સાગર સંઘાણી
રાજ્યની જેલોમાં કેદીઓની મહેલ જેવી સગવડ અને સુવિધા પૂરી પાડવા અંગેની ફરિયાદો વચ્ચે જેલના બંદીવાન હત્યા સુધીના ષડ્યંત્ર રચ્યાનું ગૃહમંત્રીને હર્ષ સંઘવીને ધ્યાને આવતા રાજ્યની તમામ જેલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટેના આદેશો કરાયા હતા ત્યારે જામનગરની જિલ્લા જેલમાં ગુજરાત રાજ્યની અન્ય જેલોની સાથે સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને જામનગરના એસ.પી. ખુદ બોડી કેમેરા સાથે ચેકિંગમાં જોડાયા હતા. તેઓની સાથે ૨૦૦ પોલીસ અધિકારી- કર્મચારીનો કાફલો જોડાયો હતો, અને બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ ની પણ મદદ લેવામાં આવી હતી. જેમાં મહિલા સહિતના ૫૦ પોલીસ અધિકારી- કર્મચારી બોડી કેમેરા સાથે જોડાયા હતા.
એસ.પી. પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં જીલ્લાની જેલમાં કરાયું ચેકિંગ
જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ની આગેવાનીમાં ૨૦૦ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓને સૌપ્રથમ જિલ્લા પોલીસ વડાની કચેરીએ એકત્ર કરાયા હતા. ખુદ એસ.પી. તેમજ શહેર વિભાગ અને ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી વગેરેએ જોડાઈને પોતાની બોડી પર કેમેરો લગાવ્યો હતો, જે કેમેરાનનું સીધું રેકોર્ડિંગ ગાંધીનગર હેડ ક્વાર્ટરમાં થાય તેવી વ્યવસ્થા ગોઠવેલી હતી.આવા ટોટલ ૫૦ બોડી કેમેરાઓ લગાવીને જામનગરની જિલ્લા જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન ૨૫થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ વગેરે પણ જોડાયા હતા.
જે તમામ અધિકારી- કર્મચારી ના મોબાઈલ જપ્ત કરીને તેઓના વાહનમાં રાખી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ચેકિંગ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાત્રિના ૯.૩૦ વાગ્યાથી પરોઢિયે ૪.૩૦ વાગ્યા સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું, અને જામનગર જિલ્લા જેલની સાતથી વધુ બેરેકો અને પેટા બેરેક તેમજ મહિલા કેદીઓ માટેની બેરેક સહિતના એરિયામાં મોટાપાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સાથોસાથ ડોગ સ્કવોર્ડ તેમજ બોમ્બે સ્કવોર્ડ વગેરેની પણ મદદ લેવામાં આવી હતી. જોકે જામનગરની જિલ્લા જેલમાંથી કશું વાંધાજનક મળ્યું ન હતું, અને આખરે પરોઢિયે સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.