ફિલ્ડ માર્શલ વાડી, સરલ સ્ટવ,કેન્સર હોસ્પીટલ સહિતના સ્થળોએથી મચ્છરોના લારવા મળી આવતા દંડ ફટકારાયો
શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિતના રોગચાળાએ માથુ ઉંચકયું છે ત્યારે કોર્પોરેશન દ્વારા જયાં વિશાળ માનવ સમુહ એકત્ર થતો હોય તેવા સ્થળોએ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા બિગબજાર અને ઈસ્કોન મોલમાંથી ડેન્ગ્યુ અને મેલેરિયાનો રોગચાળો ફેલાવતા મચ્છરોના લારવા મળી આવતા દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બજાર અને ઈસ્કોન મોલમાં ખુલ્લી સિન્ટેક્ષ ટેન્ક તથા છત જમા થયેલા પાણીમાં મચ્છરોના પોરા જોવા મળ્યા હતા જયારે ૮૦ ફુટ રોડ પર ફિલ્ડ માર્શલના બે ઓવરહેડ પંપ, પક્ષીકુંજ, બોરવેલ અને પશુને પીવાના પાણીના અવેડામાંથી મચ્છરો મળી આવ્યા હતા. સરલ સ્ટવમાં અંડર ગ્રાઉન્ડ બે ટાંકી અને ટેસ્ટીંગ યુનિટમાંથી મચ્છરોના લારવા મળી આવ્યા હતા. આ ઉપરાંત સાધુ વાસવાણી રોડ પર ગુંજન બસેરા સાઈટ પરથી મચ્છરોના પોરા જયારે ન્યુ કોલેજવાડીમાં નેકસા બિલ્ડીંગના સેલરમાંથી મચ્છરના પોરા મળ્યા હતા. રૈયા રોડ પર કેન્સર હોસ્પિટલમાં અંડર ગ્રાઉન્ડ ટેક, ભંગારની ડોલ અને ડબ્બામાંથી મચ્છરોના પોરા મળી આવતા દંડ ફટકારવામાં આવ્યો હતો. મચ્છરની ઉત્પતિ સબબ આસામીઓ પાસેથી ૨૫ હજારનો વહિવટી ચાર્જ વસુલ કરાયો છે.