નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને વડોદરા અને ખેડા જિલ્લાનો હવાલો: આર.સી.ફળદુને અમદાવાદ-અમરેલી, સૌરભ પટેલને જામનગર મોરબી, જયેશ રાદડિયાને જુનાગઢ-ગીર સોમનાથ, ઈશ્ર્વર પટેલને સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
ગુજરાતના તમામ ૩૩ જિલ્લામાં સુવ્યવસ્થિત વહિવટ અને ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે તે માટે રાજય સરકાર દ્વારા અલગ-અલગ કેબિનેટ અને રાજયકક્ષાના મંત્રીઓને જુદા-જુદા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રાજકોટ અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વડોદરા અને ખેડા જિલ્લાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ગુજરાતમાં ગત ૨૬મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં નવા મંત્રી મંડળની રચના થયા બાદ અલગ-અલગ મંત્રીઓને જુદા જુદા જિલ્લાના હવાલા સોંપવામાં આવ્યા છે.
જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વડોદરા અને ખેડા જિલ્લાના, કેબિનેટ મંત્રી આર.સી.ફળદુને અમદાવાદ અને અમરેલી જિલ્લાનો, ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રાજકોટ અને ભાવનગર જિલ્લાના, કૌશિકભાઈ પટેલને સુરેન્દ્રનગર તથા તાપી જિલ્લાના, સૌરભભાઈ પટેલને જામનગર અને મોરબી જિલ્લાના, ગણપતભાઈ વસાવાને દાહોદ અને નવસારી જિલ્લાના, જયેશભાઈ રાદડિયાને જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાના, દિલીપકુમાર ઠાકોરને કચ્છના, ઈશ્ર્વરભાઈ પરમારને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે.
જયારે રાજયકક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજાને ભરૂચ અને પંચમહાલ જિલ્લાના, પરબતભાઈ પટેલને સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના, પરસોતમભાઈ સોલંકીને સુરેન્દ્રનગર જિલ્લાના સહપ્રભારી બનાવાયા છે. બચુભાઈ ખાબડને નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના, જયદ્રથસિંહ પરમારને આણંદ તથા મહિસાગર જિલ્લાના, ઈશ્ર્વરસિંહ પટેલને બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના, વાસણભાઈ આહિરને પાટણ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના, વિભાવરીબેન દવેને મહેસાણા જિલ્લાના, રમણભાઈ પાટકરને અરવલ્લી તથા ડાંગ જિલ્લાના જયારે કિશોર કાનાણી કુમારને વલસાડ અને પોરબંદર જિલ્લાના પ્રભારીમંત્રી બનાવવામાં આવ્યા છે.
જે પ્રમાણે ફાળવેલા જિલ્લામાં પ્રભારી મંત્રી અને સહ પ્રભારી મંત્રીએ સમયાંતરે જિલ્લાની મુલાકાત લેવાની રહેશે અને જિલ્લાના વહિવટી પ્રશ્ર્નોથી વાકેફ થઈ તેના નિકાલ માટે સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપવાનું રહેશે.