લંડનમાં લોકેશન મળ્યા બાદ ઇન્ટરપોલની મદદથી એક માસથી લંડનમાં રહેલી જામનગર પોલીસને મળી મોટી સફળતા
કરોડોની ખંડણી પડાવવી અને એડવોકેટની હત્યા સહિત અનેક ગુનામાં વોન્ટેડ ભૂ માફિયા જયેશ પટેલને આજે લંડન કોર્ટમાં રજુ કરાશે
જામનગરના એડવોકેટની સોપારી આપી હત્યા કરાવવી, કરોડોની ખંડણી વસુલ કરવી અને કરોડોના જમીન કૌભાંડમાં છેલ્લા ત્રણેક વર્ષથી વોન્ટેડ જયેશ પટેલને લંડનથી ઝડપી લેવામાં જામનગર પોલીસને સફળતા મળી છે.
એડવોકેટ કિરીટ જોષીની હત્યા બાદ ફરાર થયેલા ભૂમાફિયા જયેશ પટેલ વિદેશ ભાગી ગયા બાદ વિદેશથી ધમકી દઇ ખંડણી વસુલ કરવા સહિતના ગુનાખોરીને અંજામ આપી રહ્યો હોવાથી જામનગરમાં ગુનાખોરીનો ગ્રાફ ઉચકાતા રાજય સભાના સાંસદ પરિમલ નથવાણીએ જામનગરમાં ગુનાખોરી બેકાબુ હોવા અંગે ટવિટ કરતા ખળભળાટ મચી ગયો હતો અને સરકાર દ્વારા તાકીદે જયેશ પટેલને ઝડપી લેવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના દિપેન ભદ્રેનને જામનગર એસપી તરીકે નિમણુંક આપવામાં આવી હતી.
રાજકોટ રેન્જ ડીઆઇજી સંદિપસિંહ અને જામનગર એસપી દિપેન ભદ્રેન દ્વારા જયેશ પટેલની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી જયેશ પટેલના સાગરીતોને જેલ હવાલે કરી દીધા હતા. જયેશ પટેલ પર પોલીસની ભીસ વધતા તે પોતાની ઓળખ છુપાવી લંડન છુપાયો હોવાની ચોક્ક્સ બાતમીના આધારે જામનગર અને સીઆઇડી ક્રાઇમ દ્વારા જયેશ પટેલનું પગેરૂ દબાવવાનું શરૂ કર્યુ હતું.
વોન્ટેડ જયેશ પટેલ પર ભીસ વધરાવા માટે પોલીસે ઇન્ટરપોલની મદદથી રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી હતી. બીજી તરફ બાતમીના આધારે જામનગર પોલીસની એક ટીમ લંડન પહોચી સ્થાનિક પોલીસની મદદથી જયેશ પટેલને ઝડપી લેવામાં સફળતા મળી છે. જયેશ પટેલને લંડન કોર્ટમાં રજુ કરી જામનગર લાવવા માટેની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જયેશ પટેલ લંડનથી ઝડપાયો ત્યારે તેની સાથે ગુનાખોરીમાં સંડોવાયેલા દિલીપ ઠક્કર, હાર્દિક ઠક્કર અને જયંત ગઢવી નામના શખ્સો કલકતામાં આશરો મેળવી છુપાયા હોવાનું બહાર આવતા જામનગર પોલીસની એક ટીમે કલકતા પોલીસની મદદથી ત્રણેયને ઝડપી લીધા છે.
વોન્ટેડ જયેશ પટેલ ઝડપાયાની વિગતો બહાર આવતા રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ જામનગર જવા નીકળી ગયા છે. અને ટૂંક સમયમાં જ સતાવાર રીતે તમામ વિગતો જાહેર કરવામાં આવનાર હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.
ટ્વિટરથી હાલારનું રાજકારણ હચમચી ગયું’તું
જામનગર પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળ્યાની રાજય સભાના સાંસદ પરિમલ નથવાણીએ ટવિટ કર્યુ હોવાથી સરકાર હરકતમાં આવી ગઇ હતી. અને ખંડણીખોર જયેશ પટેલને તાકીદે ઝડપી લેવા અને ખંડણી વસુલ કરતી જયેશ પટેલની ગેંગને નેસ્ત નાબુદ કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના દિપેન ભદ્રેનની નિમણુંક આપી હતી પરંતુ પક્ષી ઉડી ગયું હોવાથી જામનગરના રાજકારણ ગરમાયું હતું ત્યારે પક્ષીને પંજરે કોણે પુરાવ્યું તે અંગેની ચર્ચાએ ચકચાર મચાવી છે.
જયેશનો મુંબઇ પોલીસે પાસપોર્ટ જમા લઇ લીધો તો કઈ રીતે લંડન પહોચ્યો
હત્યા, ખંડણી અને જમીન કૌભાંડ સહિતના અનેક ગુનામાં વોન્ટેડ જયેશ પટેલ વિદેશ ભાગે તે પૂર્વે જ એક પાસપોર્ટ મુંબઇ પોલીસે જપ્ત કરી લીધો હતો. ત્યારે તે દુબઇ થઇ લંડન પહોચ્યો છે. અને બીજી એક વાત નેપાળ બોર્ડરથી ભારતમાં આવી ગયાની ચર્ચા વચ્ચે તે લંડનથી ઝડપાયો છે. દુબઇમાં ડુપ્લીકેટ પાસપોર્ટના આધારે એન્ટ્રીક કરવી શકય નથી તો તે શારજહાથી લંડન ગયો હોવાની શંકા સાથે પોલીસની ટેકનિકલ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જયેશ મોઢુ ખોલશે કે મોઢુ કાયમ બંધ કરશે?
જામનગરમાં એસટીડી પીસીઓથી કારર્કીદીનો પ્રારંભ કરનાર જયેશ પટેલ એક જ દસકમાં સમગ્ર હાલાર પંથકમાં ધાક જમાવી રાજકીય અને પોલીસ અધિકારીઓને પણ દાદ દેતો ન હોવાથી પોલીસ માટે માથાનો દુ:ખાવો બની ગયો હતો પરંતુ તે રાજકીય પીઠબળ ધરાવતો હોવાથી ગુનાખોરી અનેક રાજકીય નેતાના ઇશારે કરી હોવાથી જયેશ પટેલ મોઢું ખોલે તે પહેલાં તેનું મોઢુ કાયમ માટે બંધ કરવા માટેનો પણ તખ્તો ગોઠવાઇ રહ્યાની ચર્ચા ચાલી રહી છે જયેશ પટેલની બોલતી જ બંધ કરવામાં આવે તો અનેક રહસ્ય પરનો પડદો ઉકાશે કે રહસ્ય અકબંધ રહેશે તેવી ચર્ચાએ ચકચાર જગાડી છે.
એડવોકેટ હત્યા કેસની તપાસ સીઆઇડી પાસેથી લઇ જામનગર પોલીસને સોંપાઇ
જયેશ પટેલ ખરેખર કયારે પકડાયો કે રાજકીય ગોઠવણ!!
ભૂ માફિયા જયેશ પટેલ સામે મેદાને પડેલા એડવોકેટ કિરીટભાઇ જોષીની ભાડુતી મારા દ્વારા હત્યા કરાવવાના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત જયેશ પટેલને ઝડપી લેવા માટે સીઆઇડી ક્રાઇમને તપાસ સોપવામાં આવી હતી બે દિવસ પહેલાં જ કિરીટભાઇ જોષી હત્યા કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ પાસેથી લઇ જામનગર પોલીસને સોપવામાં આવી છે. જયેશ પટેલ સામેના અનેક ગુનાની જામનગર પોલીસ દ્વારા તપાસ થઇ રહી છે ત્યારે ફરી એડવોકેટ હત્યા કેસની તપાસ પણ જામનગર પોલીસ હવાલે કરવામાં આવી છે. જયેશ પટેલ લંડનમાં બે થી ત્રણ દિવસ પહેલાં જ પકડાયો હોવાની ચર્ચા વચ્ચે રાજકીય ગોઠવણથી પકડાયો હોવાનું જાણવા મળે છે. પોલીસે જયેશ પટેલ પાસેથી કેટલીક સ્ફોટક વિગતો મેળવી લીધી છે. પરંતુ તેને ભારત લવાયા બાદ જ સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થાય તેમ છે.