મહાભારત સમયે પાંડવોએ વનવાસના કેટલાક દિવસો ગેબીનાથ ગુફાએ વિતાવ્યા’તા
આખો શ્રાવણ માસ અને દર માસની પુનમે ભજન અને ભોજનની અવિરત સેવા
રાજકોટથી ૪૦ કિ.મી.ના અંતરે મનોરમ્ય ભૂતનાથ મહાદેવ મંદિરે શ્રધ્ધાળુઓની ભારે ભીડ
સર્વત્ર છવાયેલા વરસાદી માહોલમાં પ્રકૃતિએ સોળે કળાએ શણગાર સજયા હોય તેવા મનોરમ્ય વાતાવરણ વચ્ચે બિરાજમાન થયેલા ભૂતનાથ મહાદેવ મંદિર ભાવનગર હાઈવે પરના હલેન્ડાથી ચાર કિલોમીટરના અંતરે આવેલું છે.
૫૦ વર્ષ જૂના પ્રાચીન ભૂતનાથ મહાદેવની સ્થાપના નારણનાથ બાપુએ કરેલી છે. જૂનાગઢ ભવનાથ તળેટીમાંથી આવેલા નારણનાથ બાપુએ મહાદેવની સ્થાપના કર્યા બાદ વર્ષો સુધી સેવા-પૂજા કર્યા બાદ તેઓની સમાધી ત્યાં જ આપવામાં આવ્યા બાદ નારણનાથ બાપુના શિષ્ય નવાનાથજી સંભાળી રહ્યાં છે.
ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે અસંખ્ય બીલીપત્રના વૃક્ષો અને લીલોતરીના કારણે વાતાવરણ મનોરમ્ય સાથે પિકનીક પોઈન્ટ જેવું બની ગયું છે. આ જંગલમાં ગેબીનાથની ગુફા આવેલી છે. આ ગુફા સાથે મહાભારત કાળમાં પાંડવોનો ઈતિહાસ સમાયેલો છે. પાંડવો વનવાસ સમયે તરણેતર અને હલેન્ડા ખાતેના જંગલ વિસ્તારમાં કેટલોક સમય રોકાયા હોવાનું કહેવામાં આવે છે.
ગુફા નજીક એક હનુમાનજીનું મંદિર છે અને ગુફાની ઉત્તર દિશાએ જીવણી આઈનો નેશ છે. જયાં એક અવિચળ વિરડી કે જેમાં દુકાળના સમયમાં પણ પાણી ખુટયું નહોતું.
ભૂતનાથ મહાદેવ મંદિરે દર માસની પુનમે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. દર પુનમે ત્યાં ભોજન અને ભજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે.અને તમામ કાર્યક્રમનું સંચાલન હલેન્ડા, ડુંગરપુર, વાવડી, ઉમરાળી, બળધોઈ અને કનેસરા સહિતના ગ્રામજનો દ્વારા સ્વયંમ શિસ્ત અને ધાર્મિક લાગણી સાથે કરવામાં આવે છે.
હલેન્ડાના સરપંચ વનરાજભાઈ અને તેમના મોટાભાઈ કરણભાઈ આખો શ્રાવણ માસ ભૂતનાથ મહાદેવ મંદિરે સેવાપૂજાની સાથે અન્નક્ષેત્ર ચલાવી રહ્યાં છે. ભૂતનાથ મંદિરની સાથે હલેન્ડાથી બે કિ.મી. દૂર ઓમકાલેશ્ર્વર મહાદેવ મંદિરની પણ સેવાપૂજા નવાનાથ ગુરુ નારણનાથજી સંભાળી રહ્યાં છે.