આત્મનિર્ભર ભારત, સ્કીલ ઈન્ડિયા અને મેઈક ઈન ઈન્ડિયાના ક્નસેપ્ટને વેગવાન બનાવવા માટેના પ્રયાસોને હવે પરિણામદાયી સફળતા મળી રહી છે. સરકારે સંરક્ષણ ક્ષેત્રે સ્વાવલંબી થવા માટે આયાતીની જગ્યાએ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા સંરક્ષણ ક્ષેત્રની આયાતી ચીજ-વસ્તુ પર કડક પ્રતિબંધનો નિર્ણય કર્યો છે. દેશની ઘરેલુ સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓને સીધો લાભ મળે તે માટે સરકારે 108 જેટલી અલગ અલગ ચીજ-વસ્તુઓની આયાતને સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવીને ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે.
ભારત ઈલેકટ્રોનિક, એલ એન્ડ ટી, ભારત ફોર્જ, હિન્દુસ્તાન એરોનોટીકલ, મેઝેગોન ડોક, શીપ બિલ્ડર, ગાર્ડન રીચ શીપ બિલ્ડર, ભારત ડાયનામીક અને બીએમએલ જેવી સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી સ્થાનિક કંપનીઓને આયાત પરના પ્રતિબંધથી ધંધાકીય લાભ થશે. સંરક્ષણ મંત્રાલયે કરેલી જાહેરાત મુજબ બીજા નેગેટીવ ઈમ્પોર્ટ લીસ્ટ કે જે હળવા, મધ્યમ અને ભારે શસ્ત્ર અને સંરક્ષણના હથિયારો માટે ઉપયોગી છે તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઘરેલુ સંરક્ષણ કંપનીઓને હવે ભારે મોટો ઓર્ડર મળશે. 2025 સુધીમાં ઘરેલુ સંરક્ષણ સાધનો બનાવતી કંપનીઓ માટે લાભના દિવસો રહેશે. ગુજરાતની જ વાત કરીએ તો રાજકોટ, જામનગરના લોખંડ, ઢાળ, ફોર્જીંગ ઈન્ડસ્ટ્રીઝ, સ્પેર પાર્ટસ બનાવતા નાના કારખાના અને સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા એકમોને સંરક્ષણ સરંજામની કંપનીઓની આયાતી ચીજ-વસ્તુઓ પરના પ્રતિબંધના લાભ મળશે અને સ્થાનિક ઉદ્યોગને ઓર્ડર મળશે.
સરકારના આ નિતી વિષયક નિર્ણયના પગલે સંરક્ષણ ઉપકરણ બનાવતી ગાર્ડન રીચમાં 1.25 ટકા, ભારત ઈલેકટ્રોનિકમાં 1.1 ટકા, એલ એન્ડ ટીમાં 0.6 ટકા અને કોચીંગ શીપયાર્ડમાં 0.5 ટકા અને ભારત ફોર્જમાં 1.8 ટકાનો વધારો થયો હતો. સંરક્ષણ ક્ષેત્રે અત્યાર સુધી વિદેશ અને ખાસ કરીને વિશ્વના જાયન્ટ સંરક્ષણ ઉત્પાદન દેશો રશિયા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ અને ચીન ઉપર આપણે નિર્ભર રહેવું પડતું હતું. હવે હળવા હેલીકોપ્ટર, કોમ્બેક્સ એરક્રાફટ અને સબમરીન સુધીનું ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે. ગુજરાતમાં જ સબમરીન અને લાઈટ એરક્રાફટના પાયા નખાઈ ચૂક્યા છે. અત્યારે એકે-47 રાયફલ ચીનની બનાવટ વાપરવામાં આવે છે. આગામી દિવસોમાં ભારતમાં તેનું ઉત્પાદન થશે. ભારતની સબમરીન, એરક્રાફટથી લઈને મિસાઈલ ટેકનોલોજીની નિકાસ થાય તેવા દિવસો દૂર નથી.