માતાજીના માંડવામાં ભૂવાને હાર્ટ એટેક આવતા દોડધામ મચી ગઇ

છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના વ્યક્તિઓ અને યુવાનોમાં હાર્ટ એટેકના કારણે મોતનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. ક્રિકેટ કે અન્ય રમત રમતી વેળાએ અને શારીરિક સ્થિતિનું પૂરતું ધ્યાન રાખતા યુવાનોના હાર્ટ ફેલ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ભાવનગરના કુંડા ગામે માતાજીના માંડવામાં ધુણતા ધુણતા ભૂવા અચાનક ઢળી પડ્યા હતા અને તેમને હાર્ટ એટેક આવી જતા મોત નિપજ્યું હતું. જેના કારણે માતાજીના માંડવામાં દોડધામ મચી ગઇ હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના કુંડા ગામે માતાજીના મકાભાઈ દાનાભાઈ ગોહિલ નામના 65 વર્ષના ભૂવા ધુણતા ધુણતા અચાનક ઢળી પડ્યા હતા.

જેથી ધાર્મિક કાર્યક્રમમાં હાજર ભક્તોમાં દોડધામ મચી ગઇ હતી. મકાભાઇ ગોહિલ ધુણતા ધુણતા એકાએક ઢળી પડતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ઘોઘાની બાજુમાં આવેલ કુડા ગામે શિકોતર માતાજીના 24 કલાકના નવરંગા માંડવાનું ગોહિલ પરીવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કુડા ગામે રહેતા કુટુંબના ભુવા મકાભાઈ ગોહિલના શરીરમાં દૈવીશક્તિનો પ્રવેશ થયો હોય એમ માંડવામાં ધુણતાં હતા તે સમયે અચાનક જ ઢળી પડ્યા હતા.જેથી ત્યાં હાજર લોકો દ્વારા તેમને ત્યાંથી તાત્કાલિક કોળિયાક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યા ફરજ પરના તબીબે આ આધેડ ભૂવાને મૃત જાહેર કર્યા હતા.આ અઘટીત બનાવને પગલે નાનકડા એવા કુડા ગામમાં ધર્મમય વાતાવરણના સ્થાને ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.માતાજીના માંડવામાં ધુણતા ધુણતા ભૂવા એકાએક ઢળી પડ્યા બાદ તેમને હાર્ટ એટલે આવી જતા તેમનું મોત નિપજ્યું હોવાના દ્રશ્યો વીડિયોમાં કેદ થઈ જતાં તે વિડિયો સોશિયલ મીડિયામાં પર વાયરલ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.