- વિસનગરના દવાડા ગામેથી ઉઠાવી લેતી સીઆઈડી ક્રાઇમ : રિમાન્ડની તજવીજ
બીઝેડ ગ્રુપ દ્વારા 6 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે ગઈકાલે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલા સકંજામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા બીઝેડ ગ્રુપ કૌભાંડના માસ્ટર માઈન્ડ ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્યાંથી તેને ગાંધીનગર લવાયો છે, જ્યાં તેની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર તેની ધરપકડ મહેસાણા જિલ્લાના વિસનગરના દવાડા ગામથી કરવામાં આવી છે. હવે સીઆઈડી ક્રાઇમે તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર જ્યારથી કૌભાંડ સામે આવ્યું છે ત્યારથી ભૂપેન્દ્ર ઝાલા ફરાર હતો. ત્યારે ફરિયાદ નોંધાયાનાં 34 દિવસ બાદ તેનું પગેરૂ મળ્યું હતું. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામમાં છૂપાયો હતો. સીઆઈડી ક્રાઈમની ટીમે દવાડા ગામના ખેતરના એક નાના ઘરમાંથી ઝડપ્યો છે.
ભૂપેન્દ્ર ઝાલા તેના સમાજના લોકોના સંપર્કમાં હતો. જેમના કોલ ટ્રેસ કરતા ભૂપેન્દ્રનું લોકેશન મળ્યું હતું અને સાંજે 4 વાગ્યા આસપાસ તેને દવાડાથી ઝડપી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીત સિંહ અને તેના સીએ ઋષિત મહેતાની અટકાયત કરાઈ હતી. ભૂપેન્દ્ર ઝાલા સાથેના સંપર્ક અંગે રણજીતસિંહની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરાઈ હતી. આ સાથે આરોપીઓના લોકેશન અને નાણાકીય વ્યવહારો સંદર્ભે પૂછપરછ કરાઈ હતી. ત્યારબાદ હવે ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલા પણ ઝડપાયો છે. હવે, આ તમામની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમાં મોટા ખુલાસાઓ થવાની પૂર્ણ શક્યતાઓ છે. બીઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં તેની શોધખોળ કરાઈ હતી. તે છેલ્લા એક મહિનાથી પોતાના ઠેકાણા બદલતો રહ્યો હતો. તેણે ધરપકડથી બચવા ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી, પણ કોર્ટમાંથી તેને રાહત મળી ન હતી.
મામલામાં સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
કર્મચારીઓના ખાતામાં લાખોનું ટ્રાન્જેક્શન
બીઝેડ ગ્રુપની ઓફિસમાં કામ કરતા અને સામાન્ય પગાર ધરાવતા સફાઈકર્મી અને પટાવાળાની તપાસ અને પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિવિધ 6 લોકોના રોલ અને તેમની સાથે સંકળાયેલી વિગતો સામે આવી હતી. કર્મચારીઓનાં ખાતામાં લાખો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હતું તેવી ચોકાવનારી વિગતો સીઆઈડી ક્રાઇમનાં ધ્યાને આવ્યું છે.
અલગ-અલગ ચાર કંપનીઓનાં ઓડિટ રિપોર્ટનાં આધારે તપાસ
સીઆઈડી દ્વારા રણજીત સિંહની કરાયેલી પૂછપરછમાં કંપનીઓની વિગતો સામે આવી છે. 4 મુખ્ય કંપનીઓના ઓડીટ રિપોર્ટ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેણે લોકોને 95 કરોડ રૂપિયા આપવાના બાકી છે.તો બીજી તરફ બીઝેડ કૌભાંડમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની જામીન અરજી ફગાવી દીધી છે.