ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કે.કે.વી. ચોક એલીવેટેડ બ્રિજના ઉદ્ઘાટન સાથે રૂ.241.65 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે
શહેરના કાલાવડ રોડ અને 150 ફૂટ રીંગ રોડ પર કેકેવી સર્કલ ખાતે હયાત ફ્લાયઓવર બ્રિજની ઉપર બનેલા શહેરના પ્રથમ એલીવેટેડ બ્રિજના લોકાર્પણનું અંતે મુહુર્ત આવ્યું છે. આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે બ્રિજના લોકાર્પણ સહિત રૂ.241.65 કરોડના વિકાસકામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. તેવી જાહેરાત કોર્પોરેશનના પદાધિકારી દ્વારા કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપભાઇ ડવ, ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટે.ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા અને શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે શહેરના કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં રૂ.129.53 કરોડના ખર્ચે બનેલા પ્રથમ એલીવેટેડ બ્રિજનું આગામી 22મી જુલાઇના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા લોકાર્પણ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત કોઠારિયા વિસ્તારમાં રૂ.20.75 કરોડના ખર્ચે બનેલા 15 એમએલડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂ.29.73 કરોડના ખર્ચે રૈયાધારમાં બનાવવામાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂ.41.71 કરોડના ખર્ચે ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ડર પ્લાન્ટ સુધીના વિસ્તારમાં 1200 એમએમ ડાયામીટરની નવી પાણીની પાઇપલાઇન, રૂ.2.22 કરોડના ખર્ચે મોદી સ્કૂલથી સોજીત્રાનગર હેડવર્ક્સ સુધી 508 એમએમ પાણીની પાઇપલાઇન, રૂ.8.39 કરોડના ખર્ચે શહેરના વોર્ડ નં.6માં બનાવવામાં આવેલી નવી લાયબ્રેરી, રૂ.50 લાખના ખર્ચે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી રાષ્ટ્રીય શાળા ઝવેરચંદ મેઘાણી સર્કિટ હેઠળના સ્મારક ભવન તથા રૂ.1.10 કરોડના ખર્ચે વોર્ડ નં.7માં વિજય પ્લોટમાં બનાવવામાં આવેલા આરોગ્ય કેન્દ્રનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત રૂ.4.49 કરોડના ખર્ચે શહેરના વોર્ડ નં.3માં માધાપર જંક્શનથી ઉત્તર-પૂર્વના ભાગમાં ડ્રેનેજ નાંખવાનું અને રોડ રિસ્ટોરશન કામનું જ્યારે રૂ.3.76 કરોડના ખર્ચે વોર્ડ નં.3માં માધાપર દક્ષિણ-પૂર્વના ડ્રેનેજ લાઇન નાંખવાનું તથા રોડ રિસ્ટોરેશનના કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે. સીએમના હસ્તે રૂ.241.65 કરોડના આઠ કામોનું લોકાર્પણ અને બે કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે તમામ કામનું સંયુક્ત ડાયસ ફંક્શન અમિન માર્ગના છેડે આવેલા કોર્પોરેશનના પ્લોટ ખાતે યોજાશે. દરમિયાન આજે પદાધિકારીઓ અને અધિકારીઓએ આ પ્લોટની સ્થળ વિઝિટ કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી. કેકેવી ચોક એલીવેટેડ બ્રિજનું લોકાર્પણ થતાની સાથે જ દૈનિક હજ્જારો વાહનચાલકોને ટ્રાફીકની સમસ્યામાંથી મુક્તિ મળશે.