આમાં કયાંથી ભણે વિદ્યાર્થીઓ
જિલ્લાની 585 પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટની સમસ્યા વણ ઉકેલ
સુરેન્દ્રનગર જિલ્લામાં એકબાજુ સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા અનેકવિધ પગલા લેવામાં આવતા હોવાની વાતો થાય છે. તો બીજી બાજુ વાસ્તવિક પરિસ્થિતી મુજબ અનેક શાળાઓમાં પુરતા શિક્ષકો નથી, ઓરડા નથી. સુરેન્દ્રનગર જીલ્લામાં 585 જેટલા પ્રાથમીક શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળેલ છે. તેમ છતા વિદ્યાસહાયકોની જીલ્લા પસંદગી છ મહિનાથી અધ્ધરતાલ હોવાની ફરીયાદો વ્યક્ત થઈ રહી છે.
વિધાનસભા સત્રમાં રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ રાજ્યમાં 21 હજાર જેટલા પ્રાથમીક શિક્ષકો અને આચાર્યોની ઘટ છે. સુરેન્દ્રનગર જીલ્લાની વાત કરવામાં આવે તો જીલ્લાની ગુજરાતી માધ્યમની શાળાઓમાં 553 શિક્ષકો, 26 આચાર્યોની જગ્યા ખાલી છે. જ્યારે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 4 શિક્ષકો અને 2 આચાર્યની જગ્યા ખાલી છે. કુલ મળીને જીલ્લામાં 585 પ્રાથમીક શિક્ષકોની ઘટ છે. અને આગામી સમયમાં 31મે આસપાસ જેટલા શિક્ષકો વયમર્યાદાને કારણે નિવૃત થશે એટલી શિક્ષકોની ઘટ ઉઘડતી શાળાએ વધુ ગંભીર બનવાની શક્યતા છે.
શિક્ષકોની આ ઘટ દુર કરવા ઓક્ટોમ્બર-2022માં સરકાર દ્વારા રાજ્યનાં શિક્ષકોની વધુ ઘટ ધરાવતા જીલ્લાઓ માટે 2600 વિદ્યાસહાયકોની ભરતી જાહેર કરી હતી. પરંતુ આ ભરતીની તમામ વહીવટી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, જાન્યુઆરીમાં ફાઈનલ મેરીટ પણ જાહેર થઈ ગયુ છે છતાં કોઈ અગમ્ય કારણોસર જીલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી.
વિદ્યાસહાયક ઉમેદવાર સૈયદ શાહરૂખ હુસૈન જણાવે છે કે, સામાન્ય રીતે વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા 35થી 40 દિવસમાં પૂરી થઈ જતી હોય છે. પણ આ વખતે 6 મહીનાથી વધુ સમય થઈ ગયો હોવા છતા બદલી કેમ્પનાં બહાને સરકાર દ્વારા જીલ્લાપસંદગીની પ્રક્રિયા હાથ ધરાતી નથી. મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ હોય અને અસંખ્ય શાળામાં માત્ર એક શિક્ષકથી કાર્ય ચલાવાતુ હોય ત્યારે આ રીતે છ-છ મહીના સુધી નિર્ણય ન લેવાય તે ગંભીર બેદરકારી ન કહેવાય ..? વિદ્યાસહાયકોમાં જીલ્લા પસંદગી આપી દેવામાં આવે, નિમણુક અને શાળા પસંદગીની પ્રક્રિયા બદલી કેમ્પ બાદ અથવા અન્ય માર્ગ કાઢીને નવા સત્ર સુધીમાં આપવામાં આવે તેવી માંગણી અને લાગણી વ્યક્ત થઈ રહી છે.
બાળકો પાસે સફાઈ-પાણી ભરવાની કામગીરી કરાવાય છે
સુરેન્દ્રનગર જીલ્લાની કેટલીક પ્રા.શાળાઓમાં ભણવા આવતા બાળકો પાસે અન્ય કામ કરાવાતા હોવાની ફરીયાદો ઉઠી છે તાજેતરમાં જ લખતરની શાળા અને સુદામડાની શાળામાં બાળકો પાસે સફાઈ તેમજ પાણી ભરવા જેવા કામો કરાવતા હોવાના અહેવાલ બહાર આવ્યા હતા. આવી રીતે અન્ય શાળાઓમાં પણ બાળકો પાસે કામ કરાવાતું હશે..! બાળકોને શિક્ષણ મેળવવા શાળાએ મોકલવવામાં આવે છે, કામ કરવા નહી, તેવી ફરીયાદ સાથે જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી આવી બાબતોની તપાસ કરી પગલા લે તેવી વાલીવર્ગની માંગણી છે.