ભાજપ કાર્યાલય ખાતે બજેટ અંગે માર્ગદર્શન આપવા કાર્યશાળા યોજાઇ: બપોરે અનુસુચિત મોરચાની બેઠક
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ તથા રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતિષ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખના નામ ચર્ચા કરવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
આજે સવારે ભાજપા પ્રદેશ અઘ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અઘ્યક્ષતામાં કેન્દ્રીય બજેટ અને ગુજરાત બજેટના અનુસંધાને પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે પ્રદેશ કાર્યશાળા યોજાઇ હતી.
પ્રદેશ કાર્યશાળામાં ભાજપા રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતિશજી અને કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલજી ઉ૫સ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપું, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા નાણા મંત્રી નીતીનભાઇ પટેલ કાર્યશાળામાં ઉ૫સ્થિત રહેશે અને ગુજરાત બજેટ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. બપોરે ૩ કલાકે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે અનુસુચિત જાતિ મોરચાની પ્રદેશ બેઠક યોજાશે.
આ બેઠક બાદ ભુપેન્દ્ર યાદવ તથા વી. સતિષની ઉ૫સ્થિતમાં ગુજરાતમાં નવા પ્રદેશ ભાજપ પ્રમુખના નામની ચર્ચા પણ કરવામાં આવે તેવી સંભવના જણાય રહી છે. ભાજપના સહ સંગઠન માળખાની રચનાની કામગીરી સતત પાછળ ઠેલાય રહી છે અગાઉ એવી અટકળો ચાલતી હતી કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી દેવામાં આવશે. પરંતુ પરિણામના એક પખવાડીયા બાદ પણ હજી નવા પ્રમુખ માટે કોઇ સળવળાટ જોવા મળતો નથી. આજે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને સંગઠન મહામંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે નવા સંગઠન માળખાની રચના અંગે ચર્ચા થવાની સંભવના નકારી શકાતી નથી. પ્રમુખપદ માટે હાલ ચારથી પાંચ નામો ચર્ચામાં છે પ્રમુખપદ પાટીદાર સમાજને આપવું કે ઓબીસી સમાજને તે વાતને લઇને ભાજપ મુંઝવણ અનુભવી રહ્યું હોવાની પણ અંદર ખાતે ચર્ચા ચાલી રહી છે. જે નામો ચાલી રહ્યા છે. તેમાં પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીનું એક નામ ઉમેરાયું છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય અઘ્યક્ષની નિમણુંક બાદ તુરંત જ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી દેવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે કોકડુ ગુંચવાયું છે જેના કારણે નામની જાહેરાત કરી શકાતી નથી. સ્થાનીક સ્વરાજયની ચૂંટણી નજીક આવી રહી હોય ભાજપ કોઇપણ જાતનું જોખમ લેવા માંગતું નથી. જે રીતે ગત ચૂંટણીમાં પરિણામ આવ્યા તે આ વખતે રીપીટ ન થાય તે માટે ભાજપ ફુંકી ફુંકીને કદમ રાખી રહ્યું છે.