ધનાઢય રોકાણકારો માટે સોનાનો વિકલ્પ બની રહેલા હિરા: ડાયમંડ બુલીયનમાં રસ વધ્યો
જવેલરી ક્ષેત્ર સાથે સંકળાયેલી એક જાણીતી કંપનીનું સ્લોગન છે હિરા હે સદા કે લીયે. આ સ્લોગન સ્થાનિક અને વૈશ્ર્વિક રોકાણકારો માટે ખૂબજ માફક રહે છે. હાલ સોનુ કે ચાંદી નહીં પરંતુ હિરા રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ભારતમાં રોકાણ માટે સોનામાં રોકાણ કરવાની પરંપરા છે. પરંતુ વૈશ્ર્વિકસ્તરે હિરામાં રોકાણ કરવું શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. ધીમે ધીમે ભારતીય પરિવારો પણ આ પથ પર આગળ વધી રહ્યાં છે. સીંગાપુર ડાયમંડ ઈન્વેસ્ટમેન્ટ એકસચેન્જના મત અનુસાર હિરા સૌથી સુરક્ષીત રોકાણ છે. ઘણા રોકાણકારો હિરા કરતા સોનામાં વધુ રોકાણ કરવાનું પસંદ કરે છે. જેની પાછળનું કારણ હિરાના વિવિધ પ્રકારના જવાબદાર છે. હિરા ઓળખવા, સોનુ ઓળખવા જેટલું સરળ નથી.
હિરાની વેલ્યુ તપાસવા માટે પ્રક્રિયા જટીલ છે. આ ઉપરાંત પારંપરિક રોકાણ ન હોવાથી ભારતીયો હિરા ઉપર વધુ વિશ્ર્વાસ કરી શકતા નથી. બીજી તરફ વિશ્ર્વના અન્ય રોકાણકારો માટે હિરા રોકાણનું આકર્ષણનું કેન્દ્ર બનતા જાય છે. હિરાના સોદા ધીમે ધીમે વધુ પારદર્શક હોવાના કારણે હવે રોકાણકારોનો વિશ્ર્વાસ વધુ વધ્યો છે. જો કે, હિરામાં રોકાણ કરવા માટે હિરો પારખવો જરૂરી બની જાય છે.
વર્ષ ૨૦૧૬માં સીંગાપુર ડાયમંડ એકસચેન્જ દ્વારા વિશ્ર્વનું સૌપ્રથમ હિરા માટે ઈલેકટ્રોનીક ઈન્વેસ્ટમેન્ટ પધ્ધતિનું એકસચેન્જ શરૂ કરવામાં આવ્યું હતું. એક રીતે આ ડાયમંડ બુલીયન બની ગયું છે. જેમાં રોકાણકારોની સંખ્યા વધતી જાય છે. જે રીતે શેરબજાર, કોમોડીટી કે ક્રુડ બજારમાં રોકાણકારોનો રસ જળવાઈ રહ્યો છે તે રીતે બુલીયનમાં પણ ધીમે ધીમે રોકાણકારોનો રસ વધી રહ્યો છે.