બીગબજાર પાસેથી રૂ.૯૭.૭૦ લાખ અને પેન્ટાલૂન્સ પાસેથી રૂ.૩૯.૩૬ લાખનો વેરો વસુલવા ટેકસ બ્રાન્ચે ત્રીજુ નેત્ર ખોલ્યું: ત્રણેય ઝોનમાં ૧૪૨ મિલકતોને તાળા
બજેટમાં રિવાઈઝડ કરવામાં આવેલા રૂા.૨૪૬ કરોડના ટાર્ગેટને પૂર્ણ કરવા માટે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ટેકસ બ્રાંચને હાર્ડ રીકવરી શરૂ કરવા આદેશ આપ્યો છે. તમામ ૧૮ ઝોન માટે ૧૮ ટીમો તૈનાત કરવામાં આવી છે અને ટેકસ રિકવરીની કામગીરી માટે ૩૦૦ અધિકારીઓનો કાફલો જોડી દેવામાં આવ્યવો છે. આજે શહેરના ત્રણેય ઝોનમાં સવારી સીલીંગ ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત બપોર સુધીમાં ૧૪૨ મિલકતો સીલ કરવામાં આવી હતી. લાખોનો ચડત વેરો ભરવામાં ડાંડાઈ કરનાર બીગબજાર અને પેન્ટાલુન્સ શો-રૂમને સીલ કરી દેવામાં આવતા બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા ટેકસ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૮માં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ બીગબજારના યુનિટ પાસેથી બાકી વેરા પેટે રૂા.૯૭,૭૦,૫૩૦ નીકળે છે. જ્યારે પેન્ટાલુન્સ પાસેથી બાકી વેરા પેટે રૂા.૩૯,૩૬,૩૭૦ વસુલ કરવા માટે વારંવાર નોટિસ આપવા છતાં બન્ને કંપનીઓ દ્વારા વેરો ભરવાની તસ્દી લેવામાં ન આવતા આજે સવારે ટેકસ બ્રાન્ચ દ્વારા બીગબજાર અને પેન્ટાલુન્સને સીલ કરી દેવામાં આવ્યા હતા. તમામ ૧૮ વોર્ડમાં આજે સવારી મેગા સીલીંગ ઝુંબેશ હા ધરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.૧માં યશ કોમ્પ્લેક્ષ, વોર્ડ નં.૨માં સરદાર કોમ્પલેક્ષ, વોર્ડ નં.૩ના જંકશન પ્લોટમાં ૫ મિલકત, વોર્ડ નં.૪માં ગ્લોસમ સ્કૂલ, વોર્ડ નં.૫માં હેપી બેંકવેટ હોલ, વોર્ડ નં.૬માં એકે પેટર્ન્ટ આર્ટ, વોર્ડ નં.૭માં વૃંદા આર્કેટમાં ૯ મિલકત, ગોકુલ ચેમ્બર, રાજકૃતિ બિલ્ડીંગ, વોર્ડ નં.૯માં રૈયા ચોકડી પાસે અંબીકા કામ્પલેક્ષમાં ૩૧ યુનિય, બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં નવદુર્ગા હોલ, વોર્ડ નં.૧૦માં કાલાવાડ રોડ પર ક્રિષ્ટલ મોલમાં હાર્દિક કોટેચાની મિલકત અને રિલાઈન્સ ફૂટ પ્રિન્ટ, વોર્ડ નં.૧૨માં મવડી ચોકડી પાસે ખોડીયાર ડાયનીંગ, શ્યામ કોમ્પલેક્ષમાં ૭ મિલકત, રાજકોટવાળા બિલ્ડીંગમાં ૩ મિલકત, વોર્ડ નં.૧૩માં બેંકબોગ શોપીંગ સેન્ટરમાં ૨ મિલકત, વોર્ડ નં.૧૪ કેવડાવાડીમાં ૧ અને પૂજારા પ્લોટમાં અંજલી એપાર્ટમેન્ટમાં ૧ મિલકત વોર્ડ નં.૧૫માં એગોન્સ પંપ, ડાયનેમીંગ ફોર્જીંગ ઈન્ડ.ની ૩ મિલકત, આજી જીઆઈડીસીમાં ક્રાંતિ એન્જીનીયરીંગ, મિરા ઉદ્યોગમાં મીરા ફાઉન્ડ્રી, વોર્ડ નં.૧૬ પટેલ નગર વિસ્તારમાં ૬ મિલકત, વોર્ડ નં.૧૮માં આરતી ઈન્ડ.માં ૫ મિલકત સીલ કરવામાં આવી હતી.
આજે બપોર સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૪૧ મિલકત સીલ કરાઈ હતી. અને રૂા.૩૧.૮૬ લાખની રિકવરી થવા પામી છે. વેસ્ટ ઝોનમાં ૫૦ મિલકત સીલ કરવામાં આવી છે અને રૂા.૩૭.૭૬ લાખની વસુલાત થવા પામી છે. જ્યારે ઈસ્ટ ઝોનમાં સૌથી વધુ ૫૧ મિલકતો સીલ કરાઈ છે અને ૩૭.૭૫ લાખ જેવી વસુલાત થવા પામી છે. આગામી દિવસોમાં પણ બાકી વેરો વસુલવા માટે હાર્ડ રીકવરીનો દૌર ચાલુ રહેશે.