દક્ષિણના મોટા સોનાના શો-રૂમ સોનાની દાણચોરીના હબ ?
સોનાની દાણચોરી અને બિલ વગરની લેવડ દેવડ સહિતની અનેક ગેરરીતિ મોટાપાયે થતી હોવાની આશંકા
ઇન્ટરનેશનલ બ્રાન્ડ બનાવીને પોતે એકદમ વિશ્વાસુ હોવાનું ચિત્ર ઊંભુ કરીને ગ્રાહકોને અંજાવી દેતા સોનાના મોટા શો-રૂમ ગફ્લેબાજ હોય તેવી ભીતિ સેવાઇ રહી છે. ખાસ કરીને દક્ષિણના મોટા સોનાના શો-રૂમ સોનાની દાણચોરીના હબ હોવાના પણ પ્રશ્નો ઉઠ્યા છે.
ભારતમાં સોનાનો ક્રેઝ વધુ છે. લોકો તેના ઉપયોગ કરતા વધુ રોકાણ માટે વધુ તેને પસંદ કરતાં હોય છે. કારણકે ભારતિયોની પરંપરાગત માન્યતા રહી છે કે સોનુ રોકાણ માટે શ્રેષ્ઠ છે. સંકટ સમયે તે મદદરૂપ થાય છે. તેવામાં છેલ્લા દસકામાં સોનાના માર્કેટમાં મોટી બ્રાન્ડની એન્ટ્રી થઈ છે. આ બ્રાન્ડ મોટા શો રૂમ ખડકીને ગ્રાહકોને અંજાવી દયે છે. આના કારણે લોકલ વેપારીઓને ભારે અસર વર્તાઈ રહી છે.
જો કે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ મોટી બ્રાન્ડના ગફલા પણ મોટા છે. દાણચોરી, બીલ વગરની લેવડ દેવડ સહિતના અનેક ગફલાઓ આ બ્રાન્ડની એક ડાર્ક સાઈડ બની રહી છે. સામે આના તરફ કોઈને આજ સુધી શંકા પણ ઉપજી નથી. સામે ગફલા કરીને આ મોટી બ્રાન્ડ હરીફાઈમાં પણ અવ્વલ રહે છે. જેને કારણે લોકલ વેપારીઓ તેની સામે ટકી શકતા નથી. શુદ્ધતા અને વિશ્વાસના નામે આ બ્રાન્ડ લોકોને આકર્ષી રહી છે. પણ ઊંડી તપાસમાં અનેક ગેરરીતિઓ બહાર આવી શકે તેમ છે.
જોયાલુક્કાસનું હવાલાકાંડ : ઇડીએ 305 કરોડની સંપત્તિ જપ્ત કરી
જોયાલુક્કાસના માલિકે હવાલા મારફત ભારતથી દુબઈમાં જંગી રકમ મોકલી હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેરળના અગ્રણી જ્વેલરી જૂથ જોયાલુક્કાસના માલિક જોયાલુક્કાસ વર્ગીસની રૂ. 305 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. હવાલા દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા સંબંધિત ફેમા કેસમાં ઇડીએ આ કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સીએ 22 ફેબ્રુઆરીએ જૂથના થ્રિસુર હેડક્વાર્ટર સહિત અનેક જગ્યાઓ પર તપાસ હાથ ધરી હતી.
એક નિવેદનમાં, ઇડીએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી મિલકતોમાં રૂ. 81.54 કરોડની કિંમતની 33 સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે, જેમાં શોભા સિટી, થ્રિસુરમાં જમીન અને રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે. આ સિવાય ત્રણ બેંક ખાતાઓમાં 91.22 લાખ રૂપિયાની થાપણો, રૂપિયા 5.58 કરોડની ત્રણ ફિક્સ્ડ ડિપોઝિટ અને 217.81 કરોડ રૂપિયાના જોયાલુક્કાસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના શેર છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની કલમ 37એ હેઠળ જોડાયેલ આ સંપત્તિઓની કુલ કિંમત 305.84 કરોડ રૂપિયા છે.
ઇડીએ જણાવ્યું હતું કે આ મામલો હવાલા ચેનલો દ્વારા ભારતથી દુબઈમાં જંગી રકમની રોકડ ટ્રાન્સફર અને ત્યારબાદ જોયાલુક્કાસ વર્ગીસની 100 ટકા માલિકીની કંપની જોયાલુક્કાસ જ્વેલરી એલએલસી દુબઈમાં રોકાણ સાથે સંબંધિત છે. ઇડીએ કહ્યું કે હવાલા વ્યવહારોમાં જોયાલુક્કાની સક્રિય સંડોવણી સ્પષ્ટપણે સર્ચ દરમિયાન પ્રાપ્ત થયેલા સત્તાવાર દસ્તાવેજો અને મેઇલ્સમાં સ્થાપિત થઈ છે.