Table of Contents

યુવા ભાજપના 1000થી વધુ કાર્યકર્તાઓએ બાઇક રેલી સાથે ગુજરાતના નાથને આવકાર્યા

મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થયા બાદ પ્રથમ વખત રાજકોટ પધારેલા ભૂપેન્દ્રભાઇ પટેલને ઉમળકાભેર આવકારતા શહેરીજનો: કેસરિયો માહોલ

ગુજરાતના મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થયાના 110 દિવસ બાદ રાજકોટના આંગણે પધારેલા ભૂપેન્દ્રભાઇ પટેલના આજે રંગીલા રાજકોટવાસીઓએ ઉમળકાભેર વધામણાં કર્યા હતાં. એરપોર્ટથી યાજ્ઞિક રોડ સ્થિત ડીએચ કોલેજ સુધીના અઢી કિલોમીટરના રોડ-શોમાં અલગ-અલગ 67 જેટલા સ્પોટ્ પર મુખ્યમંત્રીનું જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ-બેન્ડ, રંગબેરંગી બલૂન, આતશબાજી અને ડીજેના તાલથી વાયબ્રન્ટ-ગાલા રોડ-શો અભૂતપૂર્વ બની ગયો હતો.

cm bhupendra patel 1

અબતકથી અભિભૂત થયાં મુખ્યમંત્રી

આજે રાજકોટના
મોંઘેરા મહેમાન બનેલા
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
‘અબતક’ દૈનિકની
લખાણ શૈલીથી ખૂબ જ
પ્રભાવિત થયાં હતાં.
રોડ-શો પૂર્વે તેઓએ
‘અબતક’ દૈનિકનો સહર્ષ સ્વિકાર કર્યો હતો અને પોઝીટીવીટીના
પણ વખાણ કર્યા હતાં.

સીએમની સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ રોડ-શોમાં સહભાગી થયા હતાં અને રાજકોટવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું. શહેરજનોએ જે રીતે ઉમળકાભેર આવકાર આપ્યો હતો તેથી ખુદ મુખ્યમંત્રી ગદગદીત થઇ ગયા હતાં. પ્રદેશ અધ્યક્ષે શહેર ભાજપના સંગઠનના વખાણ કર્યા હતાં. રોડ-શો બાદ મુખ્યમંત્રીના હસ્તે કરોડો રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

Screenshot 7 36

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સુસાશન સપ્તાહના રાજ્યકક્ષાના સમાપન સમારોહના ભાગરૂપે રાજકોટ ખાતે આગમન થતા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સાથે નવસારીના સાંસદ અને  ભાજપ અધ્યક્ષ સી.આર. પટેલ તેમજ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ તેમજ શહેર જિલ્લા ભાજપના અગ્રણીઓ રોડ શોમાં જોડાયા હતાં.

એરપોર્ટથી કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ થઈ ધર્મેન્દ્ર કોલેજ ખાતે સ્ટેજ પ્રોગ્રામ ખાતે રોડ શો સમાપન  દરમ્યાન વિવિધ સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર તેમનું પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મ્યુઝિકની સુરાવલી અને વિવિધ બેન્ડ દ્વારા તેમને વેલકમ કરવામાં આવ્યા હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું કિશાન પરા ચોક ખાતે વિવિધ સહકારી સંસ્થાઓ, એસોસિએશન અને જ્ઞાતિ-સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત અને અભિવાદન કરાયું હતું.

એરપોર્ટ રોડ પાસેથી કિશન પરા ચોક ખાતે મુખ્યમંત્રીનો કાફલો આવી પહોંચતા વિવિધ વિવિધ સહકારી સંસ્થાઓ એસોસિયેશન, જ્ઞાતિ-સમાજના સંગઠનો, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો દ્વારા ઠેર-ઠેર પુષ્પવર્ષા કરી અભિવાદન કરવામાં આવ્યું હતું .

પરંપરાગત વેશભૂષામાં  સજ્જ યુવાઓએ રાસ ગરબા અને નૃત્ય કરી મુખ્યમંત્રી અને તેમની સાથે આવેલા મહાનુભાઓનું દિલ જીતી લીધું હતું. આ તકે દેશભક્તિના ગીત સંગીત અને ભારતની ગાથાને વર્ણવતા દેશભક્તિના પ્રવચનો વગાડવામાં આવી રહ્યા હતા. જેનાથી સમગ્ર રોડ શો વાઇબ્રન્ટ બની ગયો હતો.

આ પૂર્વે  એરપોર્ટ ખાતે  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું રાજકોટ પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપી ઉષ્માભર્યું  સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ભાજપ અધ્યક્ષ  સી.આર. પાટીલે એરપોર્ટ થી સુશાસન સપ્તાહ સમારોહના સ્થળ ધર્મેન્દ્રસિંહજી કોલેજ સુધીના ભવ્ય રોડ શોને લીલીઝંડી આપી રાજકોટના પ્રજાજનોને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

  • સાધુ-સંતો, મહંતોએ સાડા છ કરોડ ગુજરાતીઓના રખેવાળ પર આશિર્વાદનો વરસાદ કર્યો

  • પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ યુવા ભાજપની બાઇક રેલીને લીલીઝંડી આપી

  • જુદા-જુદા સમાજ અને જ્ઞાતિના લોકો પરંપરાગત વેશભૂષા સાથે રોડ-શોમાં જોડાયા

  • પાંચ મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિએ રોડ-શોમાં ઇન્દ્રધનુષી રંગ પુર્યો

  • એરપોર્ટની ડીએચ કોલેજ સુધી 61 સ્વાગત પોઇન્ટ પર વિવિધ સમાજના અગ્રણીઓ અને સંસ્થાઓ દ્વારા શાહી સ્વાગત

આ પ્રસંગે રાજકોટના  જિલ્લા પંચાયત ચોક ખાતે સ્ટેજ ઉપરથી  સ્થાનિક આગેવાનો, સ્થાનિક પ્રજાજનો મોહનભાઈ દાફડા, સહદેવસિંહ જાડેજા, મનસુખભાઈ ખાખરીયા, નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, નરેન્દ્રસિંહ જાડેજા વગેરે દ્વારા ગુલાબના ફુલો વડે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શ્રમ મંત્રી બ્રિજેશ કુમાર મેરજા, વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીનું ઉમળકાભેર અભિવાદન કરાયું હતું.

વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં એસ.આર.પી. બેન્ડ દ્વારા દ્વારા પાઈપર કેપ,  ગુરખા બ્રિગેડ, આર્યન  લેડી જેવી વિવિધ ધૂન પર સંગીત આપવામાં આવ્યું હતું તેમજ એનસીસી અને એન.એસ.એસ.ના કેડેટ્સ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત  કરવામાં આવ્યું હતું. રોડ શો દરમ્યાન બેગપાઈપર  બેંડ દ્વારા સંગીતની સુરાવલી રેલાવવામાં આવી હતી.

આ તકે 1000 બાઇક સવારોની રેલીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લીલીઝંડી આપીને તેનું પ્રસ્થાન કરાવ્યું હતું. દેશભક્તિના ગીતોએ રાજકોટમાં એક ઉલ્લાસભર્યા માહોલનું સર્જન કર્યું હતું.

રોડ શો ના સમગ્ર રૂટ પર 67 જેટલા વિવિધ સ્પોટ પર મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 18 જેટલા સ્ટેજ પર કલ્ચરલ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળા જિલ્લા પંચાયત ચોકને બલૂન અને રોશનીથી શણગારાયું હતું. બાળાઓ દ્વારા રાસ રજૂ કરાયા હતા.

ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, અગ્રણી ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ,  નિતિનભાઇ ભારદ્વાજ, સાંસદઓ,અગ્રણીઓ મુખ્યમંત્રી સાથે રોડ શોમાં સહભાગી થયા હતા.

પટેલ અને પાટીલ એક જીપમાં

નિર્ધારિત કાર્યક્રમ મુજબ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ એરપોર્ટ પરથી જ યુવા ભાજપના કાર્યકરોની બાઇક રેલીને લીલીઝંડી આપી ધ્રોલ ખાતે ભૂચર મોરી શૌર્ય કથામાં ભાગ લેવા માટે રવાના થઇ જવાના હતા પરંતુ રાજકોટવાસીઓનો ઉમળકો અને ઉત્સાહ જોતાં તેઓ રોડ-શોમાં જોડાયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એક જ જીપમાં જોવા મળ્યા હતાં. આ જીપમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી પણ સાથે રહ્યા હતા. બીજી જીપમાં શિક્ષણમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના લોકો સામેલ થયા હતાં.

વિજયભાઇ મોડા પડ્યાં રોડ-શોમાં ન જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આજે રાજકોટમાં ભવ્ય રોડ-શો યોજાયો હતો. આ રોડ-શોમાં મુખ્યમંત્રીની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ જોડાવાના હતા, જો કે તેઓ ગઇકાલે ધરમપુર અને નવસારી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતાં ત્યારબાદ રાત્રિ રોકાણ ગાંધીનગર કર્યું હતું. જ્યાંથી તેઓ બાય રોડ રાજકોટ આવવા માટે નીકળ્યા હતાં. નિર્ધારિત સમય કરતાં તેઓને આવવામાં મોડું થતાં રોડ-શોમાં જોડાઇ શક્યા ન હતાં. રોડ-શોમાં તેઓની ગેરહાજરીને ખૂબ જ સૂચક માનવામાં આવે છે અનેક તર્ક-વિતર્કો પણ સર્જાઇ રહ્યા છે. જો કે રાજકોટમાં આગમન થતાંની સાથે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આવકારવા માટે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે પહોંચી ગયા હતા ત્યાં તેઓએ સ્ટેજ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.