અબતક, વિનાયક ભટ્ટ, ખંભાળીયા
સલાયાના પાસેથી રૂા.315 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોને ઝડપી ડ્રગ્સ રેકેટનો દેવભૂમિ દ્વારકા પોલીસે પર્દાફાસ કર્યા બાદ ત્રણેયને રિમાન્ડ પર મેળવી કરાયેલી પૂછપરછમાં દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો લાવનાર સલાયાના બે માછીમારની સંડોવણી બહાર આવતા બંનેને પોલીસે ઝડપી તેની પાસેથી બોટ કબ્જે કરી છે.
દેવભૂમિ દ્વારકા એસઓજી સ્ટાફે આરાધનાધામ પાસેથી મુંબઇના સજ્જાદ સિંકદર ધોસી નામના શખ્સને ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ તેની કરાયેલી પૂછપરછમાં સલાયાના નામચીન સલીમ યાકુબ કારા અને તેના ભાઇ અલી યાકુબ કારા પાસેથી ડ્રગ્સનો જથ્થો લઇ મુંબઇ જતો હોવાની કબુલાત આપી હતી.
સજ્જાદ ધોસીની કબૂલાતના આધારે દેવભૂમિ દ્વારકા પોલીસે સલાયા ખાતે દરોડો પાડી 47 ડ્રગ્સના પેકેટ સાથે સલીમ કારા અને તેના ભાઇ અલી કારાને ઝડપી લીધા હતા. ત્રણેય શખ્સોને નવ દિવસના રિમાન્ડ પર મેળવી કરાયેલી પૂછપરછમાં પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો દરિયાઇ માર્ગે સલાયા નજીક આવતા દરિયામાંથી સલાયા સુધી ડ્રગ્સ લાવવા માટે સલીમ કારા અને અલી કારાએ રૂપેણ બંદરેથી ગત તા.29મી ઓકટોમ્બરે રૂા.2 લાખની કિંમત ફારૂકી નામની બોટ તાત્કાલિક ખરીદ કરી સલાયાના પરોડીયા રોડ પર રહેતા સલીમ ઉમર જુસબ જશરાયા અને ઇરફાન ઉમર જુસબ જશરાયા નામના મછીમારને ફારૂકી બોટ સાથે દરિયામાં મોકલ્યા હતા.
બંને માછીમારોએ આઇએમબીએલ નજીક પહોચી વાયરલેશ મારફતે પાકિસ્તાની બોટનો સંપર્ક કરી માછીમારીની ઝાળી નીચે છુપાવી ગત તા.9 નવેમ્બરના રોજ સલાયા ખાતે ડ્રગ્સનો જથ્થો શાંતિનગર દરિયા કાંઠે લાવી સલીમ કારાની ટાટા નેનો કારમાં ડ્રગ્સનો જથ્થો સોપી દીધો હતો. ત્યાર બાદ મુંબઇના સજ્જાદ ધોસીને કિયા કારમાં ડ્રગ્સનો જથ્થો સોપી દીધો હતો. અને 47 પેકેટ સલીમ કારાએ પોતાની પાસે રાખ્યા હતા. સજ્જાદ ધોસી ઝડપાયા બાદ અગાઉ જાલીનોટ અને ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા સલીમ કારા અને અલી કારાને ઝડપી ડ્રગ્સ રેકેટના મુળ સુધી પહોચવા ત્રણેયને રિમાન્ડ પર લીધા બાદ સલીમ ઉમર જશરાયા અને તેના ભાઇ ઇરફાન ઉમર જશરાયાની સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કરી રૂા.2 લાખની કિંમતની બોટ કબ્જે કરી છે.
ડ્રગ્સ રેકેટની તપાસમાં જોડાયેલા પોલીસ સ્ટાફના મોબાઇલ સ્વીચ ઓફ કરાવાયા
દેવભૂમિ દ્વારકા એસઓજી સ્ટાફે રૂા.315 કરોડનો ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી લીધા બાદ ડ્રગ્સ માફિયા સુધી પહોવા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીએ પીઆઇ જે.એમ.પટેલને તપાસ સોપી ખાસ ટીમ તૈયાર કરી ડ્રગ્સની તપાસમાં જોડાયેલા તમામ પોલીસ સ્ટાફના મોબાઇલને સ્વીચ ઓફ કરાવી દીધા છે. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા મુંબઇના સજ્જાદ ધોસી મુંબઇનો હોવાથી દેવભૂમિ દ્વારકા પોલીસની એક ટીમ તપાસ અર્થે મુંબઇ પહોચી છે.
જામનગરના ચેલા ગામેથી 3.40 લાખનું ડ્રગ્સ ઝડપાયું
દેવભૂમિ દ્વારકા પોલીસે ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ કરી તપાસ ચાલી રહી છે તે દરમિયાન જામનગર એસઓજી સ્ટાફે જામનગરના ચેલા ગામે ડ્રગ્સ અંગે દરોડો પાડી ઇમ્તિયાઝ રસીદ લાખા નામના શખ્સને રૂા.3.40 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે. તેની પૂછપરછમાં મહારાષ્ટ્રના પનવેલના વતની આસિફ ઉર્ફે લાલા નામના શખ્સ પાસેથી ડ્રગ્સ ખરીદ કર્યાની કબુલાત આપી છે.