પાંચ વર્ષની સરખામણીમાં નિકાસ તળીયે પહોંચે તેવી આશંકા
ગુજરાત રાજયની વાત કરવામાં આવે તો મગફળીના નિકાસમાં ચાલુ નાણાકીય વર્ષ એટલે કે, ૨૦૧૮-૧૯ની સરખામણી કરતા ગુજરાતને ધોબી પછડાટ મળે તેવી ભીતિ સેવાઈ રહી છે જેનું એકમાત્ર કારણ તેનું ઓછુ ઉત્પાદન પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે ઓઈલ સીડના નિકાસ ૨૦૧૮-૧૯માં ૨.૫ લાખ ટન રહે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે જે ૨૦૧૩-૧૪ની સ્થિતિ કરતા પણ ઓછી રહેશે.
કયાંક મગફળીના ઓછા ઉત્પાદન અને તેની નીતિને પણ કારણ માનવામાં આવી રહ્યું છે. કહી શકાય કે, મગફળીના નિકાસ માટે ગુજરાત સૌથી મોટુ સ્થળ છે. ત્યારે ૨૦૧૮-૧૯ના વર્ષની વાત કરવામાં આવે તો એપ્રીલથી નવેમ્બર સુધીમાં મગફળીનો ૧.૭૯ લાખ ટનનો નિકાસ કરવામાં આવ્યો હતો જેનો ભાવ ૧૨૨૪ કરોડ રહ્યો હતો. આ આંકડા એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફ્રુડ પ્રોડકટ એકસ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા દેવામાં આવ્યો છે.
ત્યારે સુત્રોના જણાવ્યાનુસાર અને વિશેષજ્ઞોના માનવાનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં મગફળીનો નિકાસ અઢી લાખ ટનનો રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું.વર્ષ ૨૦૧૭-૧૮ની વાત કરવામાં આવે તો ૨૧૧૫ કરોડ રૂપિયા લેખે ૩.૨૨ લાખ ટન મગફળીનો નિકાસ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતમાંથી મગફળીના નિકાસમાં ઘટ આવતા કારણ સમગ્ર ભારતના નિકાસને પણ માનવામાં આવી રહ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૮ માસમાં મગફળીનો નિકાસ ૩.૧૦ લાખ ટન રહ્યો હતો જે ૨૦૧૭-૧૮માં ૫.૦૪ લાખ ટન રહ્યો હતો. ખૂબજ ઝડપી નિકાસમાં ઘટ થવાનું કારણ સ્થાનિક સ્તરે મગફળીનું ઉત્પાદન પણ માનવામાં આવી રહ્યું છે અને સાથો સાથ ચાલુ વર્ષમાં જે નિકાસમાં ઘટ જોવા મળી છે તે પણ એક કારણ મનાઈ રહ્યું છે. સમયાંતરે મગફળીમાં નિકાસમાં ઘટ થવાનું કારણ આફ્રિકન દેશોને પણ માનવામાં આવી રહ્યું છે.
કારણ કે સુદાન અને સેનેગલ આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસને લઈ તેઓ પગ પેશારો કરી રહ્યાં છે જે છેલ્લા બે વર્ષથી સ્થાનિક મગફળી ઉત્પાદકોને ખૂબજ તકલીફ પડી રહી છે જેથી સ્થાનિક સ્તરે મગફળીના નિકાસમાં ખુબજ મોટી ઘટ જોવા મળે છે.
ગુજરાતના ખેડૂતોને મગફળીને લઈ સારા ભાવ મળી શકે તે માટે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે જે ૨૦ કિલોના ૧૦૦૦ રૂપિયા સરકાર આપે છે. જયારે બજાર ભાવ ૨૦ કિલો માટે રૂ.૬૮૦ થી ૮૦૦ સુધી રહેવા પાત્ર રહ્યો છે. ત્યારે આ ભાવ બંધારણને લઈ ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાનો માલ વેંચતા નથી ત્યારે સુત્રોના જણાવ્યાનુસાર મગફળીના નિકાસમાં ખુબજ વધુ વેગ મળી શકે તેમ છે જો નિકાસને ઈન્સેન્ટીવ આપવામાં આવે. ત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો મગફળીને એક પણ પ્રકારનું ઈન્સેન્ટીવ મળતું નથી જયારે અન્ય સામગ્રી કે અન્ય ખાદ્ય ચીજ-વસ્તુઓને ૫ થી ૧૦ ટકા ઈન્સેન્ટીવ મળે છે.
ખરીફ પાકની ભાવનીતિ ઘડવા સોમાના અધ્યક્ષ સમીર શાહને દિલ્હીનું તેડુ
ગુજરાત રાજયની વાત કરવામાં આવે તો મગફળીના નિકાસમાં ખુબજ વધુ ઘટ જોવા મળી રહી છે અને એવા પણ એંધાણ થઈ રહ્યાં છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં મગફળીનો નિકાસ પાંચ વર્ષના તળીયે જશે ત્યારે મગફળીના નિકાસને સરકાર દ્વારા ઈન્સેન્ટીવ મળે અને એક યોગ્ય ભાવનીતિ ઘડવામાં આવે તે માટે કૃષિ મંત્રાલયના કમિશ્નર ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈઝીસ દ્વારા ૭મી ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખરીફ પાકના ભાવ બંધારણને લઈ નીતિ ઘડવામાં આવશે.
ત્યારે આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનના અધ્યક્ષ સમીરભાઈ શાહને પણ આમંત્રીત કરવામાં આવ્યા છે.જેનુ એકમાત્ર કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે, હાલ જે રીતે મગફળીના નિકાસમાં ઉત્તરોત્તર ઘટ થઈ રહી છે તેના પર રોક લગાવી શકાય અને નિકાસને વેગ મળી રહે.