મોલનાં સેલેર, અગાસી, પક્ષી માટેની પાણીની કુંડી, ટાયર, પ્લાસ્ટીકનાં બાઉલ, સોડાની ખાલી બોટલમાંથી મળી આવ્યા મચ્છરોનાં પોરા: દંડ ફટકારાયો
શહેરમાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે જેને નાથવા માટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આરોગ્ય શાખાને એવી સુચના આપી છે કે, જયાં લોકોનો સમુદાય એકત્રિત થતો હોય ત્યાં મચ્છરોની ઉત્પતિ અંગેનું ચેકિંગ હાથ ધરવાનું અભિયાન ચલાવવામાં આવે જે અંતર્ગત ચેકિંગ દરમિયાન શહેરનાં ક્રિસ્ટલ મોલ, બીગબજાર અને ડી-માર્ટ માંથી ડેન્ગ્યુ અને મેલેરિયાનો રોગચાળો ફેલાવતા મચ્છરોનાં લારવા મળી આવતા તમામને દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઈસ્કોન-બીગબજારમાં સેલરમાં, અગાસી પર પક્ષીઓ માટે રાખવામાં આવેલી પાણીની કુંડી, ટાયર, પ્લાસ્ટીકનાં બાઉલ, સોડાની ખાલી બોટલમાં વરસાદી પાણી ભરાયું હતું. ફુડ વિભાગ પાસે રાખેલી પાણીની ડોલમાં પણ મચ્છરનાં પોરા જોવા મળ્યા હતા. જયારે કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં લાઈટ રૂમમાં જમા થયેલા પાણી, અગાસી પર પડેલા ભંગાર અને પાર્કિંગ ફલોરમાં જમા થયેલા પાણીમાં મચ્છરોનાં પોરા જોવા મળ્યા હતા. ડિ-માર્ટમાં પ્લાસ્ટીકનાં ખાલી ડબ્બામાં મચ્છરોનાં પોરા જોવા મળતા રૂા.૨૨,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. મચ્છરનાં પોરાથી ડેન્ગયુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગ થાય છે. ડેન્ગ્યુથી બચવા ઘરની આસપાસ મચ્છરોની ઉત્પતિ ઘટાડવી જોઈએ અને પાણીનો ભરાવો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વરસાદની મોસમમાં તાવ-શરદી સામાન્ય છે. દરેક કેસ ડેન્ગ્યુ હોતો નથી તેથી ડરવું નહીં. શરીરમાં પાણીની ઘટ લાગે, ભુખ ન લાગે, ઉલ્ટી થાય તો ડોકટરોને બતાવી રીપોર્ટ કરાવવો જરૂરી છે.