- આગામી દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ
- નવા બ્રિજની કામગીરીને લઈ બ્રિજ બંધ કરવા નિર્ણય
- પોલીસ કમિશનરે બ્રિજ અંગે જાહેરનામું બહાર પાડ્યું
અમદાવાદના કાલુપુરથી અવર-જવર કરતાં લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. નવા વર્ષથી એટલે કે 2 જાન્યુઆરી 2025થી સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવાથી દોઢ વર્ષ માટે એટલે કે 30 જૂન 2026 સુધી સારંગપુર બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે તેને ધ્યાને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહનોનો ધસારો વધશે.
439 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવાશે
રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. તેમજ આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે.
જાણી લો વૈકલ્પિક રૂટ
- ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇને વાણિજ્ય ભવન થઇને અનુપમ/અંબિકા બ્રિજ થઇને એપરલ પાર્ક થઇને અનુપમ સિનેમા થઈને જરૂરિયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.
- ગીતા મંદિર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઇ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.
- રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રિજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રિજ થઇ કાંકરીયા ગીતામંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
- રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રિજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ થઇ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
કાલુપુર-સારંગપુર બ્રિજ કોતરી નાખ્યો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના કાલુપુર-સારંગપુર બ્રિજને ઉંદરોએ કોતરી કાઢતાં બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હોવાનો દાવો કરાયો હતો. બ્રિજની ઉપર લોખંડની ગ્રીલ પણ ઉંદરો કોતરી ગયા છે. આ મુદ્દે અમદાવાદ મહા નગરપાલિકાના કાઉન્સિલ ઇકબાલ શેખે AMC કમિશ્નરને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ આ બ્રિજના સમારકામનો નિર્ણય લેવાયો હતો.