મહાસત્તાના મહારથી બનવાની વર્ષ 2024ની ચૂંટણીમાં ફરી બાઈડેન-ટ્રમ્પ ટકરાશે ?
મહાસત્તા અમેરિકાના મહારથી બનવા માટેની ચૂંટણી વર્ષ 2024માં યોજાવાની છે ત્યારે આ માટેની દોટમાં કમલા હેરિસ નહીં પણ જો બીડેન જ મેદાને ઉતરશે..!! તેમણે ગઈકાલે પ્રમુખ પદ માટેની ઉમેદવારી ફરી નોંધવવાની જાહેરાત કરી અમેરિકીઓનું મહિલા રાષ્ટ્રપતિ મેળવવાનું સ્વપ્ન પાછું ઠેલવી દીધું છે. અમેરિકા વિશ્વની સૌથી જૂની લોકશાહી તો ગણાય છે પણ અહીં રાજકીય ક્ષેત્રે મહિલાઓનું યોગદાન પહેલેથી જ ઓછું રહ્યું છે.
ભારત જેવા દેશમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતનાં ઘણા એવા બંધારણીય પદ છે જેનું પ્રતિનિધિત્વ મહિલાઓએ કરેલું છે પણ અમેરિકામાં અત્યારસુધીમાં આ શક્ય બન્યું નથી. જો કે તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બીડેનની તબિયતના લીધે 85 મિનિટ માટે મહિલા ઉપરાષ્ટ્રપતિ અને ભારતીય મૂળના એવા કમલા હેરિસે રાષ્ટ્રપતિ પદ ભોગવી ઈતિહાસ રચી દીધો હતો. અમેરિકામાં અઢીસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે કોઈ મહિલાના હાથમાં રાષ્ટ્રપતિની સતા ગઈ હોય..!!
આ ઘટના બાદ સૌ કોઈમાં એ પ્રશ્ન ચર્ચિત બન્યો હતો કે આગામી વર્ષ 2024ની પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીમાંથી જો બીડેન નહીં પરંતુ કમલા હેરિસ જ ઉમેદવારી નોંધાવશે. પરંતુ આ અટકળોને જો બીડેને વિરામ આપી પોતે જ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે. તો સામે પક્ષે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી મેદાને ઉતરે તેવી શક્યતા છે. ગઈ વખતની ચૂંટણીમાં બીડેન અને ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. ચૂંટણી પ્રક્રિયામાં ગોલમાલના પણ આક્ષેપો ડોનાલ્ડ ટ્રમ્પે જો બીડેન પર લગાવ્યા હતા.