વિધાનસભાની ચૂંટણી વર્ષમાં લોકાનુભાવન બજેટ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર માર્ચ મહિનામાં મળવાનું છે. આ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પ્રથમ બજેટ છે. તેમાં તેઓની પરીક્ષા થવાની છે. પણ આ પરીક્ષા આકરી હશે કે આખરી તે જોવું રહ્યું.
2જી માર્ચથી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ અને અંદાજપત્ર પર ચારેક દિવસ ચર્ચા થશે. આ ઉપરાંત સરકારી વિધેયકો પર પણ ચાર દિવસ ચર્ચા કરવામાં આવશે. પૂરક માંગણીઓ પર બે દિવસ ચર્ચા થશે. 31મી માર્ચ સુધી ચાલનારાં સત્રમાં છ અથવા આઠેક દિવસ બે-બે બેઠકો યોજાશે.સત્ર દરમિયાન નવી સરકારે વિપક્ષના રાજકીય આક્રમણનો સામનો કરવો પડશે કેમ કે, ખેડૂતોની સમસ્યા ઉપરાંત મોંઘવારી, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત અન્ય મુદ્દાઓને લઇને સત્ર તોફાની બની શકે છે. સામે છેડે સરકાર પણ વિપક્ષનો સામનો કરવા સજજ થઇ રહી છે.
આ સત્ર માટે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો માટે આગામી 13 ફેબ્રુઆરીએ તાલિમ શિબિર યોજશે. આ શિબિરમાં ગુજરાતની ભાજપ સરકારને કયા મુદ્દે ભીંસમાં લેવી તેની ધારાસભ્યોને ટ્રેનિંગ અપાશે. તે ઉપરાંત કયા ધારાસભ્ય કયા મુદ્દે ગૃહમાં બોલશે તે બાબતો પણ નક્કી કરાશે. ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા પુરતી રહે તે અંગે પણ ચર્ચા કરાશે.
આગામી વિધાનસભાની ચૂંટણીઓને પગલે નવી સરકાર ખેડૂતો, મહિલાઓ ઉપરાંત યુવાઓને રાજી રાખવા પ્રયાસ કરે તેવી શક્યતા છે.આ વખતે બજેટમાં નવા કરવેરા શક્યતા નહીવત છે.ખેડૂત અને પ્રજાલક્ષી નવી યોજનાઓ જાહેર થાય તેવી સંભાવના છે. બજેટનું કદ પણ 2 લાખ કરોડને પાર કરી જશે. નવી સરકાર નવી યોજનાઓ થકી લોકોને આકર્ષિત -પ્રભાવિત કરવા ઇચ્છુક છે.
ત્યારે અત્યારથી જ પાટનગર ગાંધીનગરમાં નાણાં વિભાગની બેઠકોનો દોર શરૂ થયો છે. વિવિધ વિભાગો સાથે બેઠકો શરૂ થઇ છે. તા.3જી માર્ચે નાણાં મંત્રી વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે. નાણા મંત્રી કનુ દેસાઇ પહેલીવાર વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. વિધાનસભા સત્રમાં અંદાજપત્ર માટે ધમધમાટ શરૂ થયો છે.