ડો.ચિરાગ વિભાકર, પ્રો.દેવાંગ પરમાર અને અનિલ વસાણી લિખિત હાઈ વોલ્ટેજ એન્જિનિયરીંગ પુસ્તકનું વિમોચન

હાઈ વોલ્ટેજ એન્જીનીયરીંગ પર વીવીપી ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ વિભાગના વડા ડો.ચિરાગ વિભાકર, પ્રો.દેવાંગ પરમાર અને અનિલ વસાણી દ્વારા લિખિત પુસ્તકનું પીજીવીસીએલના ચીફ એન્જીનીયર જે.જે.ગાંધીના હસ્તે વિમોચન થયું હતું. આ પ્રસંગે તેમની સાથે બ્રિગેડીયર અજીતસિંહ શેખાવત, કેપ્ટન ટીપુ સુલતાન શેખ, વેસ્ટવુડ સ્કુલના રાહુલભાઈ ડાંગર, વીવીપીના પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકર ઉપસ્થિત રહ્યા હતા.

હાઈ વોલ્ટેજ એન્જીનીયરીંગના આ પુસ્તક વિશે પ્રતિભાવ આપતા જે.જે.ગાંધીએ જણાવ્યું હતું કે, ઈલેકટ્રીસીટીની ડીમાંડ રોજબરોજ વધતી હોય ત્યારે હાઈવોલ્ટેજ ટ્રાન્સમીશન ખુબ જ જરૂરી બને છે તેવા સમયે હાઈવોલ્ટેજની સમજ માટે ડો.ચિરાગ વિભાકર, પ્રો.દેવાંગ પરમાર અને અનિલ વસાણી દ્વારા લખેલુ પુસ્તક એક સારી શરૂઆત છે. ડો.ચિરાગ વિભાકર, સીપીઆરઆઈ બેંગલુરુ ખાતે પોસ્ટ પીએચડી દરમિયાન કરેલ સંશોધનનો પણ આ પુસ્તકમાં આવરી લેવાયેલ છે. આ વિશે વિશેષ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ભારતની વિવિધ ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં હાઈવોલ્ટેજ એન્જીનીયરીંગનો વીષય વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગના ક્ષેત્રમાં હાઈ વોલ્ટેજનું ભવિષ્ય ખુબ જ ઉજજવલ છે. કારણકે તાજેતરમાં ઈકોનોમીના દ્રષ્ટિકોણને ધ્યાનમાં લઈને પાવર ટ્રાન્સમીશન ખુબ જ હાઈવોલ્ટેજ પર કરવાનો ટ્રેન્ડ શરૂ થયેલ છે. તેથી આ વિષય આ દ્રષ્ટિથી પણ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

એકદમ સરળ અને સચોટ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાય તે રીતે આ બુકમાં હાઈવોલ્ટેજના તમામ પાસાઓને આવરી લેવામાં આવેલ છે. આ બુકમાં રહેલ વિવિધ એકઝામ્પલ્સ, ઓબ્જેકટીવ કવેશ્યન, ટેકસ કવેશ્યન, સોલ્વડ એકઝામ્પલ્સ વિદ્યાર્થીઓને આ વિષયમાં નિપૂણતા મેળવવા માટે ખુબ જ ઉપયોગી થશે. આ સમયે તેમણ સહ લેખક ડી.બી.પરમાર તેમજ એ.એન.વાસણીના સતત પરિશ્રમ અને યોગદાનને પણ બિરદાવેલ. ઉપરાંત તેમણે મેનેજમેન્ટ, આચાર્ય, વિભાગના કર્મચારીઓનો પણ પ્રોત્સાહિત કરવા માટે આભાર માનેલ. પુસ્તક વિમોચનના આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તથા આચાર્ય ડો.જયેશભાઈ દેશકર, વિદ્યાર્થીગણ, તમામ કર્મચારીગણે અભિનંદન પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.