રાજધાની દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાંથી પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અશરફ 13 વર્ષથી વધુ સમયથી ભારતમાં રહેતો હતો. તેણે પ્રાથમિક પૂછપરછમાં આ સનસનીખેજ ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાએ પ્રેસ કોન્ફરન્સમાં આ પાકિસ્તાની આતંકવાદીની સંપૂર્ણ કુંડળી જાહેર કરી હતી. તેમણે અશરફ વિશે મોટી માહિતી પણ શેર કરી છે.
તેમણે કહ્યું કે પ્રારંભિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તે 13 વર્ષથી પણ વધુ સમયતી ભારતમાં રહીને આતંકવાદીઓના સ્લિપર સેલ તરીકે કામ કરતો હતો. તેમણે કહ્યું, ’અશરફ એક દાયકાથી વધુ સમયથી દિલ્હીમાં રહેતો હતો. તે એક ભારતીય તરીકે અહીં રહેતો હતો. તેણે અહમદ નૂરીના નકલી નામથી ઘણા પ્રકારના ઓળખ કાર્ડ બનાવ્યા છે. તેણે પૂછપરછ દરમિયાન કહ્યું કે તે ભૂતકાળમાં જમ્મુ -કાશ્મીર અને દેશના અન્ય વિસ્તારોમાં ઘણી આતંકવાદી ઘટનાઓમાં સામેલ રહ્યો છે.
કુશવાહાએ જણાવ્યું હતું કે, અશરફના આકાએ તેને ભારતમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવાની જવાબદારી આપી હતી. ઘટના કયા સ્થળે થવાની હતી તે તેને હજુ સુધી જણાવવામાં આવ્યું નથી, પરંતુ હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા રીકવર કરવામાં આવ્યા છે. અશરફને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ(આઈએસઆઈ) હેન્ડલ કરી રહી હતી. તેને નાસીર કોડ નામના પાકિસ્તાની વ્યક્તિએ આ કામ આપ્યું હતું. તેણે હથિયારોનો જથ્થો પૂરો પાડ્યો હતો. નાસિરે અશરફને કહ્યું હતું કે તેને આ હથિયારો ક્યાંથી લાવવાના છે. તેની પાસે પૈસા પણ હવાલા મારફતે આવતા હતા. આઈએસઆઈએ જ એક દાયકા પહેલા અશરફને સિલીગુડી બોર્ડરથી બાંગ્લાદેશ થઈને ભારતમાં પ્રવેશ કરાવ્યો હતો.
દિલ્હી પોલીસનું કહેવું છે કે પાકિસ્તાની નાગરિક અશરફ દ્વારા અત્યાર સુધી કયા આતંકવાદી કામને અંજામ આપવામાં આવ્યો છે. આ સાથે જ તે જેની પાસેથી મદદ લઈ રહ્યો હતો, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની પુછપરછથી બહાર આવ્યું છે કે તેણે આતંકવાદને લગતી અનેક પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યો છે. સ્લીપર સેલથી લઈને આતંકવાદી ઘટનાઓ સુધી તેણે સક્રિય ભૂમિકા ભજવી છે.
સ્પેશિયલ સેલના ડીસીપીએ જણાવ્યું હતું કે અશરફે અહમદ નૂરીના નામે પાસપોર્ટ પણ બનાવ્યો હતો અને બે વખત વિદેશની મુલાકાત લીધી હતી. જાણવા મળ્યું છે કે તે સાઉદી અરેબિયા અને થાઈલેન્ડ ગયો હતો. તેણે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના વૈશાલી વિસ્તારમાં એક ભારતીય મહિલા સાથે લગ્ન પણ કર્યા હતા અને ભારતીય ઓળખ કાર્ડ બનાવવા માટે બિહારથી ઓળખ કાર્ડ પણ બનાવ્યું હતું. એ જ ઓળખ કાર્ડના આધારે તેણે બાકીના ઓળખપત્રો બનાવ્યા. ભારતીય દસ્તાવેજો એકત્ર કર્યા પછી તેણે જે સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા તેને છોડી દીધી હતી.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નારોવાલ વિસ્તારમાં રહેતા અશરફના માતા -પિતાનું અવસાન થયું છે. તે 40 વર્ષનો છે અને તેના બે ભાઈઓ, ત્રણ બહેનો છે. તે 2004-05 માં પાકિસ્તાનથી નીકળ્યો હતો. તે ભારતમાં દિલ્હીમાં અને તેની આસપાસ પીર મૌલાના બનીને રહેતો હતો. તે રાજસ્થાનમાં અજમેર, જમ્મુ -કાશ્મીરમાં ઉધમ નગર, દિલ્હીમાં વર્લ્ડ સિટી અને ઉત્તર પ્રદેશના લક્ષ્મીનગર, ગાઝિયાબાદના વૈશાલી વિસ્તારમાં રહ્યો છે. તેની પાસેથી એકે 47 મેગેઝિન, કારતુસ, બે પિસ્તોલ, એક ગ્રેનેડ મળી આવ્યા છે. અશરફની સોમવારે રાત્રે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાંથી એસીપી લલિત અને એસીપી હૃદય ભૂષણના નેતૃત્વમાં સ્પેશિયલ સેલની ટીમે ધરપકડ કરી હતી.