- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે આજે સાંજે શપથ ગ્રહણ કરશે દેવેન્દ્ર ફડણવીસ: ગુજરાત સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત
- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે આજે સાંજે દેવેન્દ્ર ફડણવીસની શપથવિધી યોજાશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સામેલ થશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતીનો મહા વિજય થયો છે. 10 દિવસથી ચાલતી ખેંચતાણ અને મથામણનો ગઇકાલે ઉકેલ આવી ગયો છે. આજે સાંજે 5:30 કલાકે મુંબઇના આઝાદ મેદાન ખાતે મહારાષ્ટ્રની નવી સરકારની શપથવિધી યોજાવાની છે. જેમાં રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ શપથ ગ્રહણ કરશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે અને અજીત પવાર શપથ લેશે. મહાયુતીના કેટલાક ધારાસભ્યો પણ આજે મંત્રી તરીકે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. દેવેન્દ્ર ફડણવીસની શપથવિધીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી, નાણામંત્રી નિર્મલા સિતારમણ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં વિશેષ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ મહારાષ્ટ્રની નવી સરકારની શપથવિધીમાં સામેલ થશે. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત પવાર)ની મહાયુતીને પ્રચંડ જનાદેશ પ્રાપ્ત થયો છે. રાજ્યની વિધાનસભાની 288 બેઠકો પૈકી 230 બેઠકો પર મહાયુતીના ઉમેદવારો વિજેતા બન્યા છે. ભાજપને સૌથી વધુ 132 બેઠકો મળી છે. મહાયુતીમાં મુખ્યમંત્રી પદને લઇને છેલ્લા 10 દિવસથી ખેંચતાણ ચાલતી હતી. જે ગઇકાલે પૂર્ણ થઇ જવા પામી છે. મહારાષ્ટ્રમાં નવી સરકાર રચાશે પણ ચહેરા જૂના જ હશે. અગાઉ એકનાથ શિંદે મુખ્યમંત્રી પદે હતા અને દેવેન્દ્ર ફડણવીસ તથા અજીત પવાર નાયબ મુખ્યમંત્રી પદે હતા. હવે દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનશે. જ્યારે એકનાથ શિંદે અને અજીત પવાર ડેપ્યૂટી સીએમ પદે શપથ લેશે.