સગીરાના પિતા સહિત બે શખ્સોએ ધારિયા અને છરીથી હુમલો કરી ઢીમઢાળી દીધુ
બાઈક પર આવેલા બંને શખ્સોએ હુમલો કર્યાના સીસીટીવી ફુટેજ મળ્યા
રાજકોટ શહેરમાં કનકનગર વિસ્તારમા મિત્ર સાથે બેઠેલા અને અપહરણ અને રેપના ગુનામાં જામીન પર છૂટેલા આરોપી વિજય ધીરૂભાઈ મેર ઉ.32ની પ્રેમપ્રકરણનાં મામલાનો ખાર રાખી બે શખ્સો દ્વારા સરાજાહેર ધારીયા અને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે. બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ વાઈરલ થતા ફૂટેજ જોઈ લોકો હતપ્રત થયા છે.
મળતી માહિતી મુજબ કનકનગર શેરી નં.5માં રહેતો વિજય મેર 2020ની સાલમાં પાડોશમાં રહેતા સુરેશભાઈ સવજીભાઈ સાકરીયાની તરૂણ પુત્રી સશીલા સાથે પ્રેમ સંબં હતા અને તે 7-10-2020ના વહેલી સવારે તેને ઘર પરથી ભગાડી ગયો હતો. બાદ સુરેશે આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી જેથી પોલીસે 5-4-2021ના સશીલા અને વિજયને ઝડપી લીધા હતા અને વિજય મેર વિરૂધ્ધ અપહરણ અને રેપનો ગુનો નોંધી જેલ હવાલે કર્યો હતો. બાદ બે માસ પૂર્વે વિજય મેર જામીન પર છૂટી ને આવ્યો હતો.
ગત કાલે રાત્રીનાં સમયે કનકનગરના ખૂણે મિત્ર સાથે બેઠો હતો ત્યારે સુરેશ સવજી સાકરીયા અને તેની સાથે અજાણ્યો શખ્સ આવી પ્રેમપ્રકરણ બાબતનો ખાર રાખી તેના પર ધારીયા અને છરી વડે બંને શખ્સ તૂટી પડયા હતા અને તેની હત્યા કરી ત્યાંથી નાશી છૂટયા હતા વિજયના ભાઈએ થોરાળા પોલીસમાં સુરેશ સાકરીયા અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે વિજયના ભાઈ અશ્ર્વીન ઉર્ફે પપ્પુ મેરએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગતકાલ રાત્રીનાં સમયે વિજય મેર કનકનગરનાં ખૂણે તેના મીત્રો સાથે બેઠેલો હતો ત્યારે મોડીરાત્રીનાં બાઈક પર બુકાનીધારી શખ્સો ઘસી આવ્યા હતા. અને પાછળ બેઠેલા શખ્સે પોતાના પાસે રહેલ ધારીયા વડે વિજય પર તૂટી પડયો હતો. અને સાથે રહેલા શખ્સે પોતાના પાસે રહેલ છરી વડે ઘા ઝીંકી કરપીણ હત્યા કરી ત્યાંથી નાશી છૂટયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
આ અંગે બનાવની જાણ પોલીસમાં થતા થોરાળા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને પ્રાથમિક પૂછતાછમા જાણવા મળ્યું હતુ કે વિજયે 2020ની સાલમાં પાડોશમાં રહેતી સશીલા નામની તરૂણી સાથે પ્રેમ સંબંધ થતા તે તેને ભગાડી ગયો હતો. જેથી તરૂણીના પિતા સુરેશે વિજય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. બાદ 4-2021માં વિજયને પોલીસે ઝડપી પાડી અપહરણ અને રેપની કલમ હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કર્યો હતો જે વાતનો સુરેશ ખાર રાખી અને વિજયની હત્યા નિપજાવી છે.થોરાળા પોલીસે સુરેશ અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી અને સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.