મારૂ ગામ, કોરોના મુકત ગામ…. રૂપાણી સરકારે શરૂ કરેલું અભિયાન રંગ લાગ્યું છે. બીજી લહેરમાં ખરાબ રીતે સપડાયેલા ગામડાઓમાં કોરોનાએ કાળો કહેર વરસાવી દીધો છે. પરંતુ હવે, લોકોમાં જાગૃકતા આવતા કોરોના સામે તંત્રની સાથે ખંભેથી ખંભો મીલાવી કામ કરી રહ્યા છે જેમાં અમરેલી જીલ્લાનું નાના આંકડિયા ગામે મોટું પરાક્રમ કર્યુ હોય તેમ કોરોના વાયરસને હંફાવી દીધો છે. ‘મારૂ ગામ, કોરોના મુકત ગામ’ અભિયાનને ખરાઅર્થમાં ચરિતાર્થ કરી મહામારી સામે જંગ જીત્યો છે. અહી છેલ્લા 3 માસમાં બે જ લોકોના મોત થયા છે.
અમરેલીથી ફક્ત 8 કિમીના અંતરે આવેલું 3104ની વસ્તી ધરાવતું નાના આંકડિયા પોતાના ગ્રામજનોની સવયંશિસ્ત અને આગવી સૂઝબૂઝથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ’મારું ગામ કોરોનામુક્ત ગામ’ના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે. અમરેલી શહેર નજીક હોવાથી ગામના દરેક કુટુંબના લોકો પોતાના કામ-ધંધાર્થે અમરેલી અવર જવર કરતા હોવા છતાં કોરોનાનું સંક્રમણ બિલકુલ નહિવત છે જે ખરેખર પ્રશંશનીય છે.
ગ્રામજનોની સ્વયંશિસ્ત અને સમજણને બિરદાવતા પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ જણાવે છે કે ગામમાં એકદમ ઓછું સંક્રમણ હોવાનો મોટાભાગનો શ્રેય માત્રને માત્ર વેક્સનેશનને જાય છે. ગામના 45 થી ઉંમરના 795 લોકો પૈકી 666 જેટલા એટલે કે 85 % લોકોનું વેક્સીનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ માસમાં ગામમાં ફક્ત બે જ વૃદ્ધોના અન્ય ગંભીર બીમારીના કારણે દુ:ખદ અવસાન થયા છે તેમજ અત્યાર સુધી ગામમાં માત્ર 20 લોકો જ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલા બધા દર્દી હોમ આઇસોલેશનમાં રહીને સાજા થયા છે અને એકપણ વ્યક્તિને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી નથી.
સાંભળો શું કહે છે સરપંચ સહિતના આગેવાનો
ગામની આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે વાત કરતા પ્રાંત અધિકારીએ ઉમેર્યું હતું કે ગામના સેવાભાવી લોકો દ્વારા ગામની હાઈસ્કૂલ ખાતે 10 બેડનું તમામ સુવિધાઓથી સંપન્ન કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જે લોકોને ઘરે આઇસોલેશનની વ્યવસ્થા ન હોય તેવા આ સુવિધાનો વિનામૂલ્યે લાભ લઇ શકે છે. રહેવાથી માંડીને બંને ટાઈમ સ્વાદિષ્ટ ભોજન સુધીની તમામ તમામ સગવડો વિનામૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત ઘણીવાર અમરેલીના સ્માશનગૃહોમાં જગ્યા ન હોવાથી મૃતદેહોની અંતિમક્રિયા માટે નાના આંકડિયાના સ્મશાન ગૃહ ખાતે મોકલવામાં આવે છે. જેના માટે ગામના 15 થી 20 લોકોની ટીમ લાકડાઓ એકઠા કરીને નિ:શુલ્ક સેવા આપે છે.
આરોગ્યકર્મીઓની કામગીરીની પ્રશંસા કરતા નાના આંકડિયાના સરપંચ દામજીભાઇ જાવિયાએ કહ્યું હતું કે ગ્રામજનોની સાથે સાથે આરોગ્યકર્મીઓએ દિવસ રાત ખડેપગે ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરે છે તેમજ ઓક્સિજન લેવલ, પલ્સ માપી જો જરૂર જણાય તો દવાઓ આપે છે. સ્મશાનગૃહ ની વ્યવસ્થા અંગે સરપંચશ્રીએ ઉમેર્યું હતું કે ગામના આગેવાનો દ્વારા લાકડાની, લાઈટની અને લાકડાઓ કાપવા માટે કટરની વ્યવસ્થા કરવામાં આવી છે. નાના આંકડિયાને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા તલાટી મંત્રી કપિલ મકવાણા, આરોગ્યકર્મી જય ઉદેશી, દીનાબેન સરપદડિયા, અંજનાબેન મહેતા તેમજ ગામના સર્વે આગેવાનો રમેશભાઈ જાવિયા, મેરામભાઇ વાળા, દર્શિત કાથરોટીયાનો સિંહફાળો રહ્યો છે.