સાયકલ મારી સરરર… જાય…
બાળપણથી સાયકલ પ્રત્યે ઘેલા બનેલા નાના માણસનું વાહન હેલ્ધી રહેવાનું પણ સાધન બની ગયુ
વિશ્ર્વ સાયકલ દિવસને પરિવાર સાથે ઉજવીએ અભિયાન અંતર્ગત આજે પ્રથમવાર વર્ચ્યુઅલ વીડિયોના માધ્યમથી બાયસીકલ-ડેની ઉજવણી
બાળપણમાં સાયકલ કલાક કે અડધો કલાકના ભાડાપટ્ટે લઈ ફેરવવાનું સુખ આજે પણ દિલો દિમાગ પર છવાયેલું રહે છે. બાળપણમાં સાયકલ સાથે સંકળાયેલા કિસ્સાઓના સંભારણા આજે પણ મનને પ્રફૂલીત કરી નાખે છે. દશકાઓ પહેલા સાયકલ ચલાવવા માટે લાયસન્સ લેવું પડતું હતું. દરમિયાન વચ્ચે એક સમય એવો આવ્યો જ્યારે લગભગ ઘરે-ઘરે સાયકલો જોવા મળતી હતી અને હવે જમાનો બદલાયો છે. વર્ષો પહેલા જે સાયકલ ગરીબોની સવારી ગણાતી હતી તે હવે સ્ટેટસ સીમ્બોલ બની ગઈ છે. સમયના ઉતાર-ચઢાવ વચ્ચે સાયકલે આજે પણ એકધારી પ્રગતિ કરી છે. આજે સાયકલ દિવસ નિમિત્તે લોકોને સાયકલ સાથેના સંભારણા જરૂર યાદ આવશે.
સમગ્ર ભારતના ૪૦ થી વધારે શહેરોનું પ્રતિનિધિત્વ કરતા સાયકલ મેયર્સ દ્વારા આજે પ્રથમવાર વર્ચ્યુઅલ સાઇકલ વિડિઓ બનાવીને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવશે અને ત્યારબાદ જાણીતા ડી.જે. વિસ્પી દ્વારા ફેસબુક પર લાઇવ સાઇકલ મ્યુઝિક કોન્સર્ટ રજૂ કરવામાં આવશે. પ્રવર્તમાન સમયમાં ભારત ઉપરાંત સમગ્ર વિશ્વ માં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ સામાન્ય થઈ ગયા છે. ત્યારે લોકોને આ લાઈવ સાઇકલ મ્યુઝિક કોન્સર્ટનોના માધ્યમ થી કંઈક નવું મળશે.
આ અભિયાન ને “વિશ્વ સાઇકલ દિવસને પરિવાર સાથે ઉજવીએ”એ નામ અપાયું છે. આ વિચાર સાઇકલ મેયરોનો છે. જેમનો એક માત્ર ઉદેશ્ય છે કે વધુ ને વધુ લોકો સાઇકલને તેના જીવનનું અવિભાજ્ય અંગ બનાવીને સાઇકલ ચલાવે. જાણે સાઇકલ આપણા પરિવાર નો જ એક સદસ્ય હોય.
આ ઝુંબેશને વિશ્વ સાઇકલ દિવસના પ્રણેતા લેઝબેક સિબિલ્સ્કીએ સમર્થન આપ્યું છે. નેધરલેન્ડના પ્રતિષ્ઠિત સંગઠન સાયકલ વર્લ્ડ એ પણ આ અભિયાનમાં સમર્થન આપ્યું છે. તેમણે આવું જ એક અભિયાન શરૂ કર્યું હતું જેના દ્વારા ભારત અને અન્ય દેશોના સાયક્લિસ્ટ્ અને સાયકલિંગ ક્લબ સુધી તેઓ પહોંચી શક્યા હતા. આ અભિયાનમાં જોડાયેલા સ્પર્ધકોએ સાઇકલ સાથેના ફોટોગ્રાફસ પોતાના મિત્રો અને પરિવાર સાથે કિલક કરીને શેર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ સાઇકલ કલબ ના ફાઉન્ડર અને રાજકોટના બાઇસીકલ મેયર દિવ્યેશ અઘેરા તેમના સાઇકલ કલબ સાથે આજે આ અભિયાન માં સોશિયલ ડિસ્ટન્સ સાથે જોડાશે અને તેની સાથેના સાઇકલ સવારો ને ગુણવત્તાયુક્ત માસ્ક પણ સાઇકલ કલબ તરફથી અપર્ણ કરવામાં આવશે. આ અભિયાન માં રાજકોટ માંથી સાઇકલ પ્રેમીઓના મેક્સિમમ ફોટોગ્રાફસ દિવ્યેશ અઘેરા દ્વારા આપવામાં આવ્યા છે. તેમાં રાજકોટ સાઇકલ કલબના લીડર ભવિનભાઈ ડેડકીયા અને પ્રતિકભાઈ સોનેજી નો સહયોગ સાંપડ્યો છે.
દેશભરમાંથી વર્લ્ડ સાયકલ ડે ફેમિલી ફોટો કેમ્પેન માટે મળેલો જબરદસ્ત પ્રતિસાદ તમામ સાયકલ મેયર માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયો છે. લોકોએ તેમની ક્રિએટિવીના માધ્યમથી અવનવા ફોટોગ્રાફ્સ મોકલાવ્યા હતા. જેમાં કેટલાક લોકોએ તો તેમના રાજ્યના પરંપરાગત કપડાં પહેરેની ફોટો શેર કર્યા હતા, તો કેટલાકે કોવીડ-૧૯ પ્રતીકાત્મક સંદેશા દર્શાવતા ફોટોગ્રાફ શેર કર્યા હતા. સાઇકલ દ્વારા વિશ્વની મોટાભાગની સમસ્યાઓનું સમાધાન કઇ રીતે લાવી શકાય છે. તે પણ ફોટોના માધ્યમ થી લોકો એ દર્શાવ્યું હતું. આ અભિયાનમાં ૧૦૦૦ થી વધુ ફોટા પ્રાપ્ત થયા છે. જે એક સુંદર વીડિયોમાં પરિવર્તિત થશે. આ વીડિયો ૩જી જૂન, ૨૦૨૦ના રોજ સવારે ૮:૦૦ કલાકે ડીજે વિસ્પીના ફેસબુક પેજ (http://facebook.com/djvispi) પર લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. આ જીવંત પ્રસારણ દેશના તમામ સાઇકલ મેયર્સ અને ભાગ લેનારા ક્લબ દ્વારા શેર કરવામાં આવશે.
ડીજે વિસ્પી નિર્મિત આ વીડિયો નું નિર્માણ વિશ્વભરના સાઇકલ સવારોને પસંદ પડે તે પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે.
સાયકલ પરિવહન માટેનું સરળ સસ્તુ અને અનુકુળ સાધન
બે પૈંડાવાળુ પરિવહન માટેનું ખૂબજ સરળ સાધન એટલે સાઈકલ જેનો આવિષ્કાર ૧૯મી સદીમાં થયેલો સાઈકલના ઉપયોગથી અનેક લાભો થતા જેથી આ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સાઈકલ દિવસ ઉજવવામાં આવે છે. સાઈકલ બે સદીઓથી ઉપયોગમાં છે. દસકા અગાઉ સાઈકલ ચલાવનાર વર્ગની મજૂર, ગરીબ વર્ગમાં ગણતરી થતી પરંતુ હવે શ્રીમંતો શોખથી, પર્યાવરણ સ્વચ્છ રાખવા કે સૌને સંદેશો આપવા સાઈકલ ચલાવી સમાજમાં એક આગવી પ્રતિષ્ઠા ઉભી કરે છે.
વજન ઘટાડવાથી માંડીને શરી૨ બંધા૨ણ સુધા૨વા સાઈકલીંગ ખૂબ જરૂરી
સાઈકલ ચલાવવાથી પેટની ચ૨બી દૂ૨ થાય છે અને ક્સ૨તની સાથે સાથે રોજબરોજના કામકાજો પણ પૂ૨ા થઈ શકે છે. રોજ સાયકલ ચલાવવાથી હૃદયના ધબકા૨ા વધશે તેના લીધે શરી૨માં લોહીનું પરીભ્રમણ વધશે, તેનાથી હૃદયરોગને લગતી બિમારીઓથી બચી શકાશે. સાયકલ ચલાવવાથી પગના હાડકાના સાંધાઓ મજબુત થાય છે અને ગોઠણ કે સ્નાયુને લગતી તકલીફ ઓછી થાય છે. કેટલાય સંશોધનમાં એવું જોવા મળ્યું છે કે સાયકલ ચલાવવાથી શરી૨માં કેલેરી તથા ફેટસ ઓછા ક૨વામાં મદદ થાય છે અને શરી૨ સ્લીમ અને સારૂ ૨હે છે.
(સંકલન: મિતલ ખેતાણી)
સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ ફીમેલ સુપર રેન્ડોનીયરની સફળતા મેળવનાર ડો.ખુશ્બુ ડોડીયા
રાજકોટ સાઈકલ કલબના મેમ્બર અને ડેન્ટીસ્ટ ખુશ્બુ ડોડીયા શરીરને હેલ્ધી રાખવા સાઈકલીંગ કરી રહ્યા છે. સાઈકલ કલબ દ્વારા ૨૦૦,૩૦૦,૪૦૦ અને ૬૦૦ કિમીની ઈવેન્ટ થતી હોય છે. જેમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. ૨૦૧૮માં તેઆએ સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ ફીમેઈલ સુપર રેન્ડોનીયરની સફળતા મેળવી છે. ડો. ખુશ્બુ ડોડીયાએ જયારે સાઈકલીંગ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની પુત્રી માત્ર વર્ષની હતી. દિકરીના ઉછેરની સાથે સાથે તેઓ સમય કાઢી સાઈકલીંગ કરી રહ્યા છે. સાઈકલીંગ ઉપરાંત તેઓ યોગા, જીમ વગેરે પણ કરી રહ્યા છે. ૨૦૧૯ની ઈન્ટરનેશનલ સાઈકલીંગ ઈવેન્ટમાં તેઓ પાર્ટીસીપેટ થયા હતા આગળ તેઓને ટ્રાયથ્લોન સાઈકલીંગ, રનીંગ, સ્વીમીંગમાં ભાગ લેવાની ઈચ્છા છે.
નિયમિત સાયકલીંગ માટે જીએસટી જોઈન્ટ કમિશનર મનીષ ચાવડાએ આપ્યું મોટીવેશન
જીએસટીના જોઈન્ટ કમિશનર મનીષ ચાવડા સાયકલીંગ બાબતે ખુબજ જાગૃત છે. તેઓ રેન્ડોનીયર કલબના સભ્ય છે અને ૨૦૦, ૩૦૦, ૬૦૦ કે ૧૦૦૦ કિ.મી. સુધીની લાંબા અંતરની સાયકલીંગ પ્રતિયોગીતામાં ભાગ લઈ ચૂકયા છે. રાજકોટના રેન્ડોનીયર કલબ દ્વારા સાયકલીંગ બાબતે અનેક વિશ્ર્વ વિક્રમો સ્થપાઈ ચૂકયા છે. ઓડેક્ષ ઈન્ડિયા રેન્ડોનીયર દ્વારા દર વર્ષે વિવિધ ભાગમાં સાયકલીંગ સ્પર્ધાઓ થતી હોય છે. ઈવેન્ટમાં મનીષ ચાવડાએ અનેક વખત સફળતાઓ મેળવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાઇકલનો કેઝ દિવસે દિવસે વધી રહ્યો છે: પરમાર સાયકલ
આજના યુયમાં સાઇકલનો ક્રેઝ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તેમ આજરોજ વિશ્ર્વ સાઇકલ ડે નીમીતે પરમાર સાઇકલના કમલેશભાઇ પરમારે ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. સાઇકલ ચલાવવાના અનેક ફાયદા છે સાઇકલીંગની કસરત થી શરીર તો તંદુરસ્ત, સુદ્રઢ રહે છે ઉપરાંત સાઇકલ એક એવું પરિવહનનું સાધન છે. જે પર્યાવરણનું પણ રક્ષણ કરે છે અને પેટ્રોલની બચત પણ કરે છે.
પહેલા જે લોકો સાઇકલ ચલાવતા તે ગરીબ ગણાતા એટલે કે અગાઉ સાઇકલ ચલાવનારની ગરીબ વર્ગમાં ગણતરી થતી જયારે અત્યારે સાઇકલ એક સ્ટેટસ સીમ્બોલ બની ગયું છે.
આજની યુવા જનરેશન સાયકલ પ્રેમી: રાજવીર સાયકલ
રાજવીર સાઇકલ એજન્સીના મહેન્દ્રભાઇએ આજરોજ સાઇકલ ડે નીમીતે ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજની યુવા જનરેશન સાઇકલ પ્રેમી બની ગઇ છે. નાના બાળકોથી લઇ વડીલો પણ સાઇકલ ચલાવી હેલ્થી સ્વાસ્થ્યની સાથે સાથે તાજગી મેળવી રહ્યા છે. આજે વિવિધ ડિઝાઇનની સાઇકલમાં બેટરીવાળી, ગિયરવાળી એમ ઘણી બધી સાઇકલ બજારમાં ઉપલબ્ધ છે.
અત્યારે વિઘાર્થીઓ પણ સાઇકલ ખરીદવાનો વધુ આગ્રહ રાખી રહ્યા છે. ટુંકમાં એવું કહી શકાય કે અગાઉ ગરીબોનો સીમ્બોલ સાઇકલ આજે સ્ટેટસ સીમ્બોલ બની ચુકી છે. કારણ કે સાઇકલ ચલાવવાના અનેક ફાયદા છે.