કોરોના સંક્રમણને લઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ થઈ અને માસ પ્રમોશન આપવાનું નક્કી થયું. જેને લઈને આજે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10ના વિધાર્થીઓને માસ પ્રમોશન કેવી રીતે આપવું તે અંગેનું નીવેદન બહાર પાડ્યું છે.
ધોરણ 10ની નિયમિત વિધાર્થીઓની મૂલ્યાંકન કાર્ય પદ્ધતિને બે ભાગમાં વેચવામાં આવશે. જેમાં ભાગ-1 અને ભાગ-2નું મૂલ્યાંકન કરી વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. ભાગ-1માં શાળાકીય આંતરિક મૂલ્યાંકનના કુલ 20 ગુણ અને ભાગ-2માં શાળાકીય કસોટીઓ આધારિત મૂલ્યાંકનના 80 ગુણ આપવામાં આવશે.
ભાગ-1માં ધોરણ 10ના નિયમિત વિધાર્થીઓનું શાળા દ્વારા 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન કરવામાં આવશે. જેમાં વિધાર્થીઓ દ્વારા પસંદ કરેલા વિષયોમાં બોર્ડ દ્વારા નિયત કરેલા ધારા-ધોરણ મુજબ આ ગુણનું મુલ્યાકંન કરવાનું રહશે.
ભાગ-2 માં કુલ 80 ગુણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ-9ની પ્રથમ સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 ગુણ આપવામાં આવશે. ધોરણ-9ની બીજી સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 ગુણ. અને ધોરણ-10ની ઓનલાઈન અને ઓફલાઈન પ્રથમ સામાયિક કસોટીમાંથી મહત્તમ 30 ગુણ ગણાશે. આખરે ધોરણ 10ની એકમ કસોટીના કુલ 25 ગુણમાંથી વધુમાં વધુ 10 ગુણ આપી શકાશે.
આવી રીતે ભાગ-1માંથી 20 ગુણ અને ભાગ-2માંથી 80 ગુણ એવી રીતે ટોટલ 100 ગુણનું મૂલ્યાંકન કરી ધોરણ 10 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.