોટાભાગના મુખ્ય પ્રિંટ ન્યૂઝ પબ્લિશર્સનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યુ કે એક ફ્રેમવર્ક સમજૂતી હોવા છતાં, ગૂગલે નિયમોનું પાલન કર્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.