તહવ્વુર રાણાને ભારત લઇ આવવાનો માર્ગ મોકળો

અમેરિકાની બિડેન સરકાર મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારતને સોંપવા માંગે છે. આ જ કારણ છે કે બિડેન સરકારે તહવ્વુર રાણાની પ્રત્યાર્પણ સામે દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજીનો વિરોધ કર્યો છે. બિડેન સરકારે અમેરિકી કોર્ટમાં અરજી દાખલ કરીને તહવ્વુર રાણાને જલ્દી ભારત પ્રત્યાર્પણ કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે મે મહિનામાં જ પાકિસ્તાની મૂળના તહવ્વુર રાણાને ભારતને પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો હતો,

પરંતુ રાણાએ તેની સામે હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરીને પ્રત્યાર્પણનો વિરોધ કર્યો હતો.યુએસ એટર્ની ઇ માર્ટિન એસ્ટ્રાડાએ બિડેન સરકાર વતી કેલિફોર્નિયાની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે ’યુનાઇટેડ સ્ટેટ્સ આદરપૂર્વક વિનંતી કરે છે કે કોર્ટ તહવ્વુર રાણાની હેબિયસ કોર્પસ પિટિશનને ફગાવી દેવામાં આવે’. યુએસ એટર્નીએ કહ્યું કે અરજદાર એ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યો છે કે ભારતની પ્રત્યાર્પણની અપીલમાં પૂરતા પુરાવા નથી.તહવ્વુર રાણા ભારતમાં 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી છે.

યુએસ કોર્ટે રાણાને ભારતમાં પ્રત્યાર્પણ કરવાની યુએસ સરકારની અપીલને સ્વીકારીને તેને ભારતમાં પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ રાણાએ કેલિફોર્નિયાની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કોર્ટના આદેશને પડકારતી હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. અરજીમાં રાણાએ દાવો કર્યો હતો કે તેને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિની બે કલમોનું ઉલ્લંઘન છે.

રાણાએ દલીલ કરી હતી કે યુ.એસ.ની ઇલિનોઇસ કોર્ટે તેને પહેલા જ આવા જ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો જેમાં ભારત તેની સામે કેસ ચલાવવા માંગે છે. બીજું, તેના પ્રત્યાર્પણ માટે ભારત દ્વારા કરાયેલા આક્ષેપો અને તેના દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો એ સાબિત કરતા નથી કે તેણે તેની સામે ગુના કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.